ગાંધીનગર સુધી વિવાદ જગાવનારા હાટકેશ્વર બ્રિજના નિર્માણકાર્યમાં કોણે કોણે કેવી બેદરકારી દાખવી તેની વિજિલન્સ તપાસ હાથ ધરવામાં આવતાં મનપા ઇજનેર ખાતાના અધિકારીઓ અને કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ખોખરા-હાટકેશ્વર વિસ્તારમાં ૧૩૨ ફૂટના રિંગ રોડ જંક્શન ખાતે ટ્રાફિકજામની સમસ્યા હલ કરવા માટે વર્ષ ૨૦૧૫માં એક એન્જીનીયરીંગ ઇન્ફ્રા પ્રા.લિ. કંપનીને કોન્ટ્રાક્ટરને ૩૯.૮૭ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. આ બ્રિજનું કામ સને ૨૦૧૭માં પૂરૂ થયાં બાદ વર્ષ ૨૦૨૧-૨૨થી બ્રિજની હલકી
ગુણવત્તાનો પર્દાફાશ થવાની શરૂઆત થઇ હતી અને છ મહિના અગાઉ તો બ્રિજમાં ગાબડા પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ મનપા વિજિલન્સ ખાતાના ઇજનેર વિભાગે સમગ્ર મામલાની તપાસ માટે સૌપ્રથમ તો બ્રિજના અંદાજ-ટેન્ડર, કન્સલ્ટન્ટ, કોન્ટ્રાક્ટર અને ફાઇનલ બિલ ચૂકવાયુ ત્યાં સુધીના વિગતવાર રેકર્ડ બ્રિજ પ્રોજેક્ટ પાસેથી મંગાવ્યા છે. બ્રિજની ગુણવત્તા અને રિપેરિંગકામ માટે ક્યારે કોને નોટિસ અપાઇ તેની પણ વિગતો માંગવામાં આવી હતી. હવે ખરેખર જવાબદારોને સજા મળશે કે પછી કોઈ એકને બલિનો બકરો મળી ઢાંકપિછોડો થઈ જશે તે અહેવાલ જાહેર થયા બાદ જ કહી શકાશે.