Homeમેટિનીરાજશ્રી-અમિતાભની પહેલી ફિલ્મ ફ્લોપ હતી

રાજશ્રી-અમિતાભની પહેલી ફિલ્મ ફ્લોપ હતી

બડજાત્યા પરિવારની નિર્માણ કંપનીનાં ૭૫ અને યશરાજનાં ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે ત્યારે સૂરજ બડજાત્યાની ‘ઊંચાઈ’નું વિતરણ આદિત્ય ચોપડા કરશે

હેન્રી શાસ્ત્રી

૧૯૭૩માં એન્ગ્રી યંગ મેન તરીકે ઓળખ મેળવનાર અમિતાભ બચ્ચન ‘ઝંઝીર’ના ૫૦ વર્ષ પછી બિઝી ઓલ્ડ મેનની ઓળખ આપવી પડે એટલા વ્યસ્ત છે. આ વર્ષે એમની પાંચ ફિલ્મ (ચેહરે, ઝુંડ, રનવે ૩૪, બ્રહ્માસ્ત્ર અને ગુડબાય) રિલીઝ થઈ ચુકી છે અને છઠ્ઠી ‘ઊંચાઈ’ રિલીઝ થવાની તૈયારીમાં છે. મંગલમય જીવનની પારિવારિક ફિલ્મો બનાવવા માટે જાણીતા રાજશ્રી પ્રોડક્શનની ‘ઊંચાઈ’ ૬૦મી ફિલ્મ છે અને સૂરજ બડજાત્યા પહેલી વાર અમિતજી સાથે કામ કરી રહ્યા છે. અલબત્ત બિગ બી પહેલી વાર રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મમાં કામ નથી કરી રહ્યા. ૫૦ વર્ષ પહેલા તારાચંદ બડજાત્યાએ રાજશ્રી પિક્ચર્સના બેનર હેઠળ ‘સૌદાગર’નું નિર્માણ કર્યું હતું. સુધેન્દુ રોય દિગ્દર્શિત આ ફિલ્મના મુખ્ય કલાકાર હતા નૂતન, અમિતાભ બચ્ચન અને પદ્મા ખન્ના. અલબત્ત આ ફિલ્મ ‘ઝંઝીર’ના પાંચ મહિના પછી રિલીઝ થઈ હતી અને બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ હતી. ‘સૌદાગર’માં અમિતજીની અદાકારી અવ્વલ જ હતી, પણ ગ્રામીણ પાર્શ્ર્વભૂમિ પરની સ્ત્રી અત્યાચારની કથા ધરાવતી ફિલ્મ સાથે દર્શકોએ સોદો કર્યો જ નહીં. માત્ર સાડા સાત લાખ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર માત્ર પાંચ લાખ રૂપિયાનો બિઝનેસ કરી શકી હતી. સ્થૂળ ભાવે ગોળ અને સૂક્ષ્મ ભાવે માનવ જીવનના સોદા કરતા અમિતાભ બચ્ચનની ફિલ્મમાં રસિયાઓને જરાય રસ ન પડ્યો. કદાચ એમના માનસપટ પર એંગ્રી યંગ મેન અંકિત થઈ ગયો હતો.
જાણવા જેવી વાત એ છે કે રાજશ્રીની ‘સૌદાગર’ બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મના વિભાગમાં ઓસ્કર અવૉર્ડ માટે પસંદ કરવામાં આવેલી આ ફિલ્મ નોમિનેશન મેળવવામાં નિષ્ફળ રહી હતી. ૧૯૭૦ની ‘દેવી’ અને ‘યાદગાર’ પછી આ નૂતનની ચરિત્ર ભૂમિકાના દોરની શરૂઆતની ફિલ્મ હતી. નૂતન અદભુત અભિનેત્રી કેમ કહેવાય છે એનો આ ફિલ્મ વધુ એક પુરાવો છે. જોકે, આ ફિલ્મ રિલીઝ થઈ એ પહેલાં જ નૂતનએ અભિનયનો એવરેસ્ટ સર કરી લીધો હતો. અમિતજીએ આ ફિલ્મ સાઈન કરી ત્યારે હજી તેમની વિશિષ્ટ ઓળખ નહોતી બની. હીરો તરીકે માત્ર ‘બોમ્બે ટુ ગોઆ’ને સફળતા મળી હતી જ્યારે અન્ય ફિલ્મો કંઈ ઉકાળી નહોતી શકી. અલબત્ત મોતીના રોલમાં અમિતાભની પ્રતિભા ઓળખ ફિલ્મમેકરોને થાય એવી પ્રભાવી કામગીરી ’સૌદાગર’માં હતી. ગામડામાં ગોળ બનાવવા વપરાતો રસ વૃક્ષમાંથી કાઢવામાં નિપુણતા ધરાવતો અને નિજી જીવનની ખુશી માટે