રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક મુઘલ ગાર્ડનનું નામ હવે બદલીને અમૃત ઉદ્યાન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ‘ઉદ્યાન ઉત્સવ-2023’નું ઉદ્ઘાટન કર્યું હતું.
આ વખતે રાષ્ટ્રપતિ ઉદ્યાન (હર્બલ ગાર્ડન, બોંસાઈ ગાર્ડન, સેન્ટ્રલ લૉન, લોંગ ગાર્ડન અને સર્ક્યુલર ગાર્ડન) લગભગ બે મહિના સુધી લોકો માટે ખુલ્લું રાખવામાં આવશે. અમૃત ઉદ્યાન 31 જાન્યુઆરી, 2023થી 26 માર્ચ, 2023 સુધી સામાન્ય લોકો માટે ખુલ્લું રહેશે (સોમવારે બંધ રહેશે અને હોળીના કારણે 8 માર્ચે બંધ રહેશે). 28 માર્ચથી 31 માર્ચ સુધી અમૃત ઉદ્યાન સમાજના ખાસ વર્ગો માટે ખુલ્લું રાખવામાં આવશે, જેમાં 28 માર્ચ- ખેડૂતો માટે, 29 માર્ચ – વિવિધ રીતે અપંગ લોકો માટે, 30 માર્ચ – સંરક્ષણ દળો, અર્ધલશ્કરી દળો અને પોલીસકર્મીઓ માટે અને 31 માર્ચ – આદિવાસી મહિલા સ્વસહાય જૂથો સહિત મહિલાઓ માટે આ ઉધાન ખુલ્લુ રાખવામાં આવશે.
રાષ્ટ્રપતિ ભવનના ઉદ્યાનમાં મુલાકાતીઓને 10:00 થી 16:00 દરમિયાન એક-એક કલાકના છ સ્લોટમાં મંજૂરી આપવામાં આવશે. બે ફોરેનના સ્લોટ (બપોરના 10:00 થી 12:00) પણ રાખવામાં આવ્યા છે.
મુલાકાતીઓ ઓનલાઈન બુકિંગ દ્વારા તેમનો સ્લોટ અગાઉથી બુક કરાવી શકે છે. બુકિંગ https://rashtrapatisachivalaya.gov.in/ અથવા https://rb.nic.in/rbvisit/visit_plan.aspx પર કરી શકાય છે. રિઝર્વેશન કર્યા વિના, સીધા આવતા લોકો પણ બગીચામાં પ્રવેશ મેળવી શકે છે. જોકે, તેઓએ રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 12 પાસેની સુવિધા કાઉન્ટર તેમજ સ્વ-સેવા કિઓસ્ક પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ધસારો ટાળવા અને સમય બચાવવા માટે અગાઉથી ઓનલાઈન સ્લોટ બુક કરવાની સલાહ આપવામાં આવે છે.
તમામ મુલાકાતીઓ માટે પ્રવેશ અને બહાર નીકળવાનું રાષ્ટ્રપતિ એસ્ટેટના ગેટ નંબર 35માંથી રહેશે. મુલાકાતીઓને બગીચાની અંદર કોઈપણ બ્રીફકેસ, કેમેરા, રેડિયો/ટ્રાન્ઝિસ્ટર, બોક્સ, છત્રી, ખાવાની વસ્તુઓ સાથે ન લાવવા વિનંતી કરવામાં આવી છે. તેઓ બાળકો માટે મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ચાવી, પર્સ/હેન્ડબેગ, પાણીની બોટલ અને દૂધની બોટલ લાવી શકે છે. જાહેર રસ્તા પર વિવિધ સ્થળોએ પીવાના પાણી, શૌચાલય અને પ્રાથમિક સારવાર/તબીબી સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવશે.
આ વર્ષના ગાર્ડન ફેસ્ટિવલમાં મુલાકાતીઓ ખાસ ઉગાડવામાં આવેલી ટ્યૂલિપ્સની 12 અનોખી જાતો જોઈ શકશે. મુલાકાત દરમિયાન કોઈ ચોક્કસ ફૂલ, છોડ અથવા વૃક્ષ વિશે વધુ માહિતી મેળવવા માટે લોકો બગીચામાં મૂકવામાં આવેલા QR કોડને સ્કેન કરી શકે છે.
રાષ્ટ્રપતિ ભવનમાં વિવિધ પ્રકારના બગીચા છે. મૂળરૂપે, તેમાં પૂર્વ લૉન, સેન્ટ્રલ લૉન, લૉન્ગ ગાર્ડન અને સર્ક્યુલર ગાર્ડનનો સમાવેશ થાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડો.એ.પી.જે. અબ્દુલ કલામ અને શ્રી રામ નાથ કોવિંદના કાર્યકાળ દરમિયાન, હર્બલ-1, હર્બલ-2, ટેક્ટાઈલ ગાર્ડન, બોંસાઈ ગાર્ડન અને આરોગ્ય વનમ નામના ઘણા બગીચાઓ વિકસાવવામાં આવ્યા હતા. ‘સ્વતંત્રતાના અમૃત મહોત્સવ’ તરીકે આઝાદીના 75 વર્ષની ઉજવણીના અવસરે રાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ ભવન ગાર્ડનને ‘અમૃત ઉદ્યાન’ તરીકે સામાન્ય નામ આપ્યું છે.