રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શનિવારે રાજધાની દિલ્હી પહોંચી હતી અને લાલ કિલ્લા પર જનસભાને સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મેં ટી-શર્ટ પહેર્યું તો પૂછવા લાગ્યા કે મને ઠંડી તો નથી લાગતી ને? શું આ વાત એ ગરીબો અને શ્રમિકોને પૂછે છે? આ યાત્રા પ્રેમ અને સદ્ભાવના ફેલાવવા માટે છે. ભારત જોડો યાત્રાને જનતાનું સમર્થન મળ્યું છે. આ યાત્રામાં સામેલ થનારા લોકોને તેમની જાતિ કે ધર્મ પૂછવામાં નથી આવતો. બધા એકસાથે મળીને પદયાત્રા કરીને પ્રેમ અને એકતાનો સંદેશઆપે છે. અહીં કોઈ નફરત કે હિંસા નથી. ભાજપ અને આરએસએસ સાથે ટીવી મીડિયાવાળા 24 કલાક સુધી હિંદુ-મુસ્લિમના એન્ગલથી સમાચાર પ્રસારિત કરે છે. આ દેશમાં ઉદ્યોગપતિની સરકાર છે. હિંદુ ધર્મમાં ક્યાં લખ્યું છે ગરીબ અને કમજોર લોકોને કચડવા જોઈએ. આ લોકો હંમેશા એકબીજાને લડાવવાના કામ કરી રહ્યા છે.