પતિ ગુમાવનાર મહિલા સાથે છેતરપિંડી કરનારા યુવાનના પાત્રમાં અમિતાભ અભિનયના અજવાળા પાથરવામાં સફળ રહ્યા છે. ફિલ્મના ટાઈટલ પૂરા થયા પછી પહેલી જ ફ્રેમમાં અમિતાભ નજરે પડે છે અને ચિત્રપટની અંતિમ ફ્રેમમાં પણ અમિતાભનો ક્લોઝ અપ છે. આ એ સમયની ફિલ્મ છે જ્યારે પરિસ્થિતિ કે વાતાવરણનું નિરૂપણ કલાત્મક રીતે કરવામાં આવતું હતું. રસમાંથી ગોળ બનાવવામાં નિપુણ નૂતનથી છૂટા પડી ગયેલા અમિતાભે પદ્મા ખન્નાના સહયોગથી બનાવેલા ગોળની બજારમાં ઠેકડી ઊડે છે ત્યારે હતાશ થઈ ગયેલો અમિતાભ રસ એકઠો કરવા ઝાડ પર મુકેલા માટલા પર પથ્થર ફેંકે છે એ સીન જોશો તો ‘ઝંઝીર’ના ઈન્સ્પેક્ટર વિજય ખન્નાનું ટ્રેલર જોતા હો એવું લાગશે. હતાશ અમિતાભ ઘરે પાછો ફરે છે ત્યારે એની નિષ્ફળતા જાણ્યા પછી પદ્મા ખન્ના પિયર જવા નીકળી જાય છે. જોકે, અમિતાભને પાછળ પાછળ આવતો જોઈ એ રાજી થાય છે, પણ અમિતાભને નૂતનના ઘર તરફ વળતો જોઈ એને કુતૂહલ થાય છે અને એની પાછળ પાછળ જાય છે. ફિલ્મના કલાત્મક અંતમાં નૂતન અને પદ્મા ખન્ના એકબીજાને ભેટે છે, ફિલ્મ પૂરી થાય છે અને વાર્તાનો અંત નક્કી કરવાનો હવાલો દિગ્દર્શક દર્શકને સોંપી દે છે. હેલન અથવા મધુમતી ડાન્સર તરીકે ઉપલબ્ધ ન હોય ત્યારે જેને ફિલ્મમાં લેવામાં આવતી એ પદ્મા ખન્નાને આ ફિલ્મમાં અભિનય કરવાની તક મળી જે તેણે સુપેરે નિભાવી છે. ફિલ્મના ગીત – સંગીત રવિન્દ્ર જૈનના હતા અને લતાદીદીના સ્વરમાં ‘ધૂપ હો છાયા હો, તેરા મેરા સાથ રહે’, આશાજીનું ‘સજના હૈ મુજે સજના કે લિયે’ અને કિશોર કુમારનું ‘હર હસીન ચીઝ કા મૈં તલબગાર હૂં’ આજે પણ સંગીત રસિકોના સ્મરણમાં સચવાયા છે.
ફિલ્મના દિગ્દર્શક સુધેન્દુ રાય આર્ટ ડિરેક્ટર – કલા નિર્દેશક તરીકે વધુ જાણીતા હતા. પાંચ જ ફિલ્મ ડિરેક્ટ કરનાર સુધેન્દુ રોયની ‘સૌદાગર’ ઉપરાંત રાજશ્રીની જ ‘ઉપહાર’ પણ ઓસ્કર માટે મોકલવામાં આવી હતી પણ એ સુધ્ધાં નોમિનેટ નહોતી થઈ. ૧૨૫થી વધુ ફિલ્મમાં કલા નિર્દેશકની જવાબદારી સાંભળનાર સુધેન્દુ રાયને ‘મધુમતી’ (૧૯૫૯), ‘મેરે મેહબૂબ’ (૧૯૬૩) અને ‘સગીના’ (૧૯૭૪) માટે ફિલ્મફેર એવોર્ડ એનાયત થયા હતા. તેમની આર્ટ ડિરેક્ટર તરીકે શરૂઆત બિમલ રોય જેવા કલાત્મક અભિગમ ધરાવતા ડિરેક્ટર સાથે થઈ હતી. ‘સુજાતા’ અને ‘બંદિની’ સાથે પણ સુધેન્દુ રાય સંકળાયા હતા. બીજી તરફ સુભાષ ઘઈ સાથે ‘કર્ઝ’ અને ‘કર્મા’માં પણ તેમનો કસબ જોવા મળ્યો. ‘કર્ઝ’ના ‘ઓમ શાંતિ ઓમ’ ગીતમાં તેમણે ડિઝાઈન કરેલો ટર્નટેબલનો સેટ ત્યારે ખૂબ વખણાયો હતો. આ બંગાળી કસબીએ યશ ચોપડાની ‘ચાંદની’, ‘સિલસિલા’, ‘લમ્હે’ અને ‘ડર’માં પણ કલા નિર્દેશનની કમાલ દેખાડી હતી. આવતા મહિને રિલીઝ થઈ રહેલી ‘ઊંચાઈ’ની મજેદાર વાત એ છે કે અત્યાર સુધી વિવિધ ભાષાઓમાં એક હજારથી વધુ ફિલ્મોનું ડિસ્ટ્રીબ્યુશન