(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શરીરમાં આયર્નની માત્રા વધારતાં કથિત બનાવટી ઈન્જેક્શન અને દવાનો પુરવઠો મોટા પ્રમાણમાં બજારમાં વેચાણાર્થે મૂકી નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરવામાં આવતું હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ પ્રકરણે ફૂડ ઍન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન (એફડીએ)ની કાર્યવાહી બાદ મુંબઈ-અમદાવાદની પાંચ કંપની વિરુદ્ધ મલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ મામલે પુણેની એક ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા એફડીએમાં ફરિયાદ કરવામાં આવી હતી. શરીરમાં આયર્નની માત્રા વધારતી બનાવટી દવા અને ઈન્જેક્શનની શીશીનો પુરવઠો બજારમાં પૂરો પાડવામાં આવતો હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ખોટા દાવા અને બનાવટી ઈન્જેક્શનને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સામે જોખમ હોવાનું પણ કહેવામાં આવ્યું હતું.
ફરિયાદને આધારે એફડીએની ટીમે મલાડના કાંચપાડા સ્થિત એક સપ્લાયર કંપનીના ગોદામ પર કાર્યવાહી કરી ઈન્જેક્શનની અમુક શીશી તાબામાં લીધી હતી. આ ઈન્જેક્શનોનું મૂળ કંપનીમાં ઉત્પાદન કરાયું ન હોવાનું તપાસમાં જણાયું હતું.
તપાસ દરમિયાન બનાવટી દવા અને ઈન્જેક્શનોનાં ઉત્પાદન અને વેચાણમાં મોટી ચેઈન સંડોવાયેલી હોવાનું સામે આવ્યું હતું, જેમાં મલાડ, દહિસર, બોરીવલી, ગુરુગ્રામ અને અમદાવાદની કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ અંદાજે સાડાચાર હજાર બનાવટી ઈન્જેક્શન બજારમાં મૂક્યાં હતાં, એવું તપાસમાં જણાયું હતું. આ પ્રકરણે એફડીએની ફરિયાદને આધારે મલાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.