ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને અમેરિકા અને યુરોપમાં ચાલી રહેલી બેંકિંગ કટોકટી પર એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપી છે કે ભવિષ્યમાં બેંકિંગ સંકટ વધુ ઘેરું બની શકે છે. તાજેતરમાં, યુ.એસ.ની બે સૌથી મોટી બેંકો પડી ભાંગી હતી, જ્યારે યુરોપની અગ્રણી બેંક, ક્રેડિટ સુઇસે તેના વેચાણમાં વિલંબ કર્યો હતો. રાજને જણાવ્યું હતું કે બેન્કોને એક દાયકાથી સરળ નાણાં અને વિશાળ લિક્વીડિટીની લત લાગી ગઇ છે, અને હવે કેન્દ્રીય બેન્કો નીતિને કડક બનાવી રહી છે, જેના કારણે નાણાકીય વ્યવસ્થામાં કટોકટી સર્જાઈ છે.
રાજને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે સેવા આપી હતી અને યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસમાં પ્રોફેસર હતા. રાજને કહ્યું કે અમેરિકાની સિલિકોન વેલી બેંક અને સ્વિટ્ઝરલેન્ડની ક્રેડિટ સુઈસ બેંકના મામલાને ધ્યાનમાં લેતા વૈશ્વિક બેંકિંગ સિસ્ટમમાં મોટી ઉથલપાથલ થઈ છે. આવી સ્થિતિમાં, વિશ્વની બેંકિંગ સિસ્ટમ એક મોટા સંકટ તરફ આગળ વધી રહી છે.
ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી રઘુરામ રાજને 2008ની મંદીની સાચી આગાહી કરી હતી. રાજને જણાવ્યું હતું કે છેલ્લા દાયકાથી, બેંકો પાસેથી લોન સરળતાથી ઉપલબ્ધ હતી, કારણ કે તેમની પાસે તરલતાની અછત નહોતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી વિશ્વભરની કેન્દ્રીય બેંકોએ તેમની નાણાકીય નીતિઓ કડક બનાવી છે, તેની અસર હવે નાણાકીય વ્યવસ્થા પર જોવા મળી રહી છે.
રઘુરામ રાજને કહ્યું કે સિલિકોન વેલી બેંક અને ક્રેડિટ સુઈસ બેંકની કટોકટી દર્શાવે છે કે બેંકોમાં નાણાકીય સમસ્યાઓના મૂળ ઊંડા છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, અમે ભૂલી ગયા છીએ કે બેંકોની નાણાકીય નીતિઓની અસર એટલી ઊંડી છે કે તેને હેન્ડલ કરવું સરળ કામ નથી. આવી સ્થિતિમાં તેની અસર સીધી બેંકિંગ સિસ્ટમ પર જોવા મળી રહી છે. જ્યારે તેઓ 2005માં મુખ્ય અર્થશાસ્ત્રી હતા ત્યારે તેમણે 2008માં કરેલી બેંકિંગ કટોકટીની આગાહી સાચી પડી હતી. તે સમયે, તત્કાલિન યુએસ ટ્રેઝરીએ રાજનની ચેતવણીને વિકાસ વિરોધી ગણાવીને નકારી કાઢી હતી, પરંતુ 2008માં યુએસ બેન્કિંગ કટોકટીએ રઘુરામ રાજનની વાત સાચી સાબિત કરી હતી.