ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
ભારત દેશ વિશ્ર્વભરમાં ઉત્સવોની ઉજવણીના ઉત્સાહ અને આપણી સંસ્કૃતિના રંગો માટે જાણીતો છે. અલગ અલગ પ્રાંતમાં આખાયે વર્ષ દરમ્યાન અલગ અલગ ઉત્સવોને વિવિધ ઢબે ઊજવવામાં આવે છે. અહીંનું સાંસ્કૃતિક વૈવિધ્ય જ તો છે જે સમગ્ર વિશ્ર્વને અહીં આવવા માટેનું ઇજન આપે છે. વિશ્ર્વના દરેકેદરેક ખૂણે અહીંનું સાંસ્કૃતિક વૈવિધ્ય અને ઉત્સવોની હારમાળા હંમેશાં જિજ્ઞાસાનો વિષય રહ્યા છે અને પશ્ર્ચિમી સંસ્કૃતિની વ્યક્તિ પણ અહીંના ઉત્સવોની ઉજવણીનું ભાગ બનવાનું ચૂકતી નથી. ગુજરાતી, પંજાબી, મરાઠી, હિમાચલી, કાશ્મીરી કે પછી કોઈ પણ ભારતીય હોઈએ, આપણે રોજબરોજના જીવનમાંથી વિરામ લઈને આનંદ અને ઉલ્લાસ કરવા એ આપણી પ્રકૃતિમાં વણાયેલું છે. માનવીના આનંદની અભિવ્યક્તિ અને ઊર્મિસાગરના મોતીઓ સમાન આપણા તહેવારો છે. આપણા ઉત્સવો અને પરંપરા આપણને સમગ્ર વિશ્ર્વમાં એક આગવી ઓળખ આપે છે અને વિશ્ર્વભરમાંથી લોકોને આપણી સંસ્કૃતિ અને ઉત્સવોની વિવિધતા ભારતમાં ખેંચી લાવે છે.
આ સમગ્ર ઉત્સવો અને તહેવારોની હારમાળામાં લોકહૈયાં પર રાજ કરતો, દરેક જાતિ અને સમુદાયના દરેક લોકો હરખઘેલા થઈને જેમાં ઓતપ્રોત થઈને નાચી ઊઠે એ તહેવાર એટલે હોળી. આમ તો દેશના અલગ અલગ પ્રાંતમાં આ ઉત્સવને અલગ અલગ રીતે ઊજવવામાં આવે છે. આપણા માટે હોળી અને ધુળેટીનો ઉત્સવ માત્ર બે જ દિવસનો હોય છે, જેેમાં આપણે રંગો વડે ધુળેટી રમીને, ખાઈ-પીને ઉજવણી કરીએ છીએ, પણ ઉત્તર પ્રદેશના બરસાના અને વૃંદાવનમાં આ ઉત્સવનો માહોલ કંઈક અલગ જ જોવા મળે છે તો વળી રાજસ્થાનના પુષ્કરમાં હોળીનો ઉત્સવ મન મૂકીને ઊજવાય છે. જોધપુરમાં પણ આ ઉત્સવને અનોખી રીતે ઊજવાય છે. હિમાચલના કસોલમાં આ તહેવારની અલગ જ રોનક હોય છે, પણ બરસાનામાં ૫૦૦૦ જેટલાં વર્ષથી ચાલી આવતી સાંસ્કૃતિક પરંપરા અને ભગવાન શ્રીકૃષ્ણને કેન્દ્રમાં રાખીને પૂરા અઠવાડિયા સુધી આ ઉત્સવની ઉજવણી કેસૂડાના રંગો થકી કરવામાં આવે છે. હોળીનું નામ સાંભળીએ અને બરસાના યાદ ન આવે એ શક્ય જ નથી. બરસાનાની લઠમાર હોળી વર્ષોથી દેશ અને વિદેશના લોકોના આકર્ષણનું કેન્દ્ર રહી છે.
અહીં ઉજવાતી લઠમાર હોળીનું માહાત્મ્ય અને સમગ્ર દેશથી અલગ પડતી ઉજવણીનો પરિચય જાણીએ.
શ્રીકૃષ્ણ અને રાધાજીનાં ગામો એવાં વૃંદાવન અને બરસાનામાં સતત એક અઠવાડિયા સુધી રંગોