એક વડા પ્રધાનને હસ્તે બીજા વડા પ્રધાનનું સન્માન: ફીજીના વડા પ્રધાન સીતિવેની રૂબુકા દ્વારા પોર્ટ મોરેસ્બીમાં ફીજીના સર્વોચ્ચ એવૉર્ડ – ધ કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફીજી (સીએફ)થી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનિત કરવામાં આવ્યા હતા. (પીટીઆઈ)
—-
પોર્ટ મોરેસ્બી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સોમવારે પાપુઆ ન્યૂ ગિની અને ફિજીના સર્વોચ્ચ એવૉર્ડથી બિરદાવવામાં આવ્યા હતા. બે પેસિફિક ટાપુ દેશના બિન-નિવાસીને અપાયેલો આ સર્વોચ્ચ અને ભાગ્યે જ મળતો એવૉર્ડ છે.
ભારત અને પેસિફિક ટાપુઓના ૧૪ દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો સુધરે એ માટેની અગત્યની શિખર પરિષદમાં ભાગ લેવા માટે વડા પ્રધાન પહેલી જ વાર પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાતે આવ્યા હતા.
ગવર્નમેન્ટ હાઉસમાં યોજાયેલા એક સમારોહમાં પાપુઆ ન્યૂ ગિનીના ગવર્નર જનરલ સર બોબ દાદાએ વડા પ્રધાન મોદીને ગ્રાં કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ લોગોહુ (જીસીએલ)નો ખિતાબ આપ્યો હતો, એમ વિદેશી બાબતોના ખાતા (એમઈએ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું.
દેશમાં આ સૌથી મોટું નાગરિક સન્માન છે અને આ સન્માન મેળવનારને ‘ચીફ’ તરીકે ઓળખવામાં આવે છે.
પાપુઆ ન્યૂ ગિનીએ તેમનાં સર્વોચ્ચ સન્માનથી વડા પ્રધાન મોદીને નવાજ્યા એ ભારત માટે અભૂતપૂર્વ બહુમાન છે, એમ વડા પ્રધાનની કચેરીએ જણાવ્યું હતું.
પાપુઆ ન્યૂ ગિની તરફથી વડા પ્રધાન મોદીને અપાયેલો જીસીએલનો ખિતાબ એ બિનનિવાસી પીએનજીમાંથી બહુ ઓછાં લોકોને આપવામાં આવે છે. આ અગાઉ, આ ખિતાબ અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટનને આપવામાં આવ્યો હતો, એમ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
મને આ સન્માન આપવા બદલ પાપુઆ ન્યૂ ગિનીનો અને ગવર્નર જનરલ સર બોબ દાદાએનો હું ઋણી છું. ભારતને અપાયેલું આ બહુમાન છે અને અમારા લોકોનું આ સન્માન છે. આ સન્માનથી ભારત અને પાપુઆ ન્યૂ ગિનીના સંબંધો વધુ ગાઢ થશે, એમ એમઈએનાં ટ્વીટમાં જણાવવામાં આવ્યું હતું.
ફિજીના વડા પ્રધાન સિતીવેની રાબુકાએ દેશના સર્વોચ્ચ સન્માનથી મોદીને સન્માનિત કર્યાં પછી તરત જ આ ખિતાબથી નવાજવામાં આવ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સન્માન ભારતના નાગરિકોને અર્પિત કર્યો હતો. (પીટીઆઈ)