નાગપુર: ચંદ્રપુર જિલ્લામાં બલ્લારશાહ રેલવે સ્ટેશનનો બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં એક જણનું મોત થયું હતું, જે બ્રિજ રિસ્ટોરેશન (પુન:સ્થાપન)નું કામકાજ પૂરું કરવામાં આવ્યું છે. આ બ્રિજનો અમુક હિસ્સો ધરાશયી થવાને કારણે બ્રિજ પરથી પસાર થનારા અમુક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી, જ્યારે તેમાં એકનું મોત થયું હતું. આ બ્રિજની મરમ્મતનું કામકાજ સોમવારે મોડી રાતનું પૂરું થયું હતું. મોડી રાતના બ્રિજનું કામકાજ પૂરું થયા પછી પ્રવાસીઓની અવરજવર માટે મંગળવારે ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.
૨૭મી નવેમ્બરના બલ્લારશાહ રેલવે સ્ટેશનના એક અને બે નંબરના બ્રિજને જોડતા એફઓબી (ફૂટઓવર બ્રિજ)નો અમુક હિસ્સો તૂટી પડ્યો હતો, જેમાં ૪૮ વર્ષની મહિલાનું મોત થયું હતું, જ્યારે ૧૨ જણને ઈજા પહોંચી હતી. મંગળવારે બ્રિજ પરથી મર્યાદિત સંખ્યામાં પ્રવાસીની સાથે રેલવે પોલીસની અવરજવર સાથે ચાલુ કરવામાં આવ્યો હતો. આ બ્રિજ રિસ્ટોરેશનનું કામકાજ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ૯૦ મજૂરની સાથે ૧૦ સુપરવાઈઝર જોડાયા હતા. સુરક્ષાના તમામ ધારાધોરણોને ધ્યાનમાં લઈને ફરી આ બ્રિજ પ્રવાસીઓની અવરજવર માટે ચાલુ કરવામાં આવ્યો હતો. આ દુર્ઘટના પછી નવા બ્રિજનું કામકાજ જાન્યુઆરી, ૨૦૨૩ સુધીમાં ચાલુ કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.