જો ઓછી સજા કરી હોત તો જનતામાં ખોટો સંદેશ ગયો હોતઃ કોર્ટ
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ચાર વર્ષ જૂના માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષી માન્યા છે. બદનક્ષીના કેસમાં કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની જેલ ફરમાવી છે અને તેની સાથે જામીન પણ આપ્યા છે, પરંતુ આ સજાને કારણે તેમના લોકસભાના સભ્યપદ પર જોખમ તોળાઈ રહ્યું છે. કોર્ટે સજા ફરમાવવાની સાથે અપીલ કરવા માટે 30 દિવસનો સમય પણ આપ્યો હતો. જોકે, કોર્ટના ચુકાદા પછી રાજકીય માહોલ પણ ગરમાયો છે, જેમાં વિપક્ષોએ આકરી ટીકા કરી હતી, જ્યારે સત્તાધારી પક્ષે પણ વિપક્ષોની ઝાટકણી કાઢી હતી.
સેશન્સ કોર્ટે કહ્યું હતું કે આરોપીને સુપ્રીમ કોર્ટથી સતર્ક રહેવાની સલાહ આપી હતી, પરંતુ તેમની વર્તણૂકમાં કોઈ બદલાવ આવ્યો નહોતો. આરોપી પોતે સાંસદ (સંસદ સભ્ય) છે અને જનતાને સંબોધવાની તેની રીત ગંભીર છે. તેનો ખૂબ વ્યાપક અસરો અને ગુનાની ગંભીરતા ધરાવે છે. જો આરોપીને ઓછી સજા કરવામાં આવી હોત તો જનતામાં તેનો ખોટો સંદેશ જાય અને બદનક્ષીનો હેતુ સિદ્ધ થશે નહીં, તેથી તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને દોષીને બે વર્ષ જેલની સજા આપી છે. કોર્ટે ચુકાદો આપ્યો ત્યારે રાહુલ ગાંધી ઉપસ્થિત હતા. કોર્ટે ફરિયાદીઓને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ચેતવણી પછી પણ રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું.
ફરિયાદી પક્ષે કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં આરોપી રાહુલ ગાંધીએ લેખિતમાં માફી પણ માગી હતી અને તેને સુપ્રીમ કોર્ટે ચેતવણી પણ આપી હતી કે ભવિષ્યમાં ફરી તેનું પુનરાવર્તન થાય નહીં. વકીલે એવી પણ દલીલ કરી હતી કે રાહુલ ગાંધી સાંસદ છે અને આ પ્રકારની વર્તણૂક સારી નહીં કહેવાય.
રાહુલ ગાંધીને કોર્ટે દોષી હોવાનો ચુકાદો આપવામાં આવ્યા પછી તેના રાજકીય પ્રત્યાઘાતો પડ્યા છે. રાહુલ ગાંધીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ક્વોટને ટાંકીને કહ્યું હતું કે સત્ય મારો ભગવાન છે અને અહિંસા પ્રાપ્ત કરવાનું સાધન છે. જોકે, રાહુલ ગાંધીને કરવામાં આવેલા સજા મુદ્દે કોંગ્રેસે તેની આકરી ટીકા કરી હતી, જ્યારે તેના જવાબમાં ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ પણ કહ્યું હતું કે રાહુલ ગાંધી જો લોકોને અપશબ્દો બોલશે તો કાયદો તેનું કામ કરશે. રાહુલનો બચવા કરતા કોંગ્રેસના પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને રાહુલ ગાંધીની નીતિ બિલકુલ સ્પષ્ટ રહી છે. તમે ડરાવવાની ગમે તેટલી કોશિશ કરી લો, પરંતુ રાહુલ ગાંધી ડરશે નહીં. જોકે, બદનક્ષીના કેસમાં રાહુલ ગાંધીને સજા આપવામાં આવ્યા પછી વિપક્ષોએ પણ તેની આકરી ટીકા કરી હતી અને તેના જવાબમાં ભાજપે સવાલ કર્યો હતો કે શું કોગ્રેસ પોતાના નેતાઓ માટે સંપૂર્ણ સ્વતંત્રતા ઈચ્છે છે, જેથી લોકોને અપશબ્દો બોલતા રહે?