(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના કાર્યકારી અધ્યક્ષ અને ભૂતપૂર્વ પ્રધાન નસીમ ખાનના નેતૃત્વ હેઠળ થાણે જિલ્લામાં એલઆઈસીની કચેરીની સામે અદાણી જૂથ સામે જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દેશના સામાન્ય નાગરિકોનો વિશ્ર્વાસ એલઆઈસી અને સ્ટેટ બૅંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) અને અન્ય નાણાંકીય સંસ્થાઓ પર છે અને આ સંસ્થામાં રોકાણ કરેલા નાણાં કેન્દ્રની સરકારના દબાણ હેઠળ અદાણી ગ્રુપમાં રોક્યા છે, એવો આક્ષેપ કરતાં નસીમ ખાને જણાવ્યું હતું કે હિંડનબર્ગ સંસ્થાના અહેવાલને કારણે અદાણી જૂથના આર્થિક ગેરવહીવટનો પર્દાફાશ થયો છે અને તેને કારણે દેશની બદનામી પણ થાય છે. મોદી સરકારે તાબડતોબ સંસદીય તપાસ સમિતિ ગઠિત કરીને અદાણી જૂથની બધી જ કંપનીની ઊંડી તપાસ કરવી જોઈએ.