ઝેલેન્સકીએ પીએમ મોદીને પત્ર લખી માનવીય મદદ માંગી
રશિયા સાથેના યુદ્ધ વચ્ચે યુક્રેને ભારત પાસે માનવતાવાદી સહાયની માંગ કરી છે. આ માટે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે . વિદેશ મંત્રાલયે બુધવારે આ જાણકારી આપી હતી. ભારતની મુલાકાતે આવેલા યુક્રેનના નાયબ વિદેશ મંત્રી એમિન ઝાપારોવાએ ઝેલેન્સકીનો પત્ર વિદેશ અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીને સોંપ્યો હતો.
આ પત્રમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારત પાસેથી વધારાની માનવતાવાદી સહાયની માંગ કરી છે. જેમાં દવા અને તબીબી સાધનો જેવી વસ્તુઓની માંગણી કરવામાં આવી છે. વિદેશ અને સાંસ્કૃતિક રાજ્ય મંત્રી મીનાક્ષી લેખીએ ટ્વીટ કર્યું કે ભારતે યુક્રેનને માનવતાવાદી સહાયની ખાતરી આપી છે. યુક્રેનના મંત્રી જાપારોવાએ સોમવારે કહ્યું હતું કે ભારતે રશિયા સાથેના યુદ્ધને ઉકેલવામાં અમારી મદદ કરવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે યુક્રેન અન્ય દેશો સાથેના તેના આર્થિક સંબંધો અંગે ભારતને સૂચના આપી શકે તેવી સ્થિતિમાં નથી. એમિન જાપારોવાએ ભારતને વૈશ્વિક નેતા ગણાવ્યું હતું. ભારતને વિશ્વગુરુ ગણાવતા તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારોને રોકવામાં ભારત મહત્વની ભૂમિકા ભજવી શકે છે. યુક્રેને ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી. આ દરમિયાન જપારોવાએ પાકિસ્તાન અને ચીનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત તેના બંને પાડોશી દેશોથી પરેશાન છે. આ સમયે બંને દેશો સાથે તેમના સંબંધો સારા નથી. આવી સ્થિતિમાં ભારતે ક્રિમિયા પાસેથી બોધપાઠ લેવો જોઈએ.
એમિન જાપારોવાએ પી એમ મોદીને એ નિવેદનનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે એમણે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં પુતિનની સાથે વાતચીતમાં કહ્યું હતું. પી એમ મોદીએ રશિયાના પ્રમુખ પુતિનને કહ્યું હતું કે, ‘આજનો સમય યુદ્ધનો નથી.’ એમણે જણાવ્યું હતું કે હું યુક્રેનનો સંદેશ લઇને ભારત આવી છું. અમે ઇચ્છીએ છીએ કે ભારત સાથે અમારા નજદીકી સંબંધો બને. અમારો અલગ ઈતિહાસ છે પરંતુ અમે ભારત સાથે નવો સંબંધ સ્થાપિત કરવા માંગીએ છીએ.