લાંબી ચર્ચાઓ અને ખેંચતાણ બાદ ગુજરાત રાજ્યના નવા ચીફ સેક્રેટરી તરીકે IAS અધિકારી રાજકુમારની નિમણુક કરવામાં આવી છે. 31 જાન્યુઆરી બાદ તેઓ હોદ્દો સંભાળશે. નોંધનીય છે કે રાજ્યના હાલના મુખ્ય સચિવ પંકજકુમાર 31 જાન્યુઆરીએ વયનિવૃત્ત થવાના છે.
મુખ્ય સચિવ પદ માટે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. મળતી માહિતી મુજબ ગત બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના પોલીસ વડા અને રાજ્યના વહીવટી વડા માટે ચાર નામો અંગે ચર્ચા થઇ હતી. ત્યારબાદ આ નામો દિલ્હી મોકલવામાં આવ્યા હતા. રાજકુમાર ઉપરાંત એસ અપર્ણા, વિપુલ મિત્રા અને મુકેશ પુરીના નામ પર પણ ચર્ચા થઇ હતી. પરંતુ ચીફ સેક્રેટરી તરીકે ગૃહ અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ રાજકુમારનું નામ પ્રથમ હરોળમાં હતુ. અંતે આજે તેમના નામ પર મહોર લાગી ગઈ છે.
નોંધનીય છે કે રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર ઉપરાંત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા પણ જાન્યુઆરી 2023માં નિવૃત્ત થઇ રહ્યાં છે. વહીવટી અને પોલીસના વડા તરીકે બન્ને ઓફિસરોને વધુ એક્સટેન્શન આપવાની શક્યતા નહિવત હતી. બંને હોદાઓ માટે કોને પસંદ કરવા તેણે લઈને ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી. રાજ્યના ડીજીપી તરીકે અતુલ કરવલની શક્યતા જોવામાં આવે છે.