દિલ્હી કેપિટલ્સને પંજાબ કિંગ્સ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબે તેને 31 રને હરાવીને તેની પ્લેઓફની આશા જીવંત રાખી છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. તેના 12 મેચમાં આઠ પોઈન્ટ છે. જો તે તેની બાકીની બે મેચ જીતી જાય તો પણ તેના માત્ર 12 પોઈન્ટ જ રહેશે. આવી સ્થિતિમાં તે આગામી રાઉન્ડમાં પહોંચી શકશે નહીં. બીજી તરફ પંજાબે આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં છલાંગ લગાવી દીધી છે. તેને 12 પોઈન્ટ મળ્યા છે અને તે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે.

દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પંજાબે 20 ઓવરમાં સાત વિકેટે 167 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 136 રન જ બનાવી શકી હતી. આ મેચમાં દિલ્હીના બેટ્સમેનોએ શરમજનક પ્રદર્શન કર્યું હતું. નબળી બેટિંગના કારણે જ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હી માટે માત્ર ડેવિડ વોર્નર જ ટકી શક્યો. તેણે 200ના સ્ટ્રાઈક રેટથી 27 બોલમાં 54 રન બનાવ્યા.

દિલ્હીની ટીમે પાવરપ્લેમાં કોઈ પણ નુકસાન વિના 65 રન બનાવ્યા હતા. ત્યાર બાદ વધુ 50 રનમા ટીમના છ બેટ્સમેન આઉટ થયા હતા. અહીંથી ટીમ જીત મેળવી શકી નહોતી. પંજાબના સ્પિન બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા દિલ્હીના બેટ્સમેનોને પિચ પર ટકવા દીધા નહોતા. દિલ્હી તરફથી ફિલિપ સોલ્ટ 21, અમન હકીમ ખાન અને પ્રવીણ દુબેએ 16-16 રન બનાવ્યા હતા. કુલદીપ યાદવે અણનમ 10 રન બનાવ્યા હતા. આ પાંચ બેટ્સમેન સિવાય કોઈ ડબલ ફિગરને સ્પર્શી શક્યું નથી. રિલે રૂસો પાંચ, મિશેલ માર્શ ત્રણ અને અક્ષર પટેલ એક રન બનાવીને આઉટ થયા હતા. મનીષ પાંડે ખાતું ખોલાવી શક્યો નહોતો.
Sadde 🦁s came out to play today! 😤#DCvPBKS #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL pic.twitter.com/PiU4L8Ypi9
— Punjab Kings (@PunjabKingsIPL) May 13, 2023
પંજાબ તરફથી હરપ્રીત બ્રાર અને રાહુલ ચાહરે તબાહી મચાવી હતી. હરપ્રીત બ્રારે ચાર અને રાહુલ ચહરે બે વિકેટ લીધી હતી. છેલ્લી ઓવરમાં ફાસ્ટ બોલર નાથન એલિસે બે વિકેટ ઝડપી હતી.