Homeઆપણું ગુજરાતસૌરાષ્ટ્ર તમીલ સંગમ માટે રેલવે દોડાવશે ખાસ 10 ટ્રેન

સૌરાષ્ટ્ર તમીલ સંગમ માટે રેલવે દોડાવશે ખાસ 10 ટ્રેન

સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ અને જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર તમીલ સંગમ કાર્યક્રમ યોજાનાર છે. આ પ્રવાસ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦ દિવસ માટે ૧૦ ખાસ ટ્રેન દોડાવવામાં આવશે. જે તમિલનાડુના મદુરાઈથી સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાતના સોમનાથ સુધી અને સોમનાથથી મદુરાઈ સુધી પહોંચાડશે, તેવી માહિતી રાજ્યના સાંસ્કૃતિક બાબતોના પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
વડોદરા ખાતે સમુહ માધ્યમો સાથે વાતચીત કરતા ગૃહ રાજ્ય પ્રધાન સંઘવીએ ઉક્ત કાર્યક્રમની પૂર્વ ભૂમિકા આપતા કહ્યું કે, રાજ્યના વિવિધ સ્થળોએ સૌરાષ્ટ્ર તમીલ સંગમ કાર્યક્રમ આગામી તા. ૧૭થી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાવાનો છે. તેમાં મૂળ સૌરાષ્ટ્રના અને સદીઓ પહેલા હિજરત કરી તમીલનાડુમાં સ્થાયી થયેલા અનેક લોકો સહભાગી બનશે. સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાતા આ નાગરિકો ખાસ ૧૦ ટ્રેન મારફત ગુજરાતના પ્રવાસે આવશે.
તેમણે કહ્યું કે, સદીઓ પહેલા ગઝની અને ખીલજીએ સોરઠ ઉપર કરેલા આક્રમણને કારણે સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી અનેક લોકો સ્થળાંતર કરી, તમિલનાડુના મદુરાઈના આસપાસના વિસ્તારોમાં જઈને સ્થાયી થયા હતા. આ લોકો સ્થાયી થયા બાદ સૌરાષ્ટ્રીયન તમિલ તરીકે ઓળખાયા. સૌરાષ્ટ્રથી તમિલનાડુમાં થયેલું આ સ્થળાંતર દુનિયામાં થયેલા સૌથી મોટા સ્થળાંતરો પૈકીનું એક છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના માધ્યમથી આ લોકોનું સદીઓના અંતર પછી સૌરાષ્ટ્ર સાથે અનોખું પુનઃમિલન થશે, જે એક ઐતિહાસિક ઘટના હશે.
આ અંગે મળેલી વિશેષ માહિતી અનુસાર સૌરાષ્ટ્ર તમિલ સંગમનો મુખ્ય કાર્યક્રમ સોમનાથમાં યોજાશે, જ્યારે પોરબંદર, દ્વારકા, રાજકોટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમથી બંને રાજ્યો વચ્ચે ભાષા, સંસ્કૃતિ, વારસો, સાહિત્ય, કલા, વ્યવસાય અને શિક્ષણ સહિતનું આદાન પ્રદાન થશે. જેના માટે ગુજરાતમાં વિવિધ સ્થળોએ ચિત્રકામ, સંગીત, ડ્રામા, પ્રદર્શન, લોકગાયન, હસ્તકલા, ભાષાના વર્કશોપ, રાંધણકલા, શોપિંગ ફેસ્ટીવલ, બિઝનેસ મીટ અને રમત ગમત વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ગુજરાતમાં પધારવા માટે આમંત્રણ આપવા માટે અલગ-અલગ ૯ શહેરોમાં રોડ-શો કરવામાં આવ્યા હતા. વર્ષો પહેલા ત્યાના રાજાએ સૌરાષ્ટ્રીયન તમિલ લોકોને ત્યાં આશરો આપ્યો તે માટે ગુજરાતમાં તેમનું સન્માન પણ કરવામાં આવશે.
વર્ષો પહેલા તમિલનાડુમાં જઈને સ્થાયી થયા હોવા છતાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો આજે પણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જોડાયેલા છે. તેઓ આજે પણ દાદા સોમનાથ અને દ્વારકાના દર્શનાર્થે આવે છે. ત્યારે બંને રાજ્યો વચ્ચેના આ ઐતિહાસિક સબંધને વધુ મજબૂત કરવા માટે અને “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા માટે આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તેવી માહિતી તેમણે આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -