મીનાક્ષી શેષાદ્રી, ઋષી કપૂર અને સન્ની દેઓલની ફિલ્મ દામીની યાદ કરો ત્યારે કોર્ટરૂમ સિન્સ યાદ આવે અને સન્ની દેઓલનો યાદગાર સંવાદ પણ યાદ આવે, તારીખ પે તારીખ. આ ફિલ્મના સર્જક રાજકુમાર સંતોષીને પણ રાજકોટની કોર્ટ તારીખ આપી છે.
રાજકોટના આસામીને આપેલા ચેક રિટર્ન કેસમાં થયેલી સજાના હુકમ સામે ઉપલી કોર્ટમાં અપિલ કરી છે અને તેની સુનાવણી માટે તેઓ રાજકોટ આવ્યા હતા. અહીં કોર્ટે તેમને આગલી સુનાવણી માટે 17 મેની તારીખ આપી છે.
ઘાયલ, દામીની, અંદાજ અપના અપના, ખાકી, ચાઇના ગેટ, અજબ પ્રેમ કી ગઝબ કહાની અને ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપનાર બોલીવુડના ફિલ્મ મેકર રાજકુમાર સંતોષી ચેક રિટર્ન કેસમાં થયેલી સજાના હુકમ સાથે કરેલી અપીલની મુદ્દતમાં આજે ગુરૂવારે રાજકોટ કોર્ટમાં હાજર રહ્યા હતા. આ કેસમાં અદાલતે ૧૭ મેની મુદ્દત આપી છે.
કેસની વિગત મુજબ, જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી અને રાજકોટના ફરિયાદી વચ્ચે નાણાકીય લેતીદેતીના સંબંધો હોવાથી આર્થિક વ્યવહાર થયા હતા. આ વ્યવહાર પેટે રાજકુમાર સંતોષીએ આપેલા રૂપિયા ૨૨.૫૦ લાખના બે ચેક બેંકમાંથી વસૂલાત વગર પરત ફરતા ફરિયાદીએ તેમના એડવોકેટ મારફત નોટીસ પાઠવી હતી. નોટિસ જવા છતાં રકમ ચૂકવવાની દરકાર નહિ કરતા ફિલ્મ નિર્માતા વિરુદ્ધ વર્ષ ૨૦૧૬ માં રાજકોટ કોર્ટમાં ચેક રિટર્નની બે અલગ અલગ ફરિયાદ નોંધાવાઇ હતી. બન્ને કેસમાં રાજકુમાર સંતોષીને એક-એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબનું વળતર ૬૦ દિવસમાં ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કર્યો હતો. વળતરની રકમ નિયત સમયમાં ન ચૂકવે તો વધુ એક વર્ષની સજાનો આદેશ કર્યો હતો.
કોર્ટે ફરમાવેલી સજામાં વધારો કરવા ફરિયાદીએ અપીલ દાખલ કરી હતી. જ્યારે સજાના હુકમથી નારાજ થઈ ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષીએ ઉપલી કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જે અપીલની સુનાવણી માટે રાજકુમાર સંતોષી આજે ૬ એપ્રિલ, ગુરુવારે રાજકોટ કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે બંને પક્ષની રજૂઆતો બાદ સુનાવણી માટે આગામી ૧૭ મે ના રોજ હાજર રહેવા મુદત આપી છે.