કોવિડ-૧૯ના પ્રતિબંધો દૂર કર્યાના થયા સાત મહિના – ‘વર્ક ફ્રોમ હોમ’ કલ્ચર અને મેટ્રોને કારણે રેલવેને ફટકો
ક્ષિતિજ નાયક
મુંબઈ: મુંબઈ સહિત મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા નહીવત થઈ ગઈ છે, ત્યારે મુંબઈ મેટ્રોપોલિટન રિજનના સૌથી મોટા પરિવહન ક્ષેત્ર રેલવેમાં પ્રવાસીઓની સંખ્યા કોરોના પૂર્વેના તબક્કા જેટલી થઈ નથી એ વાત પશ્ર્ચિમ રેલવેના અધિકારીએ કબૂલી હતી. પશ્ર્ચિમ રેલવેની લોકલ ટ્રેનમાં સરેરાશ રોજના ૨૬.૬ લાખ જેટલા પ્રવાસી મુસાફરી કરે છે, જ્યારે નોન-સબર્બન સેક્ટર લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં પણ ૫.૦૯ લાખ પ્રવાસી મુસાફરી કરે છે. એકંદરે કુલ મળીને ૩૦ લાખની આસપાસ પ્રવાસી મુસાફરી કરે છે, પરંતુ કોરોના પૂર્વેના સમયગાળા જેટલી સંખ્યા થઈ નથી, એમ પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રાએ જણાવ્યું હતું.
મે મહિનામાં કોરોનાના કેસની સંખ્યામાં ધીમે ધીમે ઘટાડો થયા પછી લોકલ ટ્રેનમાં સામાન્ય પ્રવાસીને પ્રવાસ કરવા સહિત અન્ય નિયંત્રણોમાં રાજ્ય સરકારે છૂટછાટ આપી હતી. છૂટછાટ આપવામાં આવ્યા પછી તબક્કાવાર મુંબઈ સબર્બન રેલવેમાં પ્રવાસીની સંખ્યામાં ધીમે ધીમે વધારો થયો છે, પરંતુ ચાર વર્ષ પહેલાના આંકડાએ કુલ સંખ્યા પહોંચી નથી. ૨૦૧૮-૧૯માં મુંબઈ સબર્બન રેલવેમાં ૩૫.૪૪ લાખ પ્રવાસી રેગ્યુલર લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા હતા, જ્યારે કોરોના સંબંધિત નિયંત્રણોને કારણે ૨૦૨૦-૨૧માં સરેરાશ સાત લાખ પ્રવાસી હતા. આમ છતાં નિયંત્રણો સંપૂર્ણ હટાવ્યા પછી પણ આજની તારીખે લગભગ દસ લાખ પ્રવાસીનો ઘટાડો નોંધાયો છે. નિયંત્રણો હટાવ્યા પછી પ્રવાસીની સંખ્યા વધી નથી તેનો આડકતરો રેલવેને ફટકો છે, કારણ કે લાંબા સમયગાળામાં આવક ઘટાડો (પેસેન્જર ઈન્કમ) નોંધાશે. કોવિડ-૧૯ના કેસમાં ઘટાડા પછી હજુ પણ મોટા ભાગની મલ્ટિનેશનલ કંપનીમાં વર્ક ફ્રોમ હોમ કલ્ચર ચાલુ છે, જ્યારે અમુક કંપનીમાં અઠવાડિયામાં બે-ત્રણ દિવસ પ્રવાસીને ઓફિસ જવાનું કલ્ચલ છે. આ ઉપરાંત, ટૂંકા અંતરે બાય રોડ ટુ-વ્હિલર અને કાર મારફત લોકો પ્રવાસ કરવાનું ચલણ વધ્યું છે, તેથી એકંદરે પ્રવાસીની સંખ્યામાં ઘટાડો થયો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
—
એસી લોકલની સર્વિસ વધારાશે
નવી એસી ટ્રેનની સર્વિસ વધારવાની સાથે હજુ પણ નવી સર્વિસીસ વધારવામાં આવશે. હાલના તબક્કે રોજની ૭૯ સર્વિસીસ દોડાવાય છે, જે ૨૦૧૭માં ફક્ત ૧૨ સર્વિસ હતી. એ જ પ્રકારે ૨૦૧૮માં પંદર ડબાની ૫૪ સર્વિસ હતી, પરંતુ એ વધારીને આજની તારીખે રોજની ૧૩૨ સર્વિસ છે. પ્રવાસીઓની સુવિધા માટે હજુ પણ વધુ સર્વિસ દોડાવવાની યોજના છે, જેમાં નવી રેક મળ્યા પછી વધુ સર્વિસ દોડાવવામાં આવશે. પશ્ર્ચિમ રેલવેના મોટાભાગના દરેક્ સેક્શનમાં નવા બ્રિજ, જૂના બ્રિજનું રિપેરિંગ, સ્ટેશનમાં નવા પ્લેટફોર્મ, નવું ટર્મિનસ (જોગેશ્ર્વરી) સહિત અન્ય વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજ ચાલી રહ્યા છે. ૨૦૨૧-૨૨માં નવા બાર બ્રિજ બનાવવામાં આવ્યા પછી આ વર્ષે ઑક્ટોબરમાં નવું ટાઈમટેબલ અમલમાં લાવ્યા પછી નવી એસી સર્વિસ વધારવાની સાથે નોન-એસી લોકલની સર્વિસને અસર થઈ છે, પરંતુ પ્રવાસીઓને શક્ય એટલી મુશ્કેલી પડે નહીં તેની તકેદારી રાખવામાં આવી રહી છે.
