Homeવેપાર વાણિજ્યશુદ્ધ સોનું ₹ ૧૨૩ ઘટીને ₹ ૫૬,૦૦૦ની અંદર

શુદ્ધ સોનું ₹ ૧૨૩ ઘટીને ₹ ૫૬,૦૦૦ની અંદર

મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદરની સપાટી જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર આવવાની સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમા સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. જોકે, સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો આઠ પૈસા ઘટતાં સોનાની આયાત પડતરમાં વધારો થવાને કારણે સ્થાનિક ઝવેરી બજારમાં વિશ્ર્વ બજારની સરખામણીમાં સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ સાધારણ રૂ. ૧૨૨થી ૧૨૩નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૫૧ના ઘટાડા સાથે રૂ. ૬૫,૦૦૦ની સપાટીની અંદર ઉતરી ગયા હતા. બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને વધુ ભાવઘટાડાના આશાવાદે સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, જ્યારે રિટેલ સ્તરની પ્રવર્તમાન લગ્નસરાની મોસમની છૂટીછવાઈ લેવાલી જળવાઈ રહી હતી. જોકે, આજે રૂપિયો નબળો પડવાને કારણે સોનાની આયાત પડતરો વધી આવતાં વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૨૨ના ઘટાડા સાથે રૂ. ૫૫,૭૩૩ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૨૩ના ઘટાડા સાથે રૂ. ૫૫,૯૫૭ના મથાળે રહ્યા હતા. જોકે, આજે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક સટ્ટાકીય વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૮૫૧ના ઘટાડા સાથે રૂ. ૬૫,૦૦૦ની સપાટી ગુમાવીને રૂ. ૬૪,૩૩૧ના મથાળે રહ્યા હતા.
અમેરિકાના આર્થિક ડેટા પ્રોત્સાહક આવી રહ્યા હોવાથી ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા પ્રબળ બનતા આજે ડૉલર ઈન્ડેક્સમાં મક્કમ વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૮૨૧.૯૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૧૮૨૯.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૧.૧૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -