પૈસા મેળવવા માટે અને રાતોરાત સંપત્તિ મેળવવા લોકો કેટલી હદ સુધી જઇ શકે એ તાજેતરની ઘટના પરથી જાણવા મળે છે. એક વ્યક્તિએ બે કરોડના ઈન્સ્યોરન્સની રકમ મેળવવા માટે પોતાના મૃત્યુનું નાટક કર્યું હતું, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આખરે સત્ય બહાર આવ્યું છે. 2 કરોડના ઈન્સ્યોરન્સના પૈસા માટે એક ડોક્ટરે પોતાનું જ મોત નીપજાવવાનો ખોટો ઢોંગ કરવાનો મામલો સામે આવ્યો છે. શિવાજી પાર્ક પોલીસે આ કેસમાં ડોક્ટરની ધરપકડ કરી છે. આ કેસમાં તેને મદદ કરનાર પોલીસ કોન્સ્ટેબલને લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી છે.
દિનેશ ટકસાલ નામના ડૉક્ટર વ્યક્તિએ 2 કરોડનો વીમો મેળવવા માટે પોતાના મૃત્યુનું નાટક કર્યું હતું, જેમાં અનિલ લટકે અને વિજય માલવડે નામના બે કોન્સ્ટેબલે મદદ કરી હતી. પોલીસ દ્વારા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક પોલીસ કોન્સ્ટેબલની મદદથી દિનેશે નકલી દસ્તાવેજો પણ બનાવડાવ્યા હતા. પોલીસે આ કોન્સ્ટેબલ સામે પણ લુકઆઉટ નોટિસ જારી કરી છે. ડૉ. દિનેશનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર અહેમદનગરના આરોગ્ય વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ વિશાલ કેવરે દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આ મૃત્યુ પ્રમાણપત્રમાં તેણે દાવો કર્યો હતો કે ટકસાલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. કોન્સ્ટેબલ કૈલાસ દેશમુખે નકલી મૃત્યુ પ્રમાણપત્ર બનાવીને રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ ટકસાલનો હોવાનો દાવો નોંધવામાં મદદ કરી હોવાની શંકા છે. દેશમુખ ખરગાંવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જોકે, તેનું નામ સામે આવ્યું ત્યારથી તે ફરાર થઈ ગયો છે
અકસ્માત પીડિતોના મૃતદેહને જોયા બાદ એક મહિલા આગળ આવી હતી અને તેણે દાવો કર્યો હતો કે તે દિનેશનો મૃતદેહ છે. તેમજ તેણે એમ પણ કહ્યું હતું કે તે દિનેશની માતા છે. જોકે, આ માતા પણ નકલી જ હતી અને દિનેશની જન્મદાત્રી માતાને આ અંગે કોઈ જાણકારી ન હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ નકલી માતા બનનાર મહિલાની શોધખોળ કરી રહી છે. આ દરમિયાન ડોક્ટરે બનાવટી ડેથ સર્ટિફિકેટ આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિ દિનેશ છે. જોકે, લાશ અન્ય વ્યક્તિની હોવાનું સામે આવ્યું છે.
આ લાશ કોની છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે એવી શંકા વ્યક્ત કરી છે કે આ અકસ્માત હતો કે દિનેશ અને તેના સાથીઓએ કોઈની હત્યા કરી હોય અને વીમા માટે અકસ્માત હોવાનું ડોળ કર્યું હોય. પોલીસ બધા એંગલથી તપાસ કરી રહી છે.