શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: ભગવાન શિવ કહે છે ગણેશનું અવતરણ સૃષ્ટિ માટે મંગલમય છે ચાલો આ મંગલમયપર્વને ઉજવીએ. તુરંત શિવગણો ઉત્સાહિત થઈ નવી નવી વાનગીઓ બનાવવા લાગ્યા. દેવતાઓની દુન્દુભીઓ વાગવા લાગી. અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. દેવગણો અને ઋષિગણો પણ નૃત્ય કરવા માંડ્યા, ગંધર્વશ્રેષ્ઠ ગાન કરવા લાગ્યા અને પુષ્પોની વર્ષા થવા લાગી, કૈલાસના ઉલ્લાસમય વાતાવરણમાં ડૂબી ગયેલા ભગવાન શિવ પણ નૃત્ય કરવા માંડ્યા, ભગવાન શિવને નૃત્ય કરતા જોવાનો લહાવો સમગ્ર દેવગણ અને ઋષિગણને થયો. ઘણો સમય ઉત્સવ ચાલ્યા બાદ બ્રહ્માજી, માતા સરસ્વતી, ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા સરસ્વતી, દેવર્ષિ નારદ સહિત દેવગણો ભગવાન શિવની આજ્ઞાથી પોતપોતાને ધામ ચાલ્યાં ગયાં. ગણેશ ચરિત્રસંબંધી ગ્રંથ જેના ઘરમાં સદા વર્તમાન રહે છે, તે મંગલ સંપન્ન થઈ જાય છે – એમાં લેશમાત્ર પણ સંશયની સંભાવના નથી, જે યાત્ર્ાાના અવસરે અથવા કોઈ પુણ્યપર્વ પર આને મન લગાડીને સાંભળે છે તે શ્રીગણેશજીની કૃપાથી સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રાપ્ત કરી લે છે. સમગ્ર સૃષ્ટિ પર મંગળ વરતાયા બાદ દરેક દેવગણ પોતપોતાના લોકમાં પોતાના કાર્યમાં વ્યસ્ત હતાં. દેવરાજ ઈન્દ્ર પોતાની સભામાં કાર્યરત હતા ત્યારે ત્યાં ગંધર્વોના રાજા ક્રોંચ ત્યાં તેમના અન્ય ગંધર્વશ્રેષ્ઠો સાથે ત્યાં પધારે છે અને કહે છે, ‘દેવગણોના રાજા ઇન્દ્રને અમારા પ્રણામ, અમે તમને એક નવી જ સંગીતની ધૂન સંભળાવવા આવ્યા છીએ? શું તમે અમને એનો મોકો આપશો?’ મોકો મળતાં જ ગંધર્વોના રાજા ક્રોંચ અને તેમના ગંધર્વશ્રેષ્ઠો પોતાના સંગીતની ધૂનનો જાદુ પાથરે છે, સ્વર્ગની અપ્સરાઓ પણ નૃત્ય કરતી હોય છે એ જ સમયે ઋષિશ્રેષ્ઠ બામદેવ ત્યાં પધારે છે અને કહે છે, ક્રોંચ તમે તમારુ સંગીત રોકી દો, મારે દેવરાજ ઇન્દ્રને કંઈક કહેવું છે. પણ ક્રોંચ ન સાંભળતાં પોતાની ધૂન ચાલુ રાખે છે. છેલ્લે…. બામદેવ: ‘ગંધર્વરાજ ક્રોંચ…..મારા આગ્રહને નહીં સ્વીકારવાનું દુ:સાહસ તમે કર્યું છે, જાઓ હું તમને શ્રાપ આપું છું કે તમે મૂષક બની જાશો. એજ ક્ષણે ગંધર્વરાજ ક્રોંચ મૂષક બની જાય છે અને તેઓ સ્વર્ગમાં અહીં તહીં દોડાદોડ કરે છે, મૂષક અહીં તહીં દોડી રહેલો જોઈ દેવતાઓ પણ ત્યાંથી ચાલ્યા જાય છે. સામે દક્ષિણ ક્ષેત્રમાં ગયેલા કુમાર કાર્તિકેયને કૈલાસ પર પૂર્ણ થઈ ગયેલા ઉત્સવની જાણ થાય છે, તેઓ દુ:ખી થાય છે કે હવે મારી તેમને જરૂરત નથી.’
