ગુજરાત રાજ્યનો એક અનોખો સરહદી જિલ્લો કચ્છ. જ્યાં વિવિધ સંસ્કૃતિ અને વિરાસત સાથે લોકો વસવાટ કરે છે. જ્યાંની પ્રજા અસંખ્ય દુકાળ, વાવાઝોડાં, ધરતીકંપ વગેરે જેવી અનેક કુદરતી આપદાનો સામનો કરીને પોતાની સંસ્કૃતિ અને અસ્મિતાને ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ છે. એટલે જ કચ્છની ધરતીને ખમીરવંતી કહેવામાં આવે છે.
આજે આપણે વાત કરીશું કચ્છના એક દુર્ગમ વિસ્તારની એક શ્રમજીવી મહિલાની જેમણે સ્વબળે અને પરિશ્રમથી પોતાની પહેચાન બનાવી છે અને રાષ્ટ્રકક્ષાએ માન-સન્માન આપણા લોકલાડિલા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ દ્વારા ૪-૩-૨૦૨૩ના રોજ રાષ્ટ્રપતિ ઍવૉર્ડ માટે પસંદગી પામ્યાં છે. તે રાજીબેન વણકર, કચ્છનું નામ આન, બાન અને શાનથી વધાર્યું છે.
ખમીરવંતા મહિલા શ્રીમતી રાજીબેન વણકર જેમનો જન્મ ભૂજ તાલુકાના કોટાય ગામમાં વર્ષ ૧૯૭૯માં થયો હતો. પરિવારમાં માતાપિતા સાથે ૬ બહેનો અને ૧ ભાઈ સાથે પોતાનું બાળપણ વિતાવ્યું. અભ્યાસમાં ભણવાની ઈચ્છા બહુ જ પણ સામાજિક બંધન અને માળખાગત સુવિધાના અભાવે માત્ર બે ધોરણ સુધી જ અભ્યાસ કરી શકયાં હતાં. મોટો પરિવાર અને ટૂંકી આવક હોઈ પોતે પણ માતા સાથે મજૂરી કરવા જતાં અને સાંજના સમયે પિતાજી સાથે વણાટકામ કરતા હતા. વણાટ કામમાં લાંબા ઉનના દોરા અને તેમને કાંતવાની કામગીરી તેમને ખૂબ જ ગમતી અને તેઓ પિતાને કઈ નવી જ રીતે કાંતવાની વણમાગી સલાહ આપી!
રાજીબેનના લગ્ન અંજાર તા.ના વીડી ગામ ખાતે મધ્યમ વર્ગ કુુટુંબમાં થયા. જ્યાં રાજીબેને નવા અરમાન અને સપનાઓ સાથે પોતાનો સંસાર માંડ્યો. તેમનું સ્વપ્ન હતું કે ‘મારી પાસે રહેલા હુન્નરને ઉજાગર કરી વણાટકામમાં નવીન કામગીરી સાથે મારા પતિને ઘરની આર્થિક પરિસ્થિતિમાં ઉત્થાન લાવવા માટે મદદ કરીશ અને મારી પોતાની એક આગવી ઓળખ સ્થાપિત કરીશ. પણ કહેવત છે કે સમયથી પહેલા અને નસીબથી વધુ કોઈ ને કંઈ મળતું નથી.
કુદરત પણ તેમનાથી નિષ્ઠુર બની હોય તેમ એક દિવસ મજૂરી કામ પર જતાં તેમના પતિને હૃદય રોગનો હુમલો આવ્યો અને કોઈપણ સારવાર મળે તે પહેલા જ તેમનું આકસ્મિક મૃત્યુ થયું. હવે પરિવારમાં માત્ર દીકરા અને એક દીકરી ઘરમાં. કમાનાર કોઈ રહ્યું ન હતું.
