કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં જણાવ્યું હતું કે આવતા વર્ષે 1 જાન્યુઆરીએ રામ મંદિર બનીને તૈયાર થઇ જશે. એવામાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા જગદાનંદ સિંહે રામ મંદિરને લઈને વિવાદિત નિવેદન આપ્યું છે. આરજેડી નેતાએ કહ્યું કે રામ મંદિર નફરતની જમીન પર બની રહ્યું છે.
જગદાનંદ સિંહે કહ્યું, “કણ કણમાં રહેતા રામ હવે પથ્થરોની દીવાલોમાં કેદ થઇ ગયા છે, નફરતની ધરતી પર રામ મંદિર બની રહ્યું છે. હવે ભારતમાં કટ્ટરપંથીઓના રામ બચશે, હવે ગરીબોના, ઝૂંપડીમાં રહેતા લોકોના, તુલસીના રામ, અયોધ્યાના રામ, શબરીના એઠા ફળ ખાનાર રામ હવે ભારતમાં નહીં રહે, રામ હવે પથ્થરોની અંદર જ રહેશે.”
તેઓએ વધુમાં જણાવ્યું કે હવે ભારતનો રામ દરેક કણમાં રહેશે. આરએસએસના રામ જ્યાં ઇચ્છે ત્યાં રહી શકશે. ભારતના રામને ક્યારેય લોકો પાસેથી છીનવીને કેદ ન કરી શકાય. અમે રામના લોકો છીએ, જય શ્રીરામ વાળા લોકો નથી. હવે રામ માત્ર મંદિરના જ રહેશે? શું હવે રામ દેશના નહીં રહે?
જગદાનંદ સિંહના નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કર્યો છે. ભાજપ પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ ટ્વીટ કર્યું હતું કે હિન્દુ આસ્થાને ઠેસ પહોંચાડવી એ આરજેડી-કોંગ્રેસ માટે ધર્મનિરપેક્ષતા છે. પૂનાવાલાએ લખ્યું, ” તેઓ રામજન્મભૂમિને નફરતની ભૂમિ, રામ મંદિરને ચાર દીવાલ ગણાવી રહ્યા છે. આ પહેલા તેઓ PFI પર પ્રતિબંધ દરમિયાન પણ હિંદુઓને નિશાન બનાવતા વિવાદાસ્પદ નિવેદનો આપી ચૂક્યા છે. જેમાં હુસૈન દલવાઈથી લઈને જગદાનંદ સિંહનો સમાવેશ થાય છે. આ સંયોગ નહીં, પરંતુ મત બેંક પ્રયોગ છે.”