વિપુલ વૈદ્ય
મુંબઈ: મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી એકનાથ શિંદે જૂથ સતત ઉદ્ધવ ઠાકરેને અલગ અલગ સ્તરે ફટકા મારી રહ્યો હતો. નાશિકમાંથી પણ હમણાં જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ/પદાધિકારીઓ શિંદે જૂથમાં જોડાયા હતા અને સંજય રાઉત ખુદ મેદાનમાં ઉતર્યા છતાં કાર્યકર્તાને જતા રોકી શક્યા નહોતા. બીજી તરફ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે સાથે નીકટતા વધી રહી છે. આ બધાને ધ્યાનમાં રાખતાં ઉદ્ધવ ઠાકરેએ જોરદાર વળતો ફટકો મનસેને મારીને હિસાબ બરાબર કર્યો છે.
રાજ્યમાં આવી રહેલી મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ ઠાકરે તેમ જ તેમના પુત્ર
અમિત ઠાકરે પક્ષની વૃદ્ધિ માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે રાજ ઠાકરેના ગઢ ગણાતા નાશિક મનપામાં મનસેના ગઢને સૂરંગ ચાંપવાનું કામ ઉદ્ધવ ઠાકરેએ કર્યું છે.
મનસેના ૧૦૦થી વધુ કાર્યકર્તા/પદાધિકારીઓને સોમવારે માતોશ્રી નિવાસસ્થાને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આવી રહેલી ચૂંટણી ટાણે સેંકડોની સંખ્યામાં ઠાકરે જૂથમાં જોડાયા તેને મનસેને ફટકો માનવામાં આવે છે.