પુણેઃ પુણે-નાશિક હાઈવે પર સોમવારે રાતે થયેલાં ભીષણ અકસ્માતમાં પૂરઝડપે આવી રહેલાં વાહને રસ્તો ઓળંગી રહેલી મહિલાઓને અડફેટે લેતા પાંચ મહિલાઓના મૃત્યુ થયા હતા, જ્યારે 17 મહિલાઓને આજ પહોંચી હતી. પોલીસે આ પ્રકરણે અજ્ઞાત વાહનચાલકો સામે ગુનો નોંધ્યો હતો.
પુણે નાશિક હાઈવે પર ખરાપુડી ફાટા પાસે મહિલાઓ રસ્તો ઓળંગી રહી હતી એ સમયે પુરઝડપે આવી રહેલાં વાહને મહિલાઓને અડફેટે લીધી હતી. સોમવારે રાતે 11 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં પાંચ મહિલાઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે 17 મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. ઈજાગ્રસ્ત મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન પોલીસે અજ્ઞાત વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે અને તેની તપાસ હાથ ધરી છે.
સુશિલા દેઢે, ઈંદુબાઈ કોંડીબા કાંબળે (46) એમ બે મૃતકની ઓળખ થઈ હતી, જ્યારે અન્ય મૃત મહિલાઓની ઓળખ થઈ શકી નહોતી. ઈજાગ્રસ્ત મહિલાઓને પ્રાઈવેટ અને ચાંડોલી ગ્રામીણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પુણે શહેરના ખેડ તાલુકામાં શિરોલી ખાતે આવેલા એક મંગલ કાર્યાલય હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં રસોઈ કરવા માટે આ મહિલાઓ ગઈ હતી. કામ પૂરું કરીને મહિલાઓ રાતે ઘર જઈ રહી હતી એ સમયે તેમને આ અકસ્માત નડ્યો હતો.
આ સિવાય મહાડ- પંઢરપુર રોડ પર પુણેના ભોર તાલુકામાં આવેલા વડગામ પાસે રસ્તા પર ટૂ-વ્હીલરમાં અચાનક આગ ફાટી નીકળી હતી, પરંતુ ચાલકે સમયસૂચકતાં વાપરીને ગાડીને સાઈડ પર લઈ જઈને પાર્ક કરી હતી જેથી કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. સ્થાનિકોએ તાત્કાલિક પાણી નાખીને આ આગ બુઝાવી હતી, પરંતુ ત્યાં સુધી આગમાં આખી ટૂ-વ્હીલર બળીને ખાખ થઈ ગઈ હતી.