ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે. ત્યારે રાજકોટ પશ્ચિમની બેઠક પર ઉમેદવારી મામલે ભાજપમાં ખેંચતાણ વધી ગઈ છે. વજુભાઈ વાળાએ તેમના પીએ તેજસ ભટ્ટી માટે ટિકિટની માંગી છે ત્યારે બીજી તરફ વિજય રૂપાણીએ નીતિન ભારદ્વાજને ટિકિટ મળે એવી માગ કરી છે. આ બેઠકને ભાજપને ગઢ માનવામાં આવે છે.
વજુભાઇ વાળાએ કહ્યું હું પાર્ટીનો કાર્યકર છું. પાર્ટી જે ઉમેદવારનું નામ આપશે તેને જીતાડવા માટે હું તન, મન અને ધનથી કામ કરીશ. ઉમેદવારોનાં નામ રાજ્યકક્ષા અને કેન્દ્ર સરકારનાં લોકો નક્કી કરીને કહેશે.
તેમણે વધુમાં કહ્યું કે મોરબીની દુર્ઘટનારાજ્યની બેદરકારીને કારણે નથી બની. નગરપાલિકાએ કોઇ કંપનીને કામ માટે આપ્યુ હતુ. SITનું નિર્માણ કર્યુ છે તેના રિપોર્ટમાં સામે આવશે કે આમાં કોણ જવાબદાર છે અને કોના કારણે આ દુર્ઘટના ઘટી છે. મોરબીની દુર્ઘટનાની કોઇ અસર ચૂંટણી પર નહીં પડે.
ત્યારે રાજકોટ પશ્ચિમની બેઠક પરથી પાટીદારોએ પણ ટીકીટની માંગ કરી હતી. સિદસર ઉમિયાધામના પ્રમુખ જેરામ વાંસજાળિયાએ જણાવ્યું હતું કે ‘પશ્ચિમની બેઠક પર અમારા સવા લાખ મતદારો છે, પાટીદારને ટિકિટ આપો.’ રાજકોટ શહેર ભાજપ-પ્રમુખ કમલેશ મીરાણી પર ટિકિટની માગ કરી રહ્યા છે.
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ રાજકારણ ગરમાયું હતું. ત્યારબાદ વિજય રૂપાણીએ યુ ટર્ન લેતા તેમના બદલે નીતિન ભારદ્વાજને ટિકિટ મળે એવી માગ કરી હતી.