બેંગલુરુમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ સાથે મોટરસાઈકલની સવારી કર્યા પછી, હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે સવારી કરતા જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરો સાથે સવારી કરતા રાહુલ ગાંધીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.
રાહુલ ગાંધી મંગળવારે સવારે અચાનક ટ્રકમાં બેસીને અંબાલા પહોંચ્યા હતા. તેણે અંબાલા શહેરમાં શ્રી માંજી સાહેબ ગુરુદ્વારા પાસે ટ્રક રોકાવ્યો. તેમણે ગુરુદ્વારામાં માથું નમાવ્યું, પછી તેમણે કોંગ્રેસના કેટલાક કાર્યકરો સાથે પણ વાત કરી અને પછી ટ્રકમાં બેસીને હિમાચલ પ્રદેશ તરફ ચાલ્યા ગયા.
Rahul Gandhi is travelling in Truck and meeting Truck drivers to understand their problems. pic.twitter.com/8CmdLuFL5W
— Aaron Mathew (@AaronMathewINC) May 23, 2023
રાહુલ દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેણે અંબાલાથી ચંદીગઢ સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી. કોંગ્રેસના તમામ નેતાઓએ આ વીડિયો શેર કરીને રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે, તેમની મુલાકાતમાં તેમણે ડ્રાઇવરોના પ્રશ્નો અને સમસ્યાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે પણ આ વીડિયો શેર કર્યો છે. તેમને લખ્યું કે તેઓ(રાહુલ ગાંધી) આ દેશના લોકોની વાત સાંભળવા માંગે છે, તેમના પડકારો અને સમસ્યાઓને સમજવા માંગે છે. તેમને આમ કરતા જોઈને એક પ્રકારનો વિશ્વાસ છલકાય છે. કોઈ તો છે જે લોકો સાથે ઉભું છે. કોઈ એવી વ્યક્તિ છે જે તેમની સારી આવતીકાલ માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે. કોઈ છે જે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી અલગ પ્રકારની રાજનીતિ કરી રહ્યા છે, રાહુલ ગાંધી સતત દેશના નાના વર્ગના લોકોને જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે અંતર્ગત તેમણે ભારત જોડો યાત્રા કાઢી હતી, આ દરમીયાન અને એ બાદ પણ તેઓ સતત દેશના સામાન્ય નાગરીકો સાથે મુલાકાત કરતા જોવા મળ્યા છે. થોડા દિવસો અગાઉ કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન, તેણે બેંગલુરુમાં ડિલિવરી બોય સાથે સ્કૂટર સવારી કરી હતી. તેઓ દિલ્હી યુનિવર્સીટીની હોસ્ટેલની કેન્ટીનમાં પણ પહોંચી ગયા હતા જ્યાં તેમને યુવા વિદ્યાર્થીઓ સાથે દેશની સમસ્યાઓ અંગે ચર્ચા કરી હતી.