અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું ક્રૂર શાસન છે. રોજ રોજ તાલિબાનોના અત્યાચારોની પાશવી વાતો જાણવા મળે છે. લોકોને જાહેરમાં ફાંસી આપવી અને કોરડા મારવા જેવા અત્યાચારોનો અહીં સામાન્ય છે. તાલિબાન રોજેરોજ ક્રૂરતાનો નવો ઇતિહાસ રચી રહ્યું છે. તાજેતરમાં જ તાલિબાને કંદહારના અહેમદ શાહી સ્ટેડિયમમાં લૂંટ અને સમલૈંગિકતાના દોષિત 9 લોકોને જાહેરમાં કોરડા માર્યા અને તેમાંથી ચારના હાથ જાહેરમાં કાપી નાખ્યા. ઘટના સમયે સ્ટેડિયમમાં તાલિબાનના અધિકારીઓ, ધાર્મિક મૌલવીઓ, વડીલો અને સ્થાનિક લોકો હાજર હતા.
માનવ અધિકારોના હનન અને અત્યાચારોના મામલે આંતરરાષ્ટ્રીય નિંદાનો સામનો કરી રહેલા તાલિબાને કટ્ટરપંથીઓના સર્વોચ્ચ નેતાના આદેશ બાદ ગુનેગારોને કોરડા મારવા અને જાહેરમાં ફાંસીની સજા ફરી શરૂ કરી છે.
તાલિબાનની ક્રૂરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગયા વર્ષે 7 ડિસેમ્બરે તેમણે ફરાહ પ્રાંતમાં એક વ્યક્તિને જાહેરમાં ફાંસી આપી દીધી હતી. ઓગસ્ટ 2021 માં સત્તા પર કબજો કર્યા પછી તાલિબાન દ્વારા આ પ્રથમ જાહેર ફાંસી હતી.