—
હવે ‘નો-ડાઈવર્ઝન…’
ઓક્ટોબરથી નવું ટાઈમટેબલ અમલ બન્યા પછી રેગ્યુલર ટ્રેનો મોડી પડે છે, પરંતુ શક્ય એટલા ઝડપથી ટ્રેન, ટ્રેક અથવા સિગ્નલ સંબંધિત ફેઈલ્યોરનો નિકાલ કરવાનો પ્રયાસ કરાય છે. આ સંજોગોમાં ટ્રેનોને ડાઈવર્ઝન આપવામાં આવે છે, તેથી છેલ્લી ઘડીએ પ્રવાસીઓને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર દોડાદોડી કરવાની નોબત આવે છે, પરંતુ પ્રવાસીઓની તકલીફને ધ્યાનમાં રાખીને શક્ય એટલા ટ્રેનોને ડાઈવર્ઝન આપવામાં આવશે નહીં, એમ જનરલ મેનેજરે જણાવ્યું હતું. ટેક્નિકલ ફેઈલ્યોરને કારણે પ્રવાસીઓને રોજ જેટલી હદે મુશ્કેલી પડી રહી છે, તેનાથી રેલવેની તમામ સુવિધા પર પાણી ફરી વળે છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું. પશ્ર્ચિમ રેલવેમાં રોજના ટેક્નિકલ ફેઈલ્યોરથી પ્રવાસીઓ ત્રાસી ગયા હતા. નવું ટાઈમટેબલ અમલી બન્યા પછી રોજ ટ્રેનો ખોટકાય છે, પરંતુ વાસ્તવમાં યોજના પ્રમાણે અધિકારીઓ કામકાજ કરતા નથી, તેથી તેમની બેદરકારીના ભોગ પ્રવાસીઓ બની રહ્યા છે. બેદરકારી નાના-મોટા અધિકારીઓ કરે છે, તેથી રોજેરોજ ફેઈલ્યોર વધી રહ્યા છે. આ મુદ્દે રેલવે ગંભીરતાથી કામકાજ કરે તો ફાયદો થઈ શકે છે, એમ પેસેન્જર એન્ડ ટ્રાફિક રિલીફ એસોસિયેશનના સેક્રેટરી મનસુર દરવેશે જણાવ્યું હતું.
—
મેટ્રોનો ફાયદો, નવા કોરિડોરનો ઈંતજાર
કોવિડ-૧૯ના સંપૂર્ણ નિયંત્રણો દૂર કરવાની સાથે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના વડપણ હેઠળની નવી સરકારના ગઠન પછી મુંબઈમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિવિધ કામકાજમાં ગતિ આવી હતી. મે મહિનાથી લઈને ડિસેમ્બરની વચ્ચેના સમયગાળામાં મેટ્રો-વન દ્વારા વોટસએપ ટિકિટિંગથી લઈને સર્વિસીસના સમયમાં છૂટછાટ આપવામાં આવી છે, જેમાં અત્યારે સરેરાશ રોજના ૩.૭૫ લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરે છે. મેટ્રો-વન સિવાય મે મહિનાથી મેટ્રો-ટૂ અને સેવનની સર્વિસ ચાલુ કરવામાં આવી હતી. પહેલા તબક્કામાં દહીંસરથી દહાણુકરવાડી, જ્યારે દહીંસર પૂર્વથી અંધેરી પૂર્વને જોડતી મેટ્રો લાઈનમાં સરેરાશ રોજના ૫૦,૦૦૦થી ૫૫,૦૦૦ પ્રવાસી મુસાફરી કરે છે, જ્યારે બીજા તબક્કાનું કામકાજ પૂરૂં થયા પછી દહીંસરથી અંધેરી વચ્ચે લોકલ ટ્રેન અને બાય રોડ વ્હિકલ મારફત પ્રવાસ કરનારાનું પ્રમાણ ઘટશે, જ્યારે એકંદરે મેટ્રોના પ્રવાસી વધશે, જ્યારે લોકલ ટ્રેનના પ્રવાસી વધુ ઘટી શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
—
બસ બની લોકપ્રિય
કોરોનાના સંપૂર્ણ નિયંત્રણો હટાવ્યા પછી મુંબઈ રેલવેને બાદ કરતા બીજા નંબરની લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસની સાથે મેટ્રોને સૌથી વધુ ફાયદો થયો છે. બેસ્ટ પ્રશાસન દ્વારા એસી બસની ફ્રિકવન્સી વધારવામાં આવ્યા પછી ટૂંકા અંતરે પ્રવાસ કરનારાની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ગયા મહિના દરમિયાન બેસ્ટની બસમાં એકંદરે રોજના ૩૫.૫૦ લાખથી વધુ પ્રવાસી મુસાફરી કરતા હોવાની સંખ્યા પાર કરી ગઈ હતી. બેસ્ટ પ્રશાસન દ્વારા બેસ્ટની ૩,૬૦૦થી વધુ બસ દોડાવાય છે. બેસ્ટ પ્રશાસન દ્વારા એસી બસને પ્રવાસીઓ તરફથી નોંધપાત્ર પ્રતિભાવ મળ્યો છે. ડીઝલના ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાના ભાગરૂપે બેસ્ટ પ્રશાસન દ્વારા સૌથી વધુ સીએનજીની બસ દોડાવાય છે, જ્યારે ઈલેક્ટ્રિક બસની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે, જેથી પ્રદૂષણનો ઘટાડો થાય. બેસ્ટના કાફલામાં અત્યારે ૨,૩૬૯ સીએનજીની બસ, ૮૪૭ ડીઝલવાળી બસ તથા ૪૦૦થી વધુ ઈલેક્ટ્રિક બસ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.