દેવી મીનાક્ષી તેમને સમજાવતાં કહે છે કે, ‘નહીં, સેનાપતિ મુરુગન આવું ના વિચારો, માતા-પિતા પોતાના સંતાનોને સરખો જ પ્રેમ કરતાં હોય છે. અને જો તમને એવું લાગતું હોય તો તમારે પોતે છુપાઈને જોવું જોઈએ કે તમારી માતા તમને કેટલો પ્રેમ કરે છે.’
ૄૄૄ
છુપાતાં છુપાતાં કુમાર કર્તિકેય કૈલાસ પહોંચતાં જુએ છે કે શ્રીગણેશ ભગવાન શિવની ચારે તરફ પ્રદક્ષિણા કરતાં કરતાં માતાની જટા, ચંદ્રમા અને સર્પને સ્પર્શ કરે છે.
ભગવાન શિવ: ‘પુત્ર ગણેશ, શું જોઈ રહ્યા છો.’
ભગવાન ગણેશ: ‘પિતાજી હું તમને જોઈ વિચારી રહ્યો છું કે, તમે જે જે ધારણ કર્યું છે તે શુંં કામ ધારણ કર્યું છે? આવી વેશભૂષા તો કોઈની હોય ખરી…’
ભગવાન શિવ: ‘કુમાર ગણેશ તમારે જે પૂછવું હોય તે નિ:સંકોચ પૂછો, તમારી જિજ્ઞાસા સંતોષવી મારું કર્તવ્ય છે.’
ભગવાન ગણેશ: ‘હું ક્યારનો વિચારું છું કે, મારી માતા કેટલી સુંદર છે અને તેઓ શૃંગાર પણ કરે છે અને તમે…. જટાધારી અને ભસ્મ ચોપડેલ અઘોરી… તમને માતાએ પસંદ કઈ રીતે કર્યા.’
ભગવાન શિવ: ‘મેં તમારી માતા માટે રૂપ બદલ્યું હતું, પણ હું તમારી માતાને આ રૂપમાં જ પ્રિય છું તો હું શું કરું?’
ભગવાન ગણેશ: ‘આ ડમરું, આ ત્રિશૂલ, આ સર્પ અને શરીર પર ભસ્મ આમાં મનમોહક શું છે?’
ભગવાન શિવ: ‘આ સંસારમાં, આ પ્રકૃતિમાં ત્રણ ગુણોનો સમાવેશ છે, રજસ, તમસ અને સત્વ. સંસારને સમતોલ ચલાવવા માટે આ ત્રણેય ગુણની જરૂરિયાત છે. આ મારું ત્રિશૂલ ત્રણેય ગુણોનો પ્રતીક છે.’
ભગવાન ગણેશ: ‘પરંતુ પિતાજી, રજસ, તમસ અને સત્વ ગુણ કેવા હોય છે તે વિસ્તારથી બતાવશો?‘
ભગવાન શિવ: ‘પ્રકાશ, ઊર્જા, ક્રોધ, આવેશ, ગતિ, પરિવર્તન, આકાંક્ષા આ બધા રજસ ગુણોના ઉદાહરણ છે, જન્મ અને મૃત્યુ પણ રજસ ગુણ છે તેજ પ્રકારે અહંકાર, અજ્ઞાનતા, આલોચના, ઈર્ષા, દ્વેષ મૃત્યુ તમસ ગુણના ઉદાહરણ છે. આ બંને ગુણોનું સંતુલન સંસાર માટે અનિવાર્ય છે, પરંતુ બંને ગુણના સંતુલન માટે જરૂરિયાત છે ત્રીજા સત્વ ગુણની. સત્વ ગુણ એટલે સાત્વિક ગુણ. શુદ્ધતા, પવિત્રતા, સમર્પણ, પ્રયાસ, નિરંતરતા, સત્યતા, આદ્યાત્મિક ધ્યાનમાં રૂચિ આ બધું સાત્વિક ગુણનાં લક્ષણો છે, સમજી ગયા પુત્ર ગણેશ.
ભગવાન ગણેશ: ત્રણેય ગુણો વિશે તો સમજ પડી પણ… ‘આ ભસ્મ…’
ભગવાન શિવ: ‘મૃત્યુ બાદ દેહને સળગાવતાં બધું જ નષ્ટ થતું નથી, ભસ્મ રહી જાય છે અને આ ભસ્મ જ આપણા આત્માનું પ્રતીક છે, દેહ નશ્ર્વર છે, આત્મા શાશ્ર્વત છે, સમજ પડી પુત્ર.’
ભગવાન ગણેશ: ‘પિતાજી સમજી તો રહ્યો છું પણ એક પ્રશ્ર્ન ઉપસ્થિત થઈ રહ્યો છે પૂછી શકું?’
