નવી દિલ્હી: ભારતીય લોકશાહીની સ્થિતિ પર યુકેમાં રાહુલના તાજેતરના લવારા પર શુક્રવારે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધી પર આરોપ મૂક્યો હતો કે તે ભારત વિરુદ્ધ કામ કરતી “ટૂલકીટનો કાયમી હિસ્સો બની ગયો છે.
એક નિવેદનમાં નડ્ડાએ રાહુલ ગાંધી પર અબજોપતિ ફાઇનાન્સર જ્યોર્જ સોરોસની “ભારત વિરોધી ભાષા બોલવાનો આરોપ મૂક્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ અને “કહેવાતા ડાબેરી ઉદારવાદીઓ ઊંડા રાજકિય ષડયંત્રનો ભાગ બની ગયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રવિરોધી નેતાઓ પાકિસ્તાનની ભાષા બોલતા રહ્યા છે.
તેમણે કહ્યું કે રાહુલે દેશની આંતરિક બાબતોમાં વિદેશી શક્તિઓની દખલગીરી મેળવવાના કરેલા “પાપ” માટે ભારતની જનતાની માફી માગવી પડશે.
તેમણે રાહુલ પર દેશને આર્થિક અને વ્યૂહાત્મક રીતે ઘેરી લેવા માટે ભારત વિરૂદ્ધ વિદેશી કાવતરાખોરો સાથે હાથ મિલાવવાનો આરોપ લગાવતા જણાવ્યું હતું કે રાહુલે વિદેશની ધરતી પર જે કર્યું છે તે આઝાદ ભારતમાં અગાઉ ક્યારેય કોઈ નેતાએ કર્યું નથી.
તેમણે કહ્યું કે આ સૌથી ગંભીર બાબત છે. રાહુલે જે કર્યું છે તેનાથી દરેક દેશભક્ત સાંસદ અને દેશની જનતાને દુ:ખ થયું છે.
ભારત વિરૂદ્ધ કામ કરનારાઓ તેમના ફાયદા માટે ગઠબંધનની મજબૂરી હેઠળ કામ કરતી નબળી સરકાર ઈચ્છે છે.
નડ્ડાએ કહ્યું કે ભારત વિરોધી શક્તિઓને હંમેશાં એક મજબૂત ભારત, તેની મજબૂત લોકશાહી અને નિર્ણાયક સરકાર સાથે સમસ્યા રહી છે.
ભારતમાં લોકશાહીની સ્થિતિની ટીકા કરીને અને વિદેશી ધરતી પર અમેરિકા અને યુરોપના હસ્તક્ષેપની માગ કરીને તેમણે દેશના સાર્વભૌમત્વ પર પ્રહારો કર્યા છે.
લોકો દ્વારા વારંવાર નકારી કાઢવામાં આવેલા રાહુલ ગાંધી ભારત વિરુદ્ધ કામ કરતી ‘ટૂલકિટ’નો કાયમી હિસ્સો બની ગયા છે.
નડ્ડાએ રાહુલ પર ભારત, તેની સંસદ, તેની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર અને બ્રિટનમાં લોકોનું અપમાન કરવાનો આરોપ મૂક્યો હતો અને જણાવ્યું હતું કે તેણે જે કર્યું છે તે ભારત વિરુદ્ધ કામ કરનારાઓને મજબૂત કરવા સમાન છે.
કૉંગ્રેસે ભાજપના આરોપોને ફગાવી દીધા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે રાહુલ ગાંધી માફી નહીં માગે.
ભાજપના અધ્યક્ષે કહ્યું કે તેણે ત્યાં જઈને વિદેશી હસ્તક્ષેપની માગ કરી એ દુર્ભાગ્યપૂર્ણ વાત છે. (એજન્સી)