સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે જણાવ્યું હતું કે એરો ઇન્ડિયા એક્સ્પો માત્ર એરોસ્પેસ ક્ષેત્રમાં દેશની વધતી જતી ક્ષમતાને જ નહીં, પરંતુ એક મજબૂત અને આત્મનિર્ભર ‘ન્યૂ ઇન્ડિયા’ના ઉદયને પણ દર્શાવશે. એરો ઈન્ડિયા પ્રદર્શન બેંગલુરુમાં 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. તે એશિયાના સૌથી મોટા એરોસ્પેસ પ્રદર્શન તરીકે ઓળખાય છે. રાજનાથ સિંહે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી જ્યાં તેમણે મેગા પ્રદર્શનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રદર્શન ગોઠવનારા 731 લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે, પાંચ દિવસીય ઈવેન્ટની થીમ ‘ધ રનવે ટુ અ બિલિયન ઓપોર્ચ્યુનિટીઝ’ હશે. અત્યાર સુધીનો સૌથી મોટો એરો શો એરફોર્સ સ્ટેશન, યેલાહંકા ખાતે લગભગ 35,000 ચોરસ મીટરના કુલ વિસ્તારમાં યોજાશે. નિવેદનમાં જણાવાયું છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે તમામ હિતધારકોને સહભાગીઓ માટે ફૂલપ્રૂફ વ્યવસ્થા સુનિશ્ચિત કરવા હાકલ કરી છે.
રાજનાથ સિંહે એમ પણ કહ્યું હતું કે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે અને ખાનગી ક્ષેત્રની સક્રિય ભાગીદારી એ પરિવર્તન માટે સૌથી મોટું ઉત્પ્રેરક છે. “માત્ર ખાનગી ક્ષેત્ર જ નહીં, પરંતુ R&D સંસ્થાઓ અને શિક્ષણવિદો પણ સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છે,” તેમણે ઉમેર્યું. એરો ઈન્ડિયા એ તમામ હિતધારકોને સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રને સંયુક્ત રીતે મજબૂત કરવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું માધ્યમ છે.
એરો ઈન્ડિયા એક વ્યાપારી કાર્યક્રમ છે, પરંતુ તેનો હેતુ અન્ય દેશો સાથે સંબંધોને મજબૂત કરવાનો પણ છે. એરો ઇન્ડિયાની બહુવિધ આવૃત્તિઓનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ બેંગલુરુની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે આ ઇવેન્ટ કર્ણાટકને ઉડ્ડયન અને એરોસ્પેસ ઉદ્યોગના હબ તરીકે આકાર આપી રહી છે. રાજનાથ સિંહે કર્ણાટકને દેશના આર્થિક વિકાસમાં ફાળો આપનાર અગ્રણી રાજ્યોમાંનું એક ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “કર્ણાટક રાજ્ય તેની કુશળ માનવ સંસાધન અને મજબૂત સંરક્ષણ ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે જાણીતું છે. તે સ્થાનિક અને બહુરાષ્ટ્રીય સંરક્ષણ અને ઉડ્ડયન કંપનીઓ માટે ઉત્પાદન અને R&D પ્રવૃત્તિઓ માટે પસંદગીનું કેન્દ્ર છે.