સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ગણતરી ભારતીય સિનેમાના સૌથી મોટા સુપરસ્ટારમાં કરવામાં આવે છે. છેલ્લાં પાંચ દાયકાથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. જોકે, હવે તેમના ફેન્સને આઘાત લાગે એવા સમાચાર આવી રહ્યા છે, કારણ કે એક્ટર તેમના એક્ટિંગ કરિયરને અલવિદા કહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ રજનીકાંત એક્ટિંગને અલવિદા કહેશે એવા સમાચારો વાંચવા મળે છે.
હવે ફરી એકવાર એવા સમાચાર આવી છે કે તેમનો 171મો પ્રોજેક્ટ એ તેમની અંતિમ ફિલ્મ હશે. રજનીકાંત પોતાની છેલ્લી ફિલ્મ લોકેશ કનાગરાજ સાથે પૂરી કરશે. તાજેતરમાં જ આપેલા એક ઇન્ટરવ્યુમાં મિસ્કિન કે જે લોકેશ કનાગરાજની ફિલ્મમાં એક ભૂમિકા નિભાવી રહ્યા છે તેમણે રજનીકાંતની થલાવિયાર 171 વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું કે રજનીકાંત તેની 171મી ફિલ્મ માટે નિર્દેશક લોકેશ કનાગરાજ સાથે કામ કરશે. મિસ્કીન એવું પણ જણાવ્યું હતું કે થલાઈવર 171 સુપરસ્ટારની પ્રખ્યાત કારકિર્દીની છેલ્લી ફિલ્મ હોઈ શકે છે.
દિગ્દર્શકે એમ પણ કહ્યું કે રજનીકાંતે જ વ્યક્તિગત રીતે લોકેશ કનાગરાજને તેમની કારકિર્દીની અંતિમ ફિલ્મના નિર્દેશન માટે બોલાવ્યા હતા. જોકે, આ અંગે થલાઈવા દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં રજનીકાંત હાલમાં તેમની પુત્રી ઐશ્વર્યા દ્વારા નિર્દેશિત ફિલ્મ લાલ સલામના શૂટિંગમાં વ્યસ્ત છે. બીજી તરફ, રજનીકાંતે નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત તેમની આગામી ફિલ્મ જેલરનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. ત્યાર બાદ સુપરસ્ટારે જય ભીમ ફેમ ડિરેક્ટર ટીજે જ્ઞાનવેલ સાથે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. પણ જો આ 171મી ફિલ્મ બાદ રજનીકાંત એક્ટિંગને અલવિદાય કહેવાના હોય તો ચોક્કસ જ આ તેમના ચાહકો માટે દિલ તોડનારા સમાચાર બની શકે છે.