ભારત જોડો યાત્રા દરમિયાન અને ત્યાર બાદ સંસદના સત્રમાં પોતાના લાંબા વાળ અને દાઢીવાળા લુકમાં દેખાયા બાદ રાહુલ ગાંધી આજે નવા લુકમાં દેખાયા હતા. તેઓ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીની એક ઈવેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા એ પહેલા નવા કૂલ લૂકમાં દેખાયા હતા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરોમાં રાહુલ ગાંધી ટૂંકા વાળ અને ટ્રીમ કરેલી દાઢી અને મૂછમાં જોઈ શકાય છે. રાહુલ અહીં તેના ટ્રેડમાર્ક સફેદ ટી-શર્ટને બદલે કોટ-ટાઈમાં જોવા મળ્યા હતા. તેના આ લુકને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી બ્રિટનની એક સપ્તાહની મુલાકાતે છે. અહીં તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સંબોધન કરશે અને ભારતીય ડાયસ્પોરા સાથે વાર્તાલાપ કરશે. કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલ ખાતે વિઝિટિંગ ફેલો તરીકે રાહુલ ગાંધી લેક્ચર આપશે.
કેમ્બ્રિજ જેબીએસએ મંગળવારે ટ્વીટ કર્યું કે, “ભારતના અગ્રણી વિપક્ષી નેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને અમારા કેમ્બ્રિજ MBA પ્રોગ્રામમાં આવકારતાં ખૂબ જ આનંદ થાય છે.” કેમ્બ્રિજ JBSના વિઝિટિંગ ફેલો તરીકે ‘લર્નિંગ ટુ લિસન ઇન 21st સેન્ચ્યુરી ‘ વિષય પર વાત કરશે.
7 સપ્ટેમ્બર 2022થી ભારત જોડો યાત્રાની શરૂઆત થઈ ત્યારથી રાહુલ ગાંધીએ એક પછી એક રાજ્યોની યાત્રા કરી હતી. રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન દાઢી વધારી હતી.