આ ઘટના બાદ રાજીબેન પર દુ:ખના ડુંગર તૂટી પડ્યાં હોય તેવું ભાસતું હતું. રાજીબેને વીડી ગામમાં રહી રોજગારી માટે અન્ય કોઈ વિકલ્પ ન દેખાતાં તે વર્ષ ૨૦૦૭માં ભૂજ શહેરની નજીક આવેલ અવધનગર ગામમાં વસવાટ કરવા માંડ્યું અને નાની મોટી મજૂરી કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે અને બાળકોને સારું શિક્ષણ આપી શકે તે માટે રહેવા લાગ્યાં.
રાજીબેન દિવસ-રાત કાળી મજૂરી કરતાં જે થોડી આવક થતી તેમાંથી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. એક દિવસ રાજીબેનને જાણ થઈ કે તેમના ગામમાં કોઈ સરકારી કર્મચારી આવવાના છે અને જે માતા-બહેનોને સરકાર તરફથી મળતા વિવિધ લાભો અને સહાય અંગે માહિતી આપવાના છે. એ દિવસે રાજીબેન વહેલા ઘરકામથી પરવારીને ભાવનાબેનના ઘેર મીટિંગમાં હાજરી આપવા માટે સમયસર પહોંચી ગયાં. જ્યાં તેમને ‘મિશન મંગલમ્’ યોજના અંગેની માહિતી મેળવી અને બહેનો આર્થિક અને સામાજિક રીતે કેમ સ્વાવલંબી અને સશક્ત બની શકે તે બાબતે સમજાવવામાં આવ્યું. હજુ તો મીટિંગ ચાલુ જ હતી ત્યાં તો રાજીબેન ઊભાં થયાં અને કહ્યું કે ‘હું મિશન મંગલમ્’ યોજના સાથે જોડાઈને સખી મંડળ બનાવીશ તો મારી સાથે કેટલી બહેનો જોડાવવા માગે છે?
ત્યાં ઉપસ્થિત બધી બહેનો અને મહિલાઓ રાજીબેન સાથે જોડાવવા સહમત થયાં અને ‘કુળદેવી સખી મંડળ’ની રચના કરવામાં આવી. જ્યાં રાજીબેનને મંડળના પ્રમુખ બનાવ્યાં અને પ્રતિમાસ રૂ. ૫૦/-થી દરેક બહેનોએ મંડળતમાં બચત કરવાનું નક્કી કર્યું. નજીકની બૅંકમાં મંડળનું ખાતું ખોલાવવામાં આવ્યું. આમ કરતાં કરતાં મહિના વીતી ગયા ત્યાં ‘મિશન મંગલમ્’ યોજનાના ક્લસ્ટર કર્મચારી ફરીથી ગામની મુલાકાતે આવ્યા અને એ સમયે સાથે બહેનોએ રોજગારી આપતી સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિને પણ સાથે લાવ્યા હતા. આ સંસ્થા હાથશાળ પર કામ કરી શકે તેવી બહેનોની શોધમાં હતી. તેમને બહેનોએ શું કામ કરવાનું છે? અને તેમના માટે તેમને કેટલું મહેનતાણું મળશે? કેવી રીતે મળશે? વગેરે બાબતોને ઊંડાણપૂર્વક સમજાવી.
તાત્કાલિક રાજીબેન અને અન્ય કેટલીક બહેનો આ સંસ્થા સાથે જોડાઈ કામગીરી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સમય વિત્યો અને રાજીબેનની ઈચ્છાઓમાં નવી પાંખો આવવા લાગી. વણાટકામમાં કંઈક નવું કરવાની ઈચ્છા સંસ્થાના ડિઝાઈનર સામે વ્યક્ત કરી.
વેસ્ટ પ્લાસ્ટિકમાંથી કેમ વિવિધ અને સારી વસ્તુઓ બનાવી શકાય તેની માહિતી પણ મહિલાઓને આપવામાં આવી. ગ્રામ સંગઠન દ્વારા ‘કુળદેવી સખી મંડળ’ને રૂા. ૭૦,૦૦૦/- કમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું. વધુમાં રૂા. ૨,૦૦,૦૦૦/-ની કેશ ક્રેડિટ લોન મેળવી ઘર – ઘર ૧૦ જેટલી હાથશાળની અને જરૂરી રો-મટેરિયલ (કાચોમાલ)ની જથ્થામાં ખરીદી કરી ૧૫ બહેનોએ જાતે જ પોતાના ગામમાં પ્લાસ્ટિક વિંવિંગની કામગીરી શરૂ કરી.
રાજીબેન બહેનોના ઉત્સાહ સાથે મળીને ખૂબ જ સારી ગુણવત્તા સાથે અવનવી વસ્તુઓનું ઉત્પાદન કરવા લાગ્યાં. રાજીબેનને પોતાનાં સ્વપ્નો સાકાર થતા હોય એમ લાગવા માંડ્યું અને તેમની સાથે જોડાયેલ અનેક બહેનોના સ્વપ્ન પોતે સાકાર કરશે તેવી નેમ સાથે આજે રાજીબેન ૩૫ થી ૪૦ જેટલી મહિલાઓને રોજગારી આપી રહ્યા છે. પ્લાસ્ટિક એકઠું કરીને આપે તેમને પણ પ્રતિ કિલો રૂ. ૨૦/- આપે છે. જે રાજીબેન એક સમયે ખુદ રોજગારી માટે ભટકતાં તે આજે અન્ય બહેનોને રોજગારી આપી રહ્યાં છે. તે ખૂબ જ અગત્યની બાબત છે અને મહિલા આત્મલંબન, સશક્તિકરણ અને ઉત્થાનનો આ એક જીવંત દૃષ્ટાંત છે.
જે જાત અનુભવ બાદ રાજીબેન તેમના જેવી અન્ય મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે પગભર થવા મદદરૂપ થઈ રહ્યાં છે. તેઓ વિવિધ પ્રદર્શન મેળામાં તેમજ ઓનલાઈન વેચાણમાં ભાગ લઈ પ્રતિવર્ષ રૂા. ૮.૦૦ થી ૧૦.૦૦ લાખનો વ્યાપાર કરી રહ્યાં છે.
રાજીબેને તેમની સાથે જોડાયેલ બહેનોને આકસ્મિક આફત સમયે બચતનું મહત્ત્વ શું હોય છે અને નારી શિક્ષણની જરૂરિયાત અંગેની સમજ આપે છે.
તેમની કામગીરી અને હિંમતને બિરદાવવા માટે રાજ્ય સરકાર દ્વારા (૧) શ્રેષ્ઠ કામગીરી નારી ઍવોર્ડ ૨૦૨૧ ૠકઙઈ, ગ્રામ વિકાસ વિભાગ (૨) ‘સોશિયલ એન્ટરપ્રેન્યોર ઍવોર્ડ’ ફોર કલાઈમેન્ટ ફ્રેન્ડલી ઈનોવેશન, નાબાર્ડ (૩) ‘વુમેન એક્સેલેન્સ ઍવોર્ડસ’ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન ૨૦૨૨ ઍવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. હાલમાં રાજીબેન વણકરની બાયોડિગ્રેડેબલ વેસ્ટ તેમજ પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ કેટેગરીમાં સુંદર કામગીરી અર્થે રાષ્ટ્રપતિ ઍવોર્ડ માટે પણ પસંદગી પામ્યાં છે. ૦૪ માર્ચ, ૨૦૨૩ના રોજ તેમની શ્રીમતી દ્રૌપદી મુર્મૂ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા રાજીબેનને ઍવોર્ડ એનાયત થયો.
આમ રાજીબેન એ સ્વાવલંબન અને સ્વબળે મહિલા ઉત્થાન અને મહિલા ઉત્કર્ષનું જીવંત દૃષ્ટાંત છે. સલામ છે આવી મહિલાઓને.
——————-
પૂર્તિ સંકલન: અમિત આચાર્ય, જિગ્નેશ પાઠક, દર્શના વિસરીયા અને સરિતા હરપળે