વાવાઝોડું: બંગાળના અખાતમાં શુક્રવારે વાવાઝોડા ‘મન્ડોસ’ની લેવાયેલી તસવીર. તમિળનાડુ, પુડુચેરી અને આંધ્ર પ્રદેશમાં વાવાઝોડાને કારણે દરિયામાં ઊંચાં ઊંચાં મોજાં ઉછળ્યાં હતાં અને વાવાઝોડાની ઉપગ્રહ દ્વારા લેવાઈ તસવીર (એજન્સી)
કોઈમ્બતુર: તમિળનાડુ, આંધ્ર, પુડુચેરીમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હોવાનું હવામાન ખાતાએ શુક્રવારે જણાવ્યું હતું.
વાવાઝોડાને કારણે નન્ગામ્બાક્કામમાં સાત સે.મી. સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થયો હતો.
વાવાઝોડાને પગલે પ્રતિકલાક ૬૫થી ૮૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન ખાતાએ વાવાઝોડાની ચેતવણી આપ્યા બાદ તમિળનાડુ, આંધ્ર પ્રદેશ અને પુડુચેરીમાં કિનારા વિસ્તારમાં આવેલી શાળા અને કૉલેજોમાં શુક્રવાર અને શનિવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી.
જોકે, તમિળનાડુના અંતરિયાળ વિસ્તાર, રાયલાસીમા અને દક્ષિણ આંધ્ર પ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં શનિવારે પણ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.
રાહત અને બચાવ કામગીરી માટે સંબંધિત વિભાગોને સાબદા કરી દેવામાં આવ્યા છે.
કોઈપણ પ્રકારની અનિચ્છનિય પરિસ્થિતિને પહોંચી વળવા બચાવટુકડી પણ ગોઠવી દેવામાં આવી હતી.
મુખ્ય પ્રધાન એન. રંગાસામીએ મહેસૂલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી ચર્ચાવિચારણા કરી હતી.
શનિવારે વાવાઝોડું તબક્કાવાર નબળું પડતું જશે અને તેની તીવ્રતા ઘટી જશે, એમ હવામાન ખાતાએ જણાવ્યું હતું.
બંગાળના અખાતમાં પવનની ઝડપ પ્રતિકલાક ૮૦થી ૧૦૦ કિ.મી.ની રહેશે. જોકે, પવનની ઝડપ તબક્કાવાર ઘટીને પ્રતિકલાક ૫૫થી ૭૫ કિ.મી. અને ત્યાર બાદ ઘટીને ૩૦થી ૪૦ કિ.મી.ની થઈ જશે. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર કેટલું તૈયાર છે તેની સમીક્ષા કરવા તમિળનાડુના મુખ્ય સચિવ વી. ઈરાઈ અનબુના વડપણ હેઠળ એક બેઠક યોજવામાં આવી હતી.
પત્રકારોને આપેલી મુલાકાતમાં રાજ્યના આરોગ્ય ખાતાના પ્રધાન સુબ્રમણ્યિમે કહ્યું હતું કે મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિનના આદેશને પગલે સરકારી હૉસ્પિટલોમાં તબીબી ટુકડીને સાબદી રાખવા જણાવી દેવામાં આવ્યું હતું. રાજ્યના વીજળી ખાતાના પ્રધાન સેન્થીલ બાલાજીએ કહ્યું હતું કે નુકસાન પામેલા ૪૪,૦૦૦ જેટલા વીજળીના થાંભલા બદલી નાખવામાં આવ્યા છે અને વધુ બે લાખ જેટલા થાંભલા તાકીદની સ્થિતિ માટે તૈયાર રાખવામાં આવ્યા છે. (એજન્સી)