- મુંબઈના બે શાળા પાસે પણ સીબીએસઈના બનાવટી સર્ટિફિકેટ
- પુણેની વધુ 12 શાળાના નામ આવ્યા સામે
- 600થી વધુ શાળા પાસે આવા સર્ટિફિકેટ હોવાની આશંકા
મુંબઈઃ પુણેની સાથે સાથે હવે મુંબઈની બે શાળા પાસે પણ સીબીએસઈના બોગસ સર્ટિફિકેટ હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે. બાર બાર લાખ રુપિયામાં શાળાને ટોળકી દ્વારા બનાવટી બોગસ સર્ટિફેકેટ આપવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં જણાવવામાં આવ્યું છે.
આ બંને શાળાની માહિતી પુણે શિક્ષણ વિભાગના સંબંધિત અધિકારી દ્વારા મંત્રાલયના શિક્ષણ વિભાગના ઉચ્ચપદ પર કાર્યરત અધિકારીઓને મોકલવામાં આવશે. ત્યાર બાદ મુંબઈની શાળાઓ બાબતમાં નિર્ણય લેવામાં આવશે.
પુણેની ત્રણ શાળાઓ પાસે બનાવટી સીબીએસઈ સર્ટિફિકેટ હોવાનું હાલમાં જ પ્રકાશમાં આવ્યું હતું અને ત્યાર બાદ મંત્રાલયે દ્વારા પુણેના શિક્ષણવિભાગના ઉપસંચાલકને આ અંગે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. તપાસમાં પુણે સિવાય મુંબઈની બે શાળાએ પણ સીબીએસઈના બનાવટી પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી.
આ સમગ્ર પ્રકરણે પુણેના સમર્થનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. શિક્ષણ ઉપસંચાલક વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા પુણેની ત્રણ ઉપરાંત અન્ય 12 શાળા પાસે પણ આવા જ બનાવટી સર્ટિફિકેટ હોવાનું જાણવા મળ્યું હતું.
એટલું જ નહીં સીબીએસઈના બનાવટી સર્ટિફિકેટ આપવાનું રેકેટ ચાલી રહ્યું હોઈ આ જ રીતે આશરે 666 જેટલી શાળાઓએ સર્ટિફિકેટ લીધા હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. 12 લાખ રુપિયામાં શાળાઓને આવા બનાવટી સર્ટિફિકેટ આપનારી ટોળી કાર્યરત હોવાનું કહેવાઈ રહ્યું છે.