ભારે વરસાદ: વાવાઝોડા સાથે આવેલા ભારે વરસાદને લીધે ગુવાહાટીમાં રસ્તા પર ભરાયેલાં પાણીમાંથી પસાર થતાં વાહનો. (તસવીર: પીટીઆઈ)
——-
નવી દિલ્હી: પશ્ર્ચિમ બંગાળ, ઓડિસા, આસામ, આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને નાગાલૅન્ડમાં ‘સીતરંગ’ વાવાઝોડાની માઠી અસરને લીધે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે બંગલાદેશમાં વાવાઝોડાને સંબંધિત વિવિધ ઘટનામાં ઓછામાં ઓછા ૧૩ જણ મૃત્યુ પામ્યા હતા. પશ્ર્ચિમ બંગાળના કાંઠા પરથી પસાર થઈ ગયેલું વાવાઝોડું બંગલાદેશમાં બારિસાલના કિનારાને પસાર કરી ગયું હતું. વાવાઝોડું સોમવારે પરોઢ પૂર્વે ૩.૧૭ વાગ્યે બંગલાદેશમાં બારિસાલની દક્ષિણમાં ૬૭૦ કિલોમીટરના અંતરે કેન્દ્રિત હતું.
સોમવારે રાતે ૯.૩૦ વાગ્યાથી ૧૧.૩૦ વાગ્યાના સમયગાળામાં બારિસાલ પાસેના તિકોના અને સંદ્વીપ ટાપુઓ પર કલાકના ૮૦ કિલોમીટરથી ૧૦૦ કિલોમીટરની ગતિ ધરાવતા પવન સાથે ત્રાટકેલા વાવાઝોડા ‘સીતરંગ’ને કારણે સૌપ્રથમ પશ્ર્ચિમ બંગાળના કોલકાતા શહેર ઉપરાંત દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા અને પૂર્વા મેદિનિપુર જિલ્લામાં ભારે ઝાપટાં પડ્યાં હતાં. અનેક ઠેકાણે કાલીપૂજાના મંડપોમાં લોકો ભીંજાયા હતા. હવામાન ખાતાએ સાત રાજ્યોમાં ‘સાયક્લોન એલર્ટ’ જાહેર કર્યું હતું. ઓડિશા, આસામ ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલૅન્ડમાં કલાકના ૧૦૦ કિલોમીટરથી ૧૧૦ કિલોમીટરના વેગે પવન ફૂંકાવા સાથે અનરાધાર વરસાદ પડ્યો હતો. આસામના અનેક જિલ્લામાં થોડા કલાકો માટે ગંભીર સ્થિતિ હતી.
બંગલાદેશ તરફ ફંટાયું હતું. વાવાઝોડાની આગાહીને પગલે સોમવારે બંગલાદેશના તથા અન્ય સત્તાતંત્રોએ કાંઠાળ વિસ્તારોના હજારો લોકોને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડ્યા હતા. ‘સીતરંગ’ના પવનો અને તોફાની વરસાદે બંગલાદેશના અનેક પ્રાંતોને ઘમરોળ્યા હતા. બંગલાદેશના દક્ષિણી પ્રાંતોના કાંઠાળ ક્ષેત્રોમાં ભારે વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મંગળવારે બપોર પૂર્વે સ્થિતિમાં સુધારો થવા માંડ્યો હતો.
મંગળવારે બપોરે વાવાઝોડું નબળું પડ્યું ત્યારે પવનની ગતિ કલાકના ૬૫ કિલોમીટરથી ૮૫ કિલોમીટરની હતી. બંગલાદેશના પાટનગર ઢાકા સ્થિત હવામાન કચેરીએ પવનની ગતિ કલાકના ૮૮ કિલોમીટરની નોંધી હતી. સોમવારે રાતે બંગલાદેશના કુમિલા જિલ્લામાં તોફાની વરસાદમાં ઘર ઉપર વૃક્ષ પડતાં અંદર સૂઈ ગયેલા એક દંપતી અને તેમની ચાર વર્ષની બાળકીના મોત નીપજ્યા હતા. બંગલાદેશના અન્ય પ્રાંતોમાં ઘર તૂટી પડવાની અને પાણીમાં ડુબી જવાની ઘટનાઓમાં ૧૦ જણ માર્યા ગયા હતા. સોમવારે બંગલાદેશની સરકારે નદીઓમાં ચાલતા વહાણો અને બોટ સહિતના વાહનોને થંભાવી દીધા હતા. સરકારે માછીમાર બોટ્સને દરિયામાંથી પાછા કાંઠે આવવાની સૂચના આપી હતી. તે ઉપરાંત ત્રણ વિમાન મથકો બંધ કર્યા હતા. ૧૬ કરોડ લોકોની વસતી ધરાવતો બંગલાદેશ પદ્મા (ગંગા) અને બ્રહ્મપુત્રા નદીઓના મુખત્રિકોણ પર છે. એ ભૌગોલિક સ્થિતિમાં પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આફતો ત્રાટકવાની શક્યતા રહે છે. (એજન્સી)