એટલે કે વિતરણ કરનાર અને ૭૫ વર્ષ પહેલા (૧૯૪૭) ફિલ્મ વિતરણના વ્યવસાય માટે શરૂ થયેલી રાજશ્રીની આ ફિલ્મના મોટા ભાગના વિતરણની જવાબદારી યશ રાજ ફિલ્મ્સને સોંપવામાં આવી છે. ‘આદમી ઔર ઇન્સાન’ (૧૯૭૦) પછી મોટા ભાઈ બલદેવ રાજ ચોપડા સાથે છેડો ફાડનાર યશ ચોપડાએ સ્વતંત્રપણે ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું. રાજેશ ખન્ના, રાખી અને શર્મિલા ટાગોરની ૫૦ વર્ષ પહેલા રિલીઝ થયેલી ‘દાગ’ તેમની પ્રથમ ફિલ્મ હતી. ૧૯૯૭માં યશરાજ ફિલ્મ કંપનીએ વિતરણમાં પણ ઝંપલાવ્યું અને અત્યાર સુધીમાં ૫૦થી વધુ બહારની ફિલ્મોનું ડિસ્ટ્રીબ્યુશન આ કંપની કરી ચુકી છે.
આ વ્યવસાયમાં તેમની હથોટી બેસી ગઈ અને સફળતા પણ મળી જેને પગલે રાજશ્રીની ફિલ્મના વિતરણની જવાબદારી મળી જે ગૌરવની વાત કહેવાય. સૂરજ બડજાત્યાની ‘પ્રેમ રતન ધન પાયો’નું વિતરણ પણ રાજશ્રીએ નહોતું કર્યું. આમ પોતે નિર્માણ કરેલી ફિલ્મના વિતરણની જવાબદારી અન્ય ડિસ્ટ્રીબ્યુટરને આપવામાં આવી હોય એવો રાજશ્રી માટે આ બીજો જ પ્રસંગ છે.
———
‘સમાપ્તિ’: દોઢ દિવસમાં સમાપ્ત
હિન્દી ફિલ્મ ઈતિહાસમાં લાંબો સમય ચાલેલી ફિલ્મના અનેક ઉદાહરણો જોવા મળે છે. ‘બરસાત’, ‘મુઘલ – એ – આઝમ’, ‘શોલે’, હમ આપકે હૈં કૌન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ વગેરે જાણીતા ઉદાહરણ છે. બીજી તરફ એવી પણ ફિલ્મો છે જે અલ્પજીવી સાબિત થઈ છે. અલબત્ત પૂરી થયા પછી પણ કોઈ કારણોસર રિલીઝ નહીં થઈ શકેલી ફિલ્મોની વાત અલગ છે. આજે આપણે એક એવી ફિલ્મ વિશે જાણીએ જેણે ટાઈટલને અવળી રીતે સાર્થક કર્યું. પાત્રના પ્રેમ અને દર્દને અલાયદા અવાજથી વાચા આપવા માટે મશહૂર તલત મેહમૂદ એક ઉમદા ગાયક તરીકે રસિકોના હૃદયમાં સ્થાન ધરાવે છે. જોકે, તલતજીએ કેટલીક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. ૧૯૪૯માં રિલીઝ થયેલી ‘સમાપ્તિ’ વિશે તલતસાબે જ એક ઈન્ટરવ્યૂમાં કહેલી વાત તેમના જ શબ્દોમાં જાણીએ. ફિલ્મ અંગે તલત મેહમુદએ જણાવ્યું હતું કે ભારતીય સિનેમાના ઈતિહાસમાં ‘સમાપ્તિ’ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. એનું પ્રમુખ અને એકમાત્ર કારણ એ છે કે આ ફિલ્મ કલકત્તાના થિયેટરોમાં માત્ર દોઢ દિવસ જ ચાલી હતી. ફિલ્મના નિર્માતાએ આ ફિલ્મ બનાવવા અઢળક પૈસા ખર્ચ્યા હતા. જે સમયમાં મોટાભાગની હિન્દી ફિલ્મ પચાસથી સાઠ હજાર રૂપિયામાં બનતી હતી એ સમયે ‘સમાપ્તિ’નું બજેટ હતું અધધ કહી શકાય એવું આઠ લાખ રૂપિયાનું. નિર્માતાના અને સાથે મારા પણ કમભાગ્ય કે આ ફિલ્મ તરવાનું શરૂ કરે એ પહેલા જ ડૂબી ગઈ. ટૂંકમાં ‘સમાપ્તિ’ દોઢ દિવસમાં જ સમાપ્ત થઈ ગઈ. ગ્લેમરની દુનિયાની ઝાકઝમાળ પાછળ કેવી ગમગીની પણ છુપાઈ હોય છે.

 

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -