કવર સ્ટોરી -ગીતા માણેક
પોતાના લગ્નના આગલા દિવસે કેયૂર અને શ્રુતિ બ્યુટીપાર્લરમાં કે સલૂનમાં નહીં મુંબઈના ગિરગામ વિસ્તારમાં આવેલી હેલ્થ અને વેલનેસ હૉસ્પિટલમાં ગયા. ના, તેમને કોઈ બીમારી નહોતી પણ આગલી સાંજે સંગીત-સંધ્યામાં ડાન્સ કરીને તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હતા. લગ્નના દિવસે તેમનો ચહેરો થાકેલો-પાકેલો અને નિસ્તેજ ન લાગે એ માટે તેઓ આ વેલનેસ હૉસ્પિટલમાં આવ્યા હતા. આ હૉસ્પિટલમાં આવીને તેમણે ઇન્ટરાવિનસ ડ્રીપ દ્વારા વિટામિન સી અને વિટામિન બી કોમ્પ્લેક્સ લેવા માંડ્યું. દેશી ભાષામાં કહીએ તો વિટામિન સી અને બી કોમ્પ્લેક્સનો બાટલો ચડાવી લીધો. કેયૂરે પોતાનું એમબીએ અમેરિકામાં કર્યું હતું અને લૉસ એન્જલસમાં તેણે જોયું હતું કે પાર્ટીમાં નાચીને અને ઉજાગરા કરીને કે પછી પરીક્ષા વખતે થાક્યા હોય અથવા ઑફિસમાં ખૂબ કામ રહ્યું હોય ત્યારે ઘણા યુવાનોને તેણે આ રીતે એનર્જી બુસ્ટર લેતા જોયા હતા.
જો કે, મુંબઈમાં કેયૂર કે શ્રુતિ કંઈ અપવાદરૂપ નથી જે આવી રીતે વિટામિનના બાટલા ચડાવી લેતા હોય. ઘણા યુવાન કે આધેડ વયના મુંબઈગરાઓ આ રીતે એનર્જીના ડોઝ લઈને ફરી મુંબઈની દોડધામ ભરેલી જિંદગી જીવવા સજ્જ થઈ જતા હોય છે.
કેયૂર કંઈ પહેલવહેલી વાર આ વિટામિન થેરપી નહોતો લઈ રહ્યો. આ અગાઉ પણ ત્રણ-ચાર વખત તે ખૂબ થાક્યોપાક્યો હોય ત્યારે આ રીતે વિટામિનના ડોઝ ચડાવી ચૂક્યો હતો. કોવિડ પછી તો આ રીતે વિટામિનના ડોઝ લઈ લેવાનું ચલણ બહુ વધ્યું છે.
ફક્ત થકાવટ થઈ હોય ત્યારે એનર્જી માટે નહીં પણ ચમકદાર ત્વચા માટે કે ચહેરા પર ખીલ થયા હોય એવા યુવાન અને યુવતીઓને કેટલાંક ત્વચારોગ નિષ્ણાતો આ પ્રકારના વિટામિન ડોઝ લેવાની સલાહ આપે છે.
મુંબઈમાં વરલી અને ત્યાર બાદ જૂહુ અને પવઈમાં પણ આ પ્રકારની થેરપી આપવા માટેનું ક્લિનિક શરૂ કરનાર કહે છે કે આઈવી એટલે કે ઇન્ટ્રાવિનસ થેરપી લેનારાઓની સંખ્યા ખાસ તો કોવિડ પછી વધી રહી છે. આ ક્લિનિક ચલાવનાર અંજલી કહે છે કે આ થેરપી ૯,૯૦૦ રૂપિયાથી માંડીને ૩૪,૯૦૦ રૂપિયા સુધીની હોય છે. આમ તો વિટામિન, મિનરલ, અન્ય પ્રવાહીઓ, ઈલેક્ટ્રોલાઈટ્સ અને એન્ટિ ઓક્સિડન્ટ માનવ શરીરમાં મોજૂદ હોય જ છે, પરંતુ શારીરિક કારણો તેમ જ વાતાવરણ અને સંજોગો અનુસાર એમાં ઘટાડો થાય છે. આઈવી દ્વારા એટલે એને નસ દ્વારા શરીરમાં ઉમેરીને આ તત્ત્વોનું સંતુલન મેળવવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આઈ.વી.માં પણ બે કેટેગરી હોય છે- વેલનેસ તેમજ મેઇન્ટેનન્સ અને રિકવરી કેટેગરી. કેટલાંક મુંબઈગરા તો દર અઠવાડિયે આ વેલનેસ કેટેગરી હેઠળના વિટામિન તથા અન્ય પ્રવાહીઓના બાટલા ચડાવી લે છે.
આ સિવાય અલ્ટ્રાવીવ આઈવી થેરપી પણ હોય છે જે શરીરમાં પ્રવાહી ઘટ્યું હોય એને વધારીને એનર્જી બુસ્ટ આપે છે. વીકએન્ડમાં કે બર્થ-ડે, એનિવર્સરી કે દોસ્તો સાથેની પાર્ટીમાં બહુ દારૂ ઢીંચવાને કારણે ઊલટીઓ થઈ હોય કે બહુ નાચવાથી શરીરમાં દુ:ખાવો થતો હોય, હેન્ગઓવર થયો હોય તો આવી ક્લિનિકમાં જઈને અલ્ટ્રાવીવ આઈવી થેરપી અથવા એનર્જીનો ડોઝ લઈને તાબડતોબ ફરી જિંદગી માણવા તૈયાર થઈ જાય છે.
આવા આઈવી સેન્ટર ચલાવનારાઓ એવો દાવો કરે છે કે ગ્લુટાથાયોન તમારા શરીરમાં જરૂરી એવા તત્ત્વોને ડિટોક્સિફાય કરે છે, જ્યારે વધુ પડતા દારૂ પીવાને કારણે થતી તકલીફો દૂર કરવામાં વિટામિન બી-૧૨ મદદરૂપ થાય છે. શરાબ ઢીંચનારાઓમાં દર અઠવાડિયે આવી આઈ.વી. થેરપી લેવાનો ક્રેઝ વધી રહ્યો છે.
આ ક્રેઝ એટલો થઈ ગયો છે કે આવી આઈ.વી. થેરપી હવે મુંબઈની કેટલીક રેસ્ટોરાંમાં પણ મળવા માંડી છે. મુંબઈની એક રેસ્ટોરાંમાં રવિવારે સવારના બ્રન્ચ (નાસ્તા) સાથે આ થેરપી ઑફર કરવામાં આવે છે. શનિવારે રાતે પાર્ટી કરી હોય, શરાબ પીધો હોય, નાચ્યા હોય, ધમાલમસ્તી કરી હોય એટલે રવિવારની સવારે સુસ્તી, થાક અને હેન્ગઓવર હોય. આ રેસ્ટોરાંમાં રવિવારની સવારે બ્રન્ચ કરવા આવનારાઓને વિટામિન અને મિનરલ્સના બાટલા ચડાવવાની સેવા (પૈસા ચૂકવીને જ સ્તો) મળવા માંડી પછી આ રેસ્ટોરાંમાં ગ્રાહકોની સંખ્યા પણ વધવા માંડી છે.
આઈ.વી. થેરપી એટલી લોકપ્રિય થવા માંડી છે કે જેમ લગ્ન પહેલાં મહેંદી, પીઠી કે સંગીત સંધ્યા જેવા કાર્યક્રમો હોય છે એમ ઘરે મહેમાનોને આઈ.વી. થેરપી આપનારાઓને પણ બોલાવવામાં આવે છે. આવી રીતે વિટામિનના ડોઝ લઇ-લઇને સાજનમાજન વધુ જોશપૂર્વક લગ્નમાં મહાલી શકે એ માટે આ વ્યવસ્થા કરી આપવામાં આવે છે. જેમ જુદા જુદા પ્રકારના ફેસિયલ કે મસાજ હોય છે એમ આઈવી થેરપીનું પણ મેનુ કાર્ડ હોય છે. જેમાં વધુ પડતા પરિશ્રમને લીધે કે પછી સૂર્યપ્રકાશમાં બહાર જવાને કારણે થકાવટ માટે હનીમૂન હાઈડ્રેશન, શરદી-ફ્લૂ, હેન્ગઓવરમાં રાહત માટે કોકટેઇલ ક્યોર, વિદેશ પ્રવાસને લીધે જેટ લેગ, શારીરિક કે માનસિક થાકને લીધે ઊર્જાના અભાવ માટે લવ ઇન્ફ્યૂઝન, વિટામિન સી, ઈમ્યૂનિટી બુસ્ટ અને ડિટોક્સિફીકેશન માટે હેપ્પીલી એવર આફ્ટર નામથી આઈ.વી. થેરપી ઓફર કરવામાં આવે છે. પોતાની જરૂરિયાત મુજબની આઈ.વી. થેરપી પસંદગી કરવાની હોય છે. આ દરેક આઈવી થેરપીના ભાવ જુદા જુદા હોય છે.
એક જાણીતા બોલીવૂડ અભિનેતાની ભત્રીજીના લગ્નના આગલા દિવસે આ પ્રકારની આઈ.વી. થેરપી આપનારાઓને બોલાવવામાં આવ્યા હતા. જે રીતે વર, ક્ધયા અને તેમના પરિવારજનો તથા મહેમાનોને મહેંદી મૂકવા માટેનો ઓર્ડર આપવામાં આવે છે એ જ રીતે આઈ.વી. થેરપી
આપનારાઓનું એક ગ્રુપ આવ્યું હતું.
જો કે, ડોક્ટરો આડેધડ આવી આઈ.પી. થેરપી લેવા સામે લાલબત્તી ધરે છે. અંધેરીના એક જાણીતા ડરમેટોલોજિસ્ટ અને કોસ્મેટિક સર્જ્યન કહે છે કે ગ્લુટોથાઈન આઈ.વી. થેરપીને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને હજુ માન્યતા આપી નથી. ડૉક્ટરો કહે છે કે ગ્લુટોથાઈનના આવા બાટલા ચડાવવા શરીર માટે હાનિકારક પુરવાર થઈ શકે છે.
અનુભવી ડૉક્ટરો શરીર સાથે આવા ચેડાં કરવા સામે ચેતવણી ઉચ્ચારે છે. તેઓ કહે છે કે આવી આઈ.વી. થેરપી પર યોગ્ય તબીબી સંશોધન થયા નથી કે આવી થેરપી સલામત છે એવી ખાતરી હજુ વિજ્ઞાન દ્વારા આપવામાં આવી નથી.
હૉસ્પિટલમાં દરદીઓને જરૂરિયાત મુજબ ગ્લુકોઝ અને વિટામિનના ડોઝ આપવામાં આવે છે પણ એ નિષ્ણાંત ડૉક્ટરો, નર્સ અને મેડિકલ સ્ટાફની દેખરેખ હેઠળ અપાય છે. આ રીતે આઈ.વી. થેરપી આપવાના ક્લિનિક વ્યક્તિ માટે જોખમી પુરવાર થઈ શકે છે.
ઉપરાંત આવી થેરપી આપનારા કંઈ બધા અનુભવી અને નિષ્ણાત તબીબ હોતા નથી એટલે કયા વિટામિનનો કેટલો ડોઝ આપવો એની જાણકારી તેમને ન હોય એવું બની શકે. આ રીતે કોઈ વિટામિન, મિનરલ કે અન્ય પ્રવાહીનો ઓવરડોઝ વ્યક્તિના શરીર માટે હાનિકારક પુરવાર થઈ શકે છે.
સામાન્ય રીતે આપણા આહારમાંથી આપણને જરૂરી વિટામિન અને અન્ય પોષકતત્ત્વો મળતા હોય છે. આપણે ખાધેલા પદાર્થોનું પાચન થઈ એમાંથી વિટામિન અને અન્ય તત્ત્વો એક આખી કુદરતી પ્રક્રિયા દ્વારા ધીમે-ધીમે શરીરમાં પહોંચાડવામાં આવતા હોય છે. આઈ.વી. થેરપી દ્વારા આ રીતે નસોમાં વિટામિન અને અન્ય તત્ત્વો ઠાલવી દેવાના પરિણામો લાંબા ગાળે ગંભીર આવી શકે છે.
જેઓ આવી આઈ.વી. થેરપી આપે છે તેઓ વ્યક્તિની શારીરિક સ્થિતિ, થાઈરોઈડ, બ્લડપ્રેશર, ડાયાબિટીઝ કે અન્ય મેડિકલ સ્થિતિ વિશે જાણકારી ઉપરાંત તેમને કોઈ એલર્જી છે કે નહીં એની પૂરતી જાણકારી વિના શરીરમાં વિટામિન ઠાલવે છે જે બહુ જ જોખમકારક છે એવું તબીબો સોઈ ઝાટકીને કહે છે.
આધુનિક સમયમાં બધાને દરેક વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ છે. એ જ રીતે સ્વાસ્થ્ય અને તરવરાટ પણ તાબડતોબ જોઈએ છે. આઈ.વી. થેરપી કદાચ તત્પૂરતી ઊર્જા આપતી હોય તો પણ એ શરીરની કુદરતી પ્રક્રિયા સાથે ચેડાં કરવા સમાન છે એવું ડોક્ટરો કહે છે.