માતાએ નવાઝુદ્દીનની પત્ની ઝૈનબ વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી, પ્રોપર્ટી વિવાદ સંબંધિત કેસ
બોલીવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. તે અવારનવાર પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. મળતી માહિતી મુજબ નવાઝુદ્દીન સિદ્દીકીની માતા મેહરુનિસા સિદ્દીકીએ અભિનેતાની પત્ની ઝૈનબ વિરુદ્ધ FIR નોંધાવી છે અને વર્સોવા પોલીસે તેને પૂછપરછ માટે બોલાવી છે.
નવાઝુદ્દીનની માતા સાથે ઝૈનબનો વિવાદ હતો જે હવે પોલીસ સુધી પહોંચ્યો છે.
અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની માતાની ફરિયાદ બાદ મુંબઈ વર્સોવા પોલીસે એફઆઈઆરના આધારે ઝૈનબને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી છે. અભિનેતાની પત્ની ઝૈનબ વિરુદ્ધ કલમ 452, 323, 504, 506 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
નોંધનીય છે કે નવાઝુદ્દીન, નવાઝુદ્દીનની માતા મેહરુનિસા અને તેની પત્ની ઝૈનબ ઉર્ફે આલિયા વચ્ચે કેટલીક મિલકતને લઈને ઝઘડો થયો હતો.
નવાઝુદ્દીન સિદ્દીકીએ બે લગ્ન કર્યા છે. અભિનેતાએ પહેલા તેની માતાની પસંદગીની છોકરી શીબા સાથે લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવાઝુદ્દીનને શીબા ખૂબ જ પસંદ હતી, પરંતુ તેના ભાઈની દખલગીરીને કારણે તેમના સંબંધોમાં તિરાડ પડી અને બંને એકબીજાથી અલગ થઈ ગયા. આ પછી નવાઝુદ્દીન સિદ્દીકીએ વર્ષ 2010માં અંજલિ સાથે લગ્ન કર્યા હતા. તેણે અંજલિ સાથે લવ મેરેજ કર્યા હતા. તેમને બે બાળકો છે. અભિનેતા સાથે લગ્ન કરવા માટે અંજલિએ પોતાનો ધર્મ અને નામ પણ બદલી નાખ્યું અને તેણે પોતાનું નામ ઝૈનબ રાખ્યું. જોકે, થોડા સમય બાદ તેણે પોતાનું નામ બદલીને આલિયા રાખી દીધું. કોરોના રોગચાળામાં લોકડાઉન દરમિયાન બંને વચ્ચે ઝઘડાના અહેવાલો પણ આવ્યા હતા. બંનેએ એકબીજા પર ઘણા ગંભીર આરોપો પણ લગાવ્યા હતા. આલિયાએ નવાઝુદ્દીન પર બેવફાઈનો આરોપ લગાવ્યો હતો. અહેવાલો અનુસાર, આલિયાએ 2020 માં નવાઝુદ્દીન સાથે છૂટાછેડા નોંધાવ્યા હતા અને તેના પર લગ્નેતર સંબંધો હોવાનો આરોપ મૂક્યો હતો. અભિનેતાની પત્નીએ તેના પરિવાર પર મારપીટનો આરોપ પણ લગાવ્યો હતો. બંને વચ્ચેના સંબંધોમાં એટલો તણાવ હતો કે તે છૂટાછેડા સુધી પહોંચી ગયો હતો, પરંતુ થોડા દિવસો પછી તેઓએ કહ્યું કે તેમની વચ્ચે બધું બરાબર છે.