ભગવાન શિવ: ‘અવશ્ય પૂછો ગણેશ.’
ભગવાન ગણેશ: ‘પણ પિતાજી આ બધું તમે જ કેમ ધારણ કર્યું છે? બ્રહ્માજી કે અન્ય કોઈ દેવતાએ કેમ નહીં.’
ભગવાન શિવ: ‘ધીરજ ધરો ગણેશ, યોગ્ય સમયે હું તમને બધું જ જ્ઞાન આપીશ.’
ૄૄૄ
બીજી તરફ શ્રાપિત ગંધર્વરાજ ક્રોંચ મૂષક બન્યા બાદ સ્વર્ગલોક ખાતે આતંક મચાવે છે. આ આતંક જોઈ દેવરાજ ઈન્દ્ર તેનો વધ કરવા જાય છે. ક્રોધિત દેવરાજને જોઈ દેવગુરુ બૃહસ્પતિ તેમને અટકાવે છે અને ગંધર્વરાજ ક્રોંચને આદેશ આપે છે કે તમે અહીંથી વિદાય લો અને કૈલાસ ખાતે જાઓ, તમારું કલ્યાણ ત્યાં જ થઈ શકે.’ ગંધર્વરાજ ક્રોંચ આદેશને શિરોમાન્ય ગણ કૈલાસ પહોંચે છે, કૈલાસ પહોંચી જુએ છે કે ભગવાન શિવ ભગવાન ગણેશને કંઈક કહી રહ્યા છે. ઘણી વખત તેમની સામેથી પસાર થયા બાદ પણ ભગવાન શિવ કે ભગવાન ગણેશની દૃષ્ટિ તેમના પર પડતી નથી. મૂષક રૂપી ગંધર્વરાજ ક્રોંચ વિચારે છે કે મારે કંઈક એવું કરવું જોઈએ કે કૈલાસવાસીઓની નજર મારા પર પડે. માતા પાર્વતી રસોઈ ઘરમાં મોદક બનાવતાં હોય છે. મોદક તૈયાર થતાં જ માતા પાર્વતી થોડા મોદક લઈ ભગવાન ગણેશ પાસે પહોંચે છે.
માતા પાર્વતી: ‘પુત્ર ગણેશ જુઓ મેં તમારે માટે શું બનાવ્યું છે?’
ભગવાન ગણેશ: ‘માતા આ સફેદ સફેદ શું છે?’
માતા પાર્વતી: ‘પુત્ર આ મોદક છે.’
ભગવાન ગણેશ: ‘પણ માતા મને તો લાડુ જ ભાવે છે, મને લાડુ જ આપો.’
ભગવાન શિવ: ‘લાડુ જેવો બહારથી દેખાતો હોય તેવો જ અંદર પણ હોય છે, પરંતુ મોદક, પોતાના સાદા આવરણમાં મિષ્ઠાન છુપાવતો હોય છે. આ તથ્ય દર્શાવે છે કે મનુષ્યએ બહારથી આડંબરહીન અને અંદરથી સદૈવ જ્ઞાની હોવું જોઈએ.’
માતા પાર્વતી: ‘પુત્ર ગણેશ તમે આરોગી તો જુઓ.’
માતા પાર્વતીના હાથે બનેલ મોદકમાંથી મઘમઘતી સુગંધ આવતાં ભગવાન ગણેશ તેને આરોગે છે.
આ મઘમઘતી સુગંધ કુમાર કાર્તિકેય સુધી પહોંચતા તેઓ પોતાની જાતને છુપાવી શકતા નથી અને તેઓ સામે પ્રગટ થાય છે, કુમાર કાર્તિકેયને સામે પ્રગટ થયેલા જોઈ માતા પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે. કુમાર કાર્તિકેય માતા પાર્વતીને ભેટી પડે છે.
માતા પાર્વતી: ‘કુમાર કાર્તિકેય જુઓ આ તમારો અનુજ ગણેશ છે.’
કુમાર ગણેશ અને કુમાર કાર્તિકેય એકબીજાને ભેટી પડે છે.
બંનેનું મિલન જોઈ માતા પાર્વતી કહે છે: ‘કાશ અશોકસુંદરી અહીં હોત તો, આ સુખદ મિલન વધુ સુખદ હોય.’
ભગવાન શિવ: ‘થોડી પ્રતિક્ષા કરો પાર્વતી, ટૂંક સમયમાં અશોકસુંદર કેૈલાસ આવશે.’ (ક્રમશ:)