વિરોધાભાસનું જો કોઈ ઉદાહરણ આપવું હોય તો દેશમાં એવું ઘણું થાય છે જે એકબીજા સાથે તાલમેલ ન ધરાવતું હોય. ગુજરાત અને સૌરાષ્ટ્ર મગફળીના પાક માટે જાણીતું છે. દરે વર્ષે અહીં મબલખ મગફળીની આવક થાય છે. આ મગફળીમાંથી બનતા તેલની મીલોના માલિકો લાખો કરોડોમાં આરોટે છે. મગફળીના ખેડૂતો પણ સારી આવક મેળવે છે, પરંતુ રાજ્યની જનતાને શુદ્ધ અને સાત્વિક સિંગતેલ મળતું નથી અને જે મળે છે તે હંમેશાં મોંઘા ભાવે જ મળે છે. તેલ એક એવી વસ્તુ છે જે મોટાભાગની રસોઈમાં વપરાય છે. ખાસ કરીને ગરીબ-મજૂર વર્ગ તેલવાળા શાક ખાવાનું વધારે પસંદ કરે છે. તેમની પાસે છપ્પન ભોગ ન હોઈ તો તેમને એક સ્વાદિષ્ટ શાક અને ને રોટલી ખાવાનો હક તો ખરો ને? પણ મહિનાની મર્યાદિત આવક ધરાવતા લોકોને જ્યારે જરૂરી ખાદ્યસામગ્રીના ભાવ પણ વધે છે ત્યારે તેમનું બજેટ ડામાડોળ થઈ જાય છે.
ગુજરાતમાં અચાનકથી ડબ્બે રૂ. ૩૦નો વધારો ઝીંકાયો છે. સિંગતેલના એક ડબ્બાનો ભાવ રૂ. ૨૭૦૦ આસપાસ પહોંચી ગયો છે.ચાલુ વર્ષે ગુજરાતમા મગફળીનું ૪૦ લાખ ટન કરતા વધારે ઉત્પાદન થયાનું જાણવા મળે છે. હજુ તો મગફળીની ખરીદી ચાલી રહી છે ત્યારે સિંગતેલમાં ભાવવધારો કરી દેવાયો છે. જે તે રાજ્યમાં જે વસ્તુઓનું મોટા પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થતું હોય ત્યાં તે વસ્તુના ભાવ પ્રમાણમાં ઓછા કે પોષાય તેવા હોવા જોઈએ, પરંતુ આમ થતું નથી. વળી, આટલી મોટી રકમ ખર્ચ્યા બાદ પણ શુદ્ધ તેલ મળવાનું મુશ્કેલ છે. ગમે તે કંપનીના તેલથી લોકોને સંતોષ થતો નથી. આથી ગુણવત્તાવાળો માલ તો મળતો જ નથી, પરંતુ ઓછી ગુણવત્તાવાળા માલ માટે પણ જનતાએ હજારો ખર્ચવા પડે છે.