બદનક્ષી કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા બાદ, રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. આજે લોકસભા સચિવાલયે એક નોટિફિકેશન બહાર પાડીને આ માહિતી આપી હતી. સુરત જીલ્લા અદાલતે તેમને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેને બે વર્ષની જેલની સજા ફટકારી હતી અને 15,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે, કેસની સુનાવણી દરમિયાન કોર્ટે તેને જામીન આપ્યા હતા.
લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં સાત લાઇનની સૂચના જારી કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે કેરળના વાયનાડના લોકસભાના સભ્ય રાહુલ ગાંધીને સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે દોષિત ઠેરવ્યા બાદ લોકસભાના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આ ગેરલાયકાત તેના દોષિત ઠેરવવાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી લાગુ થશે. આ નિર્ણય બંધારણની કલમ 102 (1) (e) અને લોકપ્રતિનિધિ અધિનિયમ, 1951ની કલમ 8ની જોગવાઈઓ હેઠળ લેવામાં આવ્યો છે.

લોકસભાના મહાસચિવ ઉત્પલ કુમાર સિંહના નામે આ સૂચના જારી કરવામાં આવી છે. આ સાથે રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ સચિવાલય, વડાપ્રધાન સચિવાલય, રાજ્યસભા સચિવાલય, ચૂંટણી પંચ, કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો, મુખ્ય ચૂંટણી અધિકારી, કેરળ, લાયઝન ઓફિસર, ડાયરેક્ટોરેટ ઓફ એસ્ટેટ, સંસદ ભવનની એનેક્સી, NDMC સચિવ, સંપર્ક અધિકારી તથા લોકસભા સચિવાલયના તમામ અધિકારીઓ અને શાખાઓને એક-એક નકલ મોકલવા આવી છે.