સીઓલઃ યુક્રેન સામે યુદ્ધ કરવાની સાથે સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વધુ એક દેશ સામે યુદ્ધ કરવાની વેતરણમાં હોવાનું જણાયું છે. અલબત્ત, યુક્રેન પર હુમલો કરવામાં આવ્યા પછી હવે પુટિન દક્ષિણ કોરિયા પર હુમલો કરવાની યોજના ધરાવી રહ્યા હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે. ચીન અને રશિયાના યુદ્ધ વિમાન દક્ષિણ કોરિયાની એર ડિફેન્સ ઝોનમાં દાખલ થયા હતા. આ મુદ્દે દક્ષિણ કોરિયાના સંરક્ષણ અહેવાલમાં જણાવાયું હતું કે 30મી નવેમ્બરના ચીનના બે અને રશિયાના છ યુદ્ધ વિમાન નિયમોનું ઉલ્લંઘન કરીને એર ડિફેન્સ ઝોનમાં પ્રવેશ્યા હતા. અલબત્ત, ચીન અને રશિયાના એક્શનને કારણે કોરિયાઈ દ્વિપમાં તનાવ ઊભો થયો છે.
ચીનના એચ-સિક્સ વિમાને સવારના 5.50 વાગ્યાના સુમારે દક્ષિણ કોરિયાના દક્ષિણ અને પૂર્વોતર તટીય વિસ્તારથી દૂર કોરિયાઈ હવાઈ ડિફેન્સ આઈડેન્ટીફિકેશન ઝોન (કેએડીઆઈઝેડ)માં પ્રવેશ કર્યો હતો. એર ડિફેન્સ ઝોન એવો વિસ્તાર છે, જ્યાં દેશની એવી માગણી હોય છે કે વિદેશી વિમાન પોતાની ઓળખ માટે વિશેષ પગલાં ભરે. મોસ્કો કોરિયાના એર ડિફેન્સ ઝોનને માન્યતા આપતા નથી. દક્ષિણ કોરિયાના દાવા મુદ્દે બીજિંગે સ્પષ્ટતા કરી હતી કે આ ઝોન પ્રાદેશિક એર ડિફેન્સ્ ઝોન નથી તથા તમામ રાષ્ટ્રોને ત્યાં અવરજવર કરવામાં સ્વતંત્રતા આપતા નથી.