પંજાબના અમૃતસર ખાતે વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલ સિંહના સમર્થકોએ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં છ પોલીસ કર્મચારીઓને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ મામલે ખલિસ્તાનના સમર્થક અમૃતપાલ સિંહે જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે પોલીસે અમારા એક સાથીની ધરપકડ કરી હતી અને તે નિર્દોષ છે. તેને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યો છે. અમૃતપાલ સિંહે એફઆઈઆરમાંથી જો એ સાથીનું નામ નહીં હટાવવામાં આવે તો પોલીસ સ્ટેશનને ઘેરાવો કરવાની ધમકી પણ આપી હતી. મળી રહેલી માહિતી અનુસાર અમૃતપાલ સિંહના સમર્થકો અને પોલીસ વચ્ચે વિવાદ થયો હતો. આ મામલે અમૃતસરના એસએસપીએ જણાવ્યું હતું કે લવપ્રિત તુફાનને છોડી મૂકવામાં આવશે અને આ મામલાની તપાસ માટે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. બીજી બાજું આ આખા મામલે અમૃતપાલ સિંહે જણાવ્યું હતું કે અમે લોકો ખલિસ્તાનની ચળવળને ખૂબ જ શાંતિપૂર્વક આગળ વધારી રહ્યા છે. જ્યારે લોકો હિંદુ રાષ્ટ્રની માહણી કરી શકે છે તો અમે ખલિસ્તાનની માગણી કેમ ના કરી શકીએ? દિવંગત વડા પ્રધાન ઈંદિરા ગાંધીને પણ ખલિસ્તાનનો વિરોધ કરવાની કિંમત ચૂકવવી પડી હતી. અમને કોઈ રોકી શકે એમ નથી પછી એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોય, ગૃહ પ્રધાન અમિત શાહ હોય, ભગવાન માન હોય કે બીજું કોઈ પણ હોય. મારા પર અને મારા સમર્થકો પર લગાવવામાં આવેલા આક્ષેપો જૂઠ્ઠા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમૃતપાલ સિંહનું નામ પંજાબના શિવસેના નેતા સુધીર સૂરી હત્યાકાંડમાં પણ સંડોવાયું હતું. સુધીરના પરિવારે હત્યાકાંડમાં અમૃતપાલ સિંહનું નામ પણ સામેલ કરવાની માગણી કરી હતી.