26 સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો રેલવેનો નિર્ણય
ઉનાળાનું વેકેશન આવવાની સાથે જ ટ્રેનોમાં કન્ફર્મ બુકીંગ મેળવવાની ઝંઝટ પણ શરૂ થઇ ગઇ છે. લગભગ દરેક ટ્રેનોનું બુકીંગ ફૂલ થઇ ગયું છે. આવા સમયે કોંકણ અને મધ્ય રેલવેએ લોકોને રાહત મળે એવો નિર્ણય લીધો છે. કોંકણ અને મધ્ય રેલવેએ સંયુક્ત રીતે રજાઓના અવસર પર 26 સમર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. મુંબઈથી કોંકણ જતી જનશતાબ્દી, નેત્રાવતી, મત્સ્યગંધા, કોંકણકન્યા, માંડવી, તુતારી જેવી મોટી ટ્રેનોનું રિઝર્વેશન પૂર્ણ થવાને કારણે કોંકણ જતા મુસાફરોની મુશ્કેલી વધી રહી હોવાથી હવે આ રૂટ પર વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની ટ્રેનોના કારણે મુસાફરોને રાહત મળશે.
સમર સ્પેશિયલ ટ્રેન નંબર 01129/01130 લોકમાન્ય તિલક ટર્મિનસથી થિવીમ સ્પેશિયલ એક્સપ્રેસનું રિઝર્વેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે. મધ્ય રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 01129 LTT થી થિવિમ સ્પેશિયલ દર શનિવાર, સોમવાર અને બુધવારે 6 મે થી 3 જૂન સુધી ચાલશે. તે LTTથી રાત્રે 10.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.30 વાગ્યે પહોંચશે. ટ્રેન નંબર 01130 થિવીમથી એલટીટી સ્પેશિયલ ટ્રેન 7મી મેથી 4 જૂન સુધી દર રવિવાર, મંગળવાર અને ગુરુવારે દોડશે.
થિવીમથી સાંજે 4.40 વાગ્યે 01130 ટ્રેન ઉપડશે અને બીજા દિવસે સવારે 4.05 વાગ્યે LTT પહોંચશે. અપ અને ડાઉનની આ બંને ટ્રેનો થાણે, પનવેલ, રોહા, માણગાંવ, ખેડ, ચિપલુણ, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગીરી, અદાવલી, રાજાપુર રોડ, વૈભવવાડી રોડ, કંકાવલી, સિંધુદુર્ગ, કુડાલ અને સાવંતવાડી રોડ પર રોકાશે.
સ્પેશિયલ ટ્રેન 01129/01130 માટેનું રિઝર્વેશન તમામ કોમ્પ્યુટરાઈઝડ આરક્ષણ કેન્દ્ર અને વેબસાઈટ www.irctc.co.in પર કરી શકાય છે.