Homeઆમચી મુંબઈરાહુલ ગાંધી માફી માગે: ભાજપ

રાહુલ ગાંધી માફી માગે: ભાજપ

મુંબઈ: ભારતીય જનતા પક્ષ દ્વારા શનિવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા. સાથે અન્ય પછાત જાતિ (ઓબીસી)નું ‘અપમાન’ કરવા બદલ તેમની પાસેથી માફીની માંગણી પણ કરવામાં આવી છે. કૉંગ્રેસ નેતાએ ઓબીસીનું અપમાન કરવા બદલ માફી માગવી જોઈએ એવા ઘોષણાપત્રો સાથે દાદર અને લાલબાગ વિસ્તારમાં દેખાવો યોજવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીને કરવામાં આવેલી સજા તેમજ શુક્રવારે તેમનું સભ્યપદ રદ કરવામાં આવતા કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા પછી ભાજપ પણ રસ્તા પર ઊતરી આવ્યો હતો. વડા પ્રધાન ઓબીસી કમ્યુનિટીમાંથી આવે છે. મહારાષ્ટ્ર રાજ્ય ભાજપના પ્રમુખ ચંદ્રકાન્ત બાવનકુળેએ કહ્યું હતું કે ‘દેશ ઓબીસીનું અપમાન સાંખી નહીં લે. રાહુલ ગાંધીએ ઓબીસીની માફી માગવી જોઈએ.’ (પીટીઆઈ)ઉ
———–
રાહુલ ગાંધીનું સભ્યપદ રદ: કૉંગ્રેસ અને ભાજપ – સેનાએ થાણામાં સામસામે બાંયો ચડાવી

થાણા: બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને સજા કર્યા પછી તેમનું સંસદનું સભ્યપદ રદ કર્યું એ અનુષંગે કૉંગ્રેસે શનિવારે થાણામાં દેખાવો કર્યા હતા જ્યારે રાહુલ ગાંધીની કથિત ટિપ્પણીથી અન્ય પછાત જાતિ (ઓબીસી)ની લાગણીને ઠેસ પહોંચી છે એ મુદ્દે ભાજપ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ અલગથી દેખાવો કર્યા હતા.
૨૦૧૯ના બદનક્ષી કેસમાં સુરતની અદાલતે રાહુલ ગાંધીને સજા ફરમાવી એના લગભગ ૨૪ કલાક પછી તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. આ સભ્યપદ રદ થવાને કારણે જો ઉપલી અદાલત સજાના ચુકાદા પર સ્ટે નહીં આપે તો ચાર વખત સંસદ સભ્યની ચૂંટણી જીતેલા બાવન વર્ષના રાહુલ ગાંધી આઠ વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. રાહુલ ગાંધીના સંસદનું સભ્યપદ રદ કર્યું એના વિરોધમાં કૉંગ્રેસ દ્વારા થાણામાં આવેલા ડો. બાબાસાહેબ આંબેડકરના પૂતળા નજીક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કૉંગ્રેસના થાણા એકમના પ્રમુખ વિક્રાંત ચવાણના નેતૃત્વ હેઠળ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દેખાવકારોએ ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. થોડી વાર પછી એ જ સ્થળે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ દેખાવ કર્યા હતા અને રાહુલ ગાંધીએ જેલની સજા ભોગવવી જોઈએ એમ કહ્યું હતું. (પીટીઆઈ)ઉ
——-
રાહુલ ગાંધી પોસ્ટર વિવાદ
વિધાનસભ્યોને બરતરફ કરવા મહા વિકાસ આઘાડીની માગણી
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા પરિસરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પોસ્ટર સામે સ્લીપર ફેંકવાના મામલે વિરોધ પક્ષના સંગઠન મહા વિકાસ આઘાડીએ ગૃહત્યાગ (વોકઆઉટ) કરી સંયુક્ત શાસક પક્ષના કેટલાક વિધાનસભ્યોની બરતરફ કરવાની માગણી કરી છે. ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય યોગેશ સાગર અને રામ સાતપુતે, ભરત ગોગાવાલે (શિવસેના) અને ભાજપના વિધાન પરિષદના સભ્ય પ્રસાદ લાડને બરતરફ કરવાની માંગણી કરવામાં આવી છે. કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ દિવસ દરમિયાન વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને મળ્યા હતા અને આ સભ્યોની બરતરફી અંગે પોતે મક્કમ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. કોંગ્રેસ નેતા બાળાસાહેબ થોરાતે જણાવ્યું હતું કે ‘જો અમારી માગણી પૂરી નહીં કરવામાં આવે તો અમે ગૃહની ગતિવિધિઓનો બહિષ્કાર કરીશું.’ (પીટીઆઈ)ઉ
——–
રાહુલ ગાંધીને સજા: પુણેમાં કૉંગ્રેસનું વિરોધ પ્રદર્શન

પુણે: બદનક્ષી કેસમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફરમાવ્યા બાદ તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું એના વિરોધમાં કૉંગ્રેસ દ્વારા શનિવારે પુણેમાં વિરોધ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધી માર્ગ નજીક કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કૉંગ્રેસીઓએ ભારતીય જનતા પક્ષ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. રાહુલ ગાંધીની જનતામાં લોકપ્રિયતા વધી રહી હોવાથી કેન્દ્ર સરકારના કહેવાથી રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પુણે શહેરના કૉંગ્રેસ વડા અરવિંદ શિંદેએ જણાવ્યું હતું. સંસદનું સભ્યપદ રદ કરવાના નિર્ણયને રદ કરવા જનતાના હસ્તાક્ષર સાથેની રજૂઆત લોકસભા સેક્રેટેરિયટ સમક્ષ કરવામાં આવશે. મોદી અટક અને ચોર વિશે કરેલી ટિપ્પણીના કેસમાં ગુરુવારે સુરતની અદાલતે રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફરમાવી હતી અને શુક્રવારે તેમનું સંસદનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. અદાલતે રાહુલ ગાંધીને ઉપલી અદાલતમાં અપીલ કરવા માટે ૩૦ દિવસનો સમય આપ્યો છે. ઉ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -