બોલીવૂડની પંગાક્વીને હવે રાજકીય વિવાદોમાં ઝંપલાવીને ઉદ્ધવ ઠાકરે પર નિશાનો સાધ્યો હતો. કંગના રાણાવત હંમેશા જ વિવાદાસ્પદ નિવેદનો કરીને ચર્ચામાં રહે છે. હવે ગઈ કાલે ચૂંટણી પંચ દ્વારા સીએમ એકનાશ શિંદેને પક્ષનું નામ અને ચિહ્ન આપી દેતાં કંગનાએ ટ્વીટ કરીને ઉદ્ધવ ઠાકરે પર નિશાનો સાધ્યો હતો.
કંગનાએ ટ્વીટ કરીને લખ્યું કોઈ સાથે ખરાબ વર્તન કરો તો દેવરાજ ઈન્દ્રને પણ સજા મળતી હોય તો આ તો માત્ર એક નેતા છે. જે વખતે મારું ઘર તોડ્યું એ જ સમયે મને લાગ્યું હતું કે તેમના હવે ખરાબ દિવસો શરૂ થવાના છે, એક સ્ત્રીનું અપમાન કરનારાઓને ભગવાન હંમેશા સજા આપે જ છે અને હવે એ ફરી પાછા ક્યારેય નહીં ઉઠી શકે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરે જ્યારે સીએમ હતા ત્યારે કંગનાના ઘરનો અમુક હિસ્સો મહાપાલિકાના અતિક્રમણ વિભાગ દ્વારા તોડી પાડવામાં આવ્યો હતો. એ સમયે પણ ઉદ્ધવ ઠાકરેને ઉદ્દેશીને તેણે કહ્યું હતું કે આજે મારું ઘર તોડ્યું છે તમે આવતી કાલે તમારો અહંકાર તમને લઈ ડૂબશે. દરેકનો સમય આવે છે, એ વાતને ધ્યાનમાં રાખવી જોઈએ.
કેન્દ્રીય ચૂંટણી પંચના એક નિર્ણયને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થઈ ગઈ છે અને ઠાકરે જૂથને મોટો આંચકો લાગ્યો છે. કંગનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ઈમર્જન્સી આવી રહી છે, જેમાં તે ઈંદિરા ગાંધીનો રોલ કરી રહી છે.