કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે (19 માર્ચ) ‘મહિલાઓની જાતીય સતામણી’ પર તેમના ભારત જોડો યાત્રાના ભાષણ અંગે દિલ્હી પોલીસની નોટિસનો જવાબ આપ્યો હતો.
સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની નોટિસના જવાબમાં 4 પાનાનો પત્ર મોકલાવ્યો છે અને આ પત્રમાં રાહુલ ગાંધીએ ભાષણના 45 દિવસ બાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે.
દિલ્હી પોલીસની નોટિસના જવાબમાં રાહુલ ગાંધીએ પત્રમાં લખ્યું છે કે આ કાર્યવાહી ખરેખર અભૂતપૂર્વ છે, શું આ કાર્યવાહી અદાણી મુદ્દે, મારી સ્થિતિ માટે છે? રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસની નોટિસના પ્રારંભિક જવાબમાં વધુ માહિતી આપવા માટે 8-10 દિવસનો સમય માંગ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા રવિવારે દિલ્હી પોલીસની ટીમ મહિલાઓના જાતીય સતામણીના નિવેદનને લઈને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી વિશે વાત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચી હતી.