નવી દિલ્હીઃ પાટનગર નવી દિલ્હી સહિત દેશના મહત્ત્વના રાજ્યમાં ગઈકાલની તુલનામાં આજે વાદળછાયા વાતાવરણ વચ્ચે આંશિક ગરમીમાં રાહત રહી હતી. ગઈકાલે દેશના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર થયા પછી આજે એકંદરે રાહત હતી. દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે સાંજે અચાનક મોસમનો મૂડ બદલાઈ ગયો હતો, જ્યારે અનેક વિસ્તારોમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો હતો. સાંજના સમયે વાદળછાયા વાતાવરણની સાથે સામાન્ય વરસાદ પડ્યો હતો. વરસાદને કારણે ગરમીમાંથી લોકોને થોડી રાહત થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
દિલ્હી-એનસીઆરમાં સમગ્ર દિવસ દરિમયાન જોરદાર ગરમી પડી હતી. દિવસભર ભયંકર ગરમી અને હીટવેવને કારણે જાહેર જનતાને જાહેર સ્થળોએ અવરજવર કરવામાં હાલાકી પડી હતી. હવામાન વિભાગ દ્વારા અગાઉથી બે દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેને લઈ આજે સાંજે પડેલા વરસાદને કારણે આંશિક રાહત થઈ છે. કમોસમી વરસાદને કારણે વરસાદજન્ય બીમારીના પ્રમાણમાં વધારો થઈ શકે છે, એવું નિષ્ણાતોએ જણાવ્યું હતું.
દરમિયાન મહારાષ્ટ્રમાં સૌથી વધારે તાપમાન યવતમાળ, વાશિમ, વર્ધા અને નાગપુરમાં નોંધાયું હતું, જ્યાં દિવસ દરિમયાનનું મહત્તમ તાપમાન 43 ડિગ્રીથી 41 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું, જ્યારે મરાઠવાડા રિજનમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી નીચે રહ્યું હતું. મધ્ય મહારાષ્ટ્રમાં જળગાંવ, કોલ્હાપુરમાં 41 ડિગ્રી અને 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે મહાબળેશ્ર્વરમાં તાપમાનનો પારો 30 ડિગ્રીની આસપાસ હતું. મહાબળેશ્ર્વરમાં ગઈકાલની તુલનામાં અઢી ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. મહાબળેશ્ર્વરમાં તાપમાનનો પારો 23 ડિગ્રીએ પણ પહોંચ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી રહ્યું હતું.