સખત કાયદા-કાનૂનવાળો ઈસ્લામિક દેશ કતર અત્યારે ફિફા વર્લ્ડકપને કારણે ચર્ચામાં છે. આ જ દરમિયાનમાં કતર પોતાના નાગરિકો સાથેના ક્રુર વર્તન માટે પણ ચર્ચામાં છે અને હવે આ દેશ વધુ એક વખત ચર્ચામાં છે અને એ પણ એની રાજકુમારીને કારણે. કતરની રાજકુમારી ઘરથી ભાગી ગઈ છે અને જે કારણસર રાજકુમારીએ ઘર છોડ્યું છે એ જ કારણસર દેશના બીજા લોકો પણ દેશ છોડી જવા માટે તૈયાર છે. પણ રાજકુમારીની ચર્ચા એટલા માટે થઈ રહી છે, કારણ કે દેશના એક કાયદાને કારણે તે પોતાના પરિવાર પર એક ગંભીર આરોપ લગાવીને ભાગી છે.
મીડિયા રિપોર્ટ્સની વાત માનીએ તો પ્રિન્સેસ કતરના શાહી પરિવાર અલ થાનીની મેમ્બર છે અને કતરમાં સમલૈંગિંક સંબંધો પર પ્રતિબંધ છે. રાજકુમારી ખુદ સમલૈંગિક છે એવામાં તેને ડર લાગ્યો કે ટ્રાન્સજેન્ડર હોવાને કારણે તેમને પણ કડક સજા ફટકારવામાં આવી શકે છે. આ જ કારણસર તે ઘર છોડીને ભાગી ગઈ હતી.
ભાગીને રાજકુમારીએ બ્રિટેનમાં શરણુ લીધું ત્યારે તેમણે અધિકારીઓને જણાવ્યું હતું કે તેનું બાળપણ ખૂબ જ સંઘર્ષમય હતું. જન્મી તો હું એક મહિલાના રુપમાં પણ જેમ જેમ મોટી થતી ગઈ એમ મને મારા શરીરમાં પરિવર્તન દેખાવા લાગ્યા. હવે હું નથી ઈચ્છતી કે મારા લગ્ન મારા કોઈ પિત્રાઈ ભાઈ સાથે કરાવી દેવામાં આવે. કતરમાં સમલૈંગિકો માટે ત્રણ વર્ષની સખત કેદની સજા છે. મારી સુરક્ષાના કારણોસર હું ઘરથી ભાગી ગઈ હતી.
યુકે સરકાર પાસે રહેલાં રાજકુમારીના દસ્તાવેજો પ્રમાણે 2015ના ઉનાળામાં તે પોતાના પરિવાર સાથે લંડન ફેમિલી ટ્રીપ પર ગઈ હતી અને ત્યાંથી જ તે તેના મિત્રની મદદથી ભાગી ગઈ હીતી. હવે કતરમાં જ્યારે લાખો રમતપ્રેમી આવ્યા છે તો આ દેશના આ કાયદા પર ચર્ચા થઈ રહીછે આ જ અનુસંધાનમાં સમલૈંગિકતા કાયદાનો ઉલ્લેખ થયો અને કતરની આ રાજકુમારીની સ્ટોરી ફરી એક વખત વાઈરલ થવા લાગી.