રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પોતાના એક ભાષણમાં કંઈક એવું કહી દીધું જેના કારણે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. સચિન પાયલટની છાવણી પર કટાક્ષ કરતા અશોક ગેહલોતે કહ્યું કે જેમણે પણ ભાજપ અને અમિત શાહ પાસેથી કરોડો રૂપિયા લીધા છે એમણે રૂપિયા પરત કરી દેવા જોઈએ. તેમણે એવો પણ દાવો કર્યો કે 2020માં સચિન પાયલટના બળવા દરમિયાન વસુંધરા રાજે અને અન્ય બે બીજેપી નેતાઓએ તેમની સરકાર બચાવવામાં મદદ કરી હતી.
અશોક ગેહલોતના આ દાવાને “અપમાન” અને “કાવતરું” ગણાવતા, વસુંધરા રાજેએ અશોક ગેહલોતને પડકાર આપ્યો કે જો તેમની પાસે કોંગ્રેસ વિધાનસભ્યોએ લાંચ લીધી હોવાના પુરાવા હોય તો તેઓ FIR દાખલ કરાવે. વસુંધરા રાજેએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પરના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે સીએમ ગેહલોતે તેમનું રાજસ્થાનમાં કોઈએ ના કર્યું હોય એવું અપમાન કર્યું છે.
નોંધનીય છે કે જુલાઈ 2020 માં રાજસ્થાનની અશોક ગેહલોતના સરકારના તત્કાલીન ડેપ્યુટી સીએમ સચિન પાયલટ અને તેમના 18 સમર્થક વિધાનસભ્યોએ બળવો કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની દરમિયાનગીરી બાદ કટોકટીનો અંત આવ્યો હતો. બાદમાં સચિન પાયલટને નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.
ગઈ કાલે રવિવારે અશોક ગેહલોતે એક સભામાં કહ્યું કે જે કોંગ્રેસી વિધાનસભ્યોએ અમિત શાહ પાસેથી 10-20 કરોડ લીધા છે તેઓએ સંપૂર્ણ રકમ પરત કરવી જોઈએ, નહીં તો અમિત શાહ તેમને ડરાવશે-ધમકાવશે. જો તમે કંઈ ખર્ચ કર્યો હોય તો મને કહો, તો પાર્ટી પાસેથી વળતરની માંગ કરીશ. તેઓએ રાજસ્થાનમાં પૈસા વહેંચ્યા હતા. મને આશ્ચર્ય થાય છે કે શા માટે તેઓ વિધાનસભ્યો પાસેથી પૈસા પાછા નથી માગતા.
તેમણે વધુમાં કહ્યું કે વસુંધરા રાજે, ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ કૈલાશ મેઘવાલ અને વિધાનસભ્ય શોભરાણી કુશવાહના સમર્થન દ્વારા તેમની સરકારને બચાવવામાં સફળ થયા હતા.
મુખ્યપ્રધાનના આક્ષેપનો જવાબ આપતા કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે ટ્વીટ કર્યું, ” ગેહલોત જુઠ્ઠા નંબર વન છે! જો તે એટલા જ સાચા છે, તો તેણે કરોડો લેનારાઓ સામે કેસ કેમ નોંધ્યો નહીં? આ કોંગ્રેસની આંતરિક લડાઈ છે અને મિસ્ટર ગેહલોત તેને જીતવા માટે દરેક અન્યાયી પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે.”