છેલ્લા ત્રણ મહિનામાં ₹ ૧.૮૦ લાખ કરોડના પ્રોજેક્ટ પગ કરી જતાં વિપક્ષી નેતાઓની કડક આલોચના -ટાટા-એરબસ પ્રોજેક્ટની વાટાઘાટ વખતે ઉદ્ધવ ઠાકરે ઘરમાં પુરાયા હતા: ભાજપ
મુંબઈ: મહારાષ્ટ્ર છેલ્લા ત્રણ મહિના દરમિયાન અન્ય રાજ્યોમાં કરવામાં આવેલું અંદાજે રૂ. ૧.૮૦ લાખ કરોડનું રોકાણ ધરાવતા ચાર મોટા પ્રોજેક્ટ ગુમાવ્યા છે. આ પ્રોજેક્ટને કારણે રાજ્યએ આ પ્રોજેક્ટમાંથી આવનારી એક લાખથી વધુ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારી ઊભી કરવાની તક ગુમાવી છે. એવામાં એક બાવીસ હજાર કરોડ રૂપિયાનો ટાટા-એરબસ સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હવે ગુજરાતના વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હોવાની જાહેરાત ગુરુવારે કરવામાં આવી હતી. જોકે મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંત અને કેન્દ્રીયપ્રધાન નીતિન ગડકરીને વડોદરામાં ખસેડવામાં આવેલો આ પ્રોજેક્ટ નાગપુરના મિહાનમાં લાવવામાં આવે, એવી અપેક્ષા હતી. આ પ્રોજેક્ટને કારણે રાજ્યમાં અંદાજે ૬૦૦૦ પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રોજગારી ઊભી થવાની અપેક્ષા હતી.
ગુરુવારે ટાટા એરબસનો પ્રોજેક્ટ ગુજરાતના વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હોવાની જાહેરાત બાદ શિંદે-ફડણવીસ સરકાર પર વિપક્ષી નેતાઓએ માછલાં ધોયાં હતાં. શિંદે-ફડણવીસ સરકાર સત્તા પર આવ્યા બાદ છેલ્લા ત્રણ મહિનામાં રૂ. ૧.૮૦ લાખ કરોડના પ્રોજેક્ટ પગ કરી જવાને કારણે વિપક્ષી નેતાઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે અને મુંબઈનું મહત્ત્વ ઘટાડીને ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનો આરોપ વિપક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી બાજુ પોતાની સત્તા હતી એ સમયે ઉદ્ધવ ઠાકરેએ પોતાને ઘર બંધ દીધા હોવાને કારણે જ પ્રોજેક્ટ ગુમાવ્યો હોવાનો દાવો ભાજપે કર્યો છે.
ટાટા એરબસ પ્રોજેક્ટ પર આદિત્ય ઠાકરેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર આરોપ મૂકતાં કહ્યું હતું કે મુખ્ય પ્રધાન સતત દિલ્હી જઇ રહ્યા છે, પણ તે મહારાષ્ટ્ર માટે નહીં પોતાના સ્વાર્થ માટે જાય છે. ટાટા એરબસ પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં લાવવામાં આવશે, એવું મુખ્ય પ્રધાન ક્યારે પણ બોલ્યા હોય એવી જાણકારી નથી. વેદાંત-ફોક્સકોન, બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસ અને હવે ટાટા એરબસ સહિત અનેક યોજનાઓ ગુજરાતમાં પગ કરી ગઇ છે, પણ રાજ્ય સરકારનું પેટનું પાણી હલતું નથી. મહારાષ્ટ્રની જનતા માટે સરકાર કંઇ પણ વિચારતી નથી.
બીજી બાજુ ભાજપે શુક્રવારે જણાવ્યું હતું કે ટાટા એરબસ પ્રોજેક્ટ ગુજરાતમાં ખસેડાયો એ માટે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતાની માફી માગવી જોઇએ. કારણ કે પ્રોજેક્ટની વાતચીત ચાલી રહી હતી એ સમયે મુખ્ય પ્રધાને પોતાને ઘરમાં બંધ કરીને બેઠા હતા.
યુરોપિયન ઉડ્ડયન અગ્રણી એરબસ અને ટાટા કોન્સોર્શિયમ દ્વારા સી-૨૯૫ લશ્કરી પરિવહન વિમાન બનાવવાના રૂ. બાવીસ હજાર કરોડના પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા શહેરને પસંદ કર્યા પછી મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે-ભાજપ સરકાર અને વિપક્ષ વચ્ચે કડવાશભરી લડાઇ ચાલી રહી છે.
અગાઉ પુણેમાં આવવાનો પ્રસ્તાવ હતો એ વેદાંતા-ફોક્સકોનનો રૂ. ૧.૫૪ લાખ કરોડનો સેમીક્ધડક્ટર પ્લાન્ટ સપ્ટેમ્બરમાં ગુજરાતમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે ત્યાર પછી પણ અન્ય પ્રોજેક્ટ અન્યત્ર ખસેડાતાં રાજ્ય સરકાર પર માછલાં ધોવાયાં હતાં.
પક્ષ દ્વારા કરવામાં આવેલી ટ્વિટ્સમાં કહેવામાં આવ્યું હતું કે બેંગલુરુ (કર્ણાટક), હૈદરાબાદ (તેલંગણા), ગુજરાત અને ઉત્તર પ્રદેશની દરખાસ્તોનું સપ્ટેમ્બર, ૨૦૨૧માં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવ્યું હતું કે ટાટા-એરબસ પ્રોજેક્ટ ગુજરાતના ધોલેરા ખાતે સ્થાપિત કરવામાં આવશે.
ભાજપે આ અંગે દાવો કર્યો હતો કે ઠાકરે આગેવાની હેઠળની તત્કાલીન મહારાષ્ટ્ર સરકારે મેગા પ્રોજેક્ટ માટે કંપની સાથે કોઇ દરખાસ્ત કરી હોય કે પછી ચર્ચા કરી હોય એવો કોઇ રેકોર્ડ નથી.
આ વર્ષે ફેબ્રઆરીમાં ફરી એક વાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને એ સમયે પણ મહારાષ્ટ્ર સરકાર તરફથી કોઇ પ્રસ્તાવ મળ્યો નહોતો, એવો દાવો ભાજપે કર્યો હતો.
જોકે ભાજપે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે એરબસ પ્રોજેક્ટ અંગે ચર્ચા કરી હોવાનો રેકોર્ડ છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રની જનતાની માફી માગવી જોઇએ. આ પ્રસ્તાવ ગુજરાતમાં એટલા માટે ગયો, કારણ કે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ પોતાને ઘરમાં બંધ કરી દીધા હતા, એવું ભાજપે ટ્વિટ કર્યું હતું.
——–
ગુજરાતમાં ટાટા-એરબસ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સ્થાપવાનું એમઓયુ એમવીએ શાસન દરમિયાન થયું હતું: ઉદય સામંત
મુંબઈ: ગુજરાતમાં ટાટા-એરબસ સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ પ્રોજેક્ટ સ્થાપવાની ડીલ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્ર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને એ સમયે રાજ્યમાં એમવીએની સત્તા હતી, એવો દાવો મહારાષ્ટ્રના પ્રધાન ઉદય સામંતે શુક્રવારે કર્યો હતો. રાજ્યના ઉદ્યોગપ્રધાને પણ આ પ્રોજેક્ટ અંગે ગૂંચવણ ઊભી કરવા બદલ વિપક્ષની ટીકા કરી હતી.
સામંતે જણાવ્યું હતું કે ગુજરાતમાં એરક્રાફ્ટ યુનિટ સ્થાપવા માટેના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ) પર કેન્દ્ર દ્વારા સપ્ટેમ્બર, ૨૦૨૧માં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
‘વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટ હોય કે પછી ટાટા-એરબસ પ્રોજેક્ટ હોય આ પ્રોજેક્ટ્સ ક્યાં સ્થાપવા તે અંગેનો નિર્ણય આ (એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર) સરકાર આ વર્ષના જૂનના અંતમાં રાજ્યમાં સત્તામાં આવી એ પહેલાં લેવામાં આવ્યો હતો. વિપક્ષ ટીકા કરવા અને લોકોમાં ભ્રમ ઊભો કરવા સિવાય બીજું કશું કરી નથી રહ્યો.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા અને કંપનીએ આ પ્રોજેક્ટને ગુજરાતમાં લઇ જવાનો નિર્ણય કર્યો હતો, એવું તેમણે વધુમાં કહ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે એરબસ અને ટાટા જૂથનું એક સંઘ ગુજરાતમાં વડોદરામાં ભારતીય વાયુસેના (આઈએએફ) માટે સી-૨૯૫ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે. રૂ. ૨૨,૦૦૦ કરોડના આ પ્રોજેક્ટ હેઠળ ભારતમાં પહેલી વાર ખાનગી કંપની દ્વારા મિલિટરી પ્લેનનું ઉત્પાદન કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે યુરોપિયન ડિફેન્સ અને ભારતીય સમૂહની ઉત્પાદન સુવિધા માટે શિલાન્યાસ કરશે, જેમાં સ્થાનિક એરોસ્પેસ ક્ષેત્રને મોટા પ્રોત્સાહન તરીકે બિલ આપવામાં આવી રહ્યું છે.
આ જાહેરાત બાદ ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસની આગેવાની હેઠળના શિવસેના જૂથે રાજ્યમાં શિંદે-ભાજપ સરકારની ટીકા કરી હતી અને પ્રશ્ર્ન કર્યો હતો કે આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના હાથમાંથી કેવી રીતે સરકી ગયો. સામંતે કહ્યું હતું કે તેમણે ભૂતકાળમાં આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર આ પ્રોજેક્ટને રાજ્યમાં લાવવાનો પ્રયાસ કરશે. એમઓયુ પર હસ્તાક્ષર થયા પછી મને પ્રોજેક્ટને લગતો કોઇ પત્ર (એમવીએ દ્વારા) મળ્યો નથી, એવું સામંતે કહ્યું હતું.
સામંતે જણાવ્યું હતું કે અબજો ડોલરના વેદાંત-ફોક્સકોન પ્રોજેક્ટને ગુજરાતમાં ખસેડવામાં આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યને મોટા પ્રોજેક્ટની ખાતરી આપી હતી. અમને વિશ્ર્વાસ છે કે પાંચ-છ મહિનામાં રાજ્યમાં એક મોટો પ્રોજેક્ટ લાવવામાં આવશે, એવું સામંતે કહ્યું હતું. (પીટીઆઈ)