પુણેઃ યોગ્ય સારવાર ના અભાવે દર્દીનું મૃત્યુ થાય ત્યારે રોષે ભરાયેલા પરિવારના સભ્યો દ્વારા હોસ્પિટલના કર્મચારીઓની માર-પીટ કરવામાં આવે, તોડફોડ કરવામાં આવે એ તો સમજી શકાય એવી વાત છે. પુણેમાં બનેલી એક ઘટનામાં સારવાર દરિમયાન બિલાડીનું મૃત્યુ થતા ડોક્ટરની મારપીટ કરવામાં આવી. જેમાં ડોક્ટરને પગમાં ગંભીર ઈજા પહોંચી છે. ડો. રામનાથ ઢગેએ આ મામલે હડપસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પુણેના હડપસર વિસ્તારમાં ડોગ એન્ડ કેટ ક્લિનિકમાં ડો. રામનાથ ઢગે ફરજ બજાવે છે, દરમિયાન તેમની પાસે બિલાડી લઈને એક મહિલા અને ચાર અજ્ઞાત વ્યક્તિ આવી. બિલાડી બીમાર હતી અને બે દિવસથી તેણે ખાવા-પીવાનું છોડી દીધું હોવાનું મહિલાએ ડો. રામનાથને જણાવ્યું હતું.
ડોક્ટરે બિલાડી પર તાત્કાલિક સારવાર શરુ કરી દીધી પણ સારવાર દરમિયાન જ બિલાડીનું મૃત્યુ થઈ ગયું. બિલાડી મરી ગઈ હોવાની જાણ થતાં જ તેને લઈ આવનાર વ્યક્તિએ ગાળાગાળી અને ધમાલ કરવાનું શરું કરી દીધું. ડો. રામનાથને એટલી મારપીટ કરવામાં આવી કે તેમના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને તેમના ક્લિનિકમાં પણ તોડફોડ કરી હતી.
ડોક્ટરની ફરિયાદને આધારે બિલાડીપ્રેમી મહિલા સહિત તેની સાથે આવેલા ચાર અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.