(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક ઈક્વિટી માર્કેટના મિશ્ર અહેવાલ સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે મુખ્યત્વે બૅન્કિંગ, પાવર અને એફએમસીજી ક્ષેત્રના ચોક્કસ શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં સતત બીજા સત્રમાં પીછેહઠ જોવા મળી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેકસમાં ૧૮૩.૭૪ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૪૬.૭૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ઈન્ડેક્સ હેવી વેઈટ ગણાતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બૅન્ક અને આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ઘટાડો નોંધાતા શૅર આંક વધુ દબાણ હેઠળ આવ્યા હતા.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૫૯,૯૧૦.૭૫ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૫૯,૯૯૧.૨૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ઉપરમાં ૬૦,૧૧૩.૪૭ અને નીચામાં ૫૯,૫૭૯.૩૦ સુધી ઘટ્યા બાદ અંતે ગઈકાલના બંધથી ૦.૩૧ ટકા અથવા તો ૧૮૩.૭૪ પૉઈન્ટ ઘટીને ૫૯,૭૨૭.૦૧ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૧૭,૭૦૬.૮૫ના બંધ સામે ૧૭,૭૬૬.૬૦ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૧૭,૬૧૦.૨૦ અને ૧૭,૭૬૬.૬૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધથી ૦.૨૬ ટકા અથવા તો ૪૬.૭૦ પૉઈન્ટ ઘટીને ૧૭,૬૬૦.૧૫ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે સત્ર દરમિયાન ખાસ કરીને આઈટી ક્ષેત્રનાં શૅરોમાં વેચવાલીના દબાણ ઉપરાંત બૅન્કિંગ, પાવર અને એફએમસીજી શૅરોમાં નફારૂપી વેચવાલી રહેતાં શૅર આંકમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ છતાં થોડાઘણાં અંશે આઈટી શૅરોમાં રિલિફ રેલી રહેતાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું. વધુમાં આજે વર્ષ ૨૦૨૩નાં પહેલા ત્રિમાસિકગાળામાં ચીનનો વિકાસદર બજારની અપેક્ષા કરતાં સારો આવ્યાના અહેવાલ અને અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતાઓ વચ્ચે આજે વૈશ્ર્વિક બજાર બેતરફી વધઘટે અથડાઈ ગયા હોવાનું એચડીએફસી સિક્યોરિટીઝનાં રિટેલ રિસર્ચ વિભાગના હેડ દિપક જસાણીએ જણાવ્યું હતું. આજે સતત બીજા સત્રમાં ખાસ કરીને બૅન્કિંગ, પાવર અને એફએમસીજી શૅરોમાં નફારૂપી વેચવાલીનું દબાણ રહ્યું હતું. જોકે, તેની સામે રિયલ્ટી અને મેટલ ક્ષેત્રના શૅરોમાં લેવાલી રહેતાં શૅર આંકમાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું કોટક સિક્યોરિટીઝનાં ઈક્વિટી રિસર્ચ વિભાગના હેડ શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી ૧૩ શૅરના ભાવ વધીને અને ૧૭ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. આજે મુખ્ય વધનાર શૅરોમાં ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં સૌથી વધુ ૨.૦૨ ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાય નેસ્લે અને એચસીએલ ટૅક્નોલૉજીસમાં ૧.૯૯ ટકાનો, વિપ્રોમાં ૧.૬૩ ટકાનો, સન ફાર્મામાં ૦.૭૧ ટકાનો અને મારુતી સુઝુકીમાં ૦.૬૬ ટકાનો સુધારો આવ્યો હતો, જ્યારે મુખ્ય ઘટનાર શૅરોમાં સૌૈથી વધુ ૨.૬૨ ટકાનો ઘટાડો પાવરગ્રીડ કોર્પોરેશનમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૧.૮૫ ટકાનો, રિલાયન્સમાં ૧.૧૩ ટકાનો, ટિટાનમાં ૧.૧૨ ટકાનો, એચડીએફસીમાં ૦.૭૫ ટકાનો અને બજાજ ફાઈનાન્સમાં ૦.૭૨ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે બીએસઈ મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૫૨ ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૦.૨૨ ટકાનો સુધારો આવ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના સેક્ટોરિયલ ઈન્ડાઈસીસમાં સૌથી વધુ ૩.૦૫ ટકાનો ઘટાડો બેઝિક મટિરિયલ ઈન્ડેક્સમાં જોવા મળ્યો હતો. આ સિવાય ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો, યુટીલિટી ઈન્ડેક્સમાં ૦.૮૧ ટકાનો, પાવર ઈન્ડેક્સમાં ૦.૭૬ ટકાનો અને ટેલિકોમ ઈન્ડેક્સમાં ૦.૭૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૧.૦૫ ટકાનો, રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૧.૦૩ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૦.૬૩ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૦.૪૮ ટકાનો, ટૅક્નોલૉજી ઈન્ડેક્સમાં ૦.૨૮ ટકાનો અને પીએસયુ ઈન્ડેક્સમાં ૦.૧૮ ટકાનો સુધારો આવ્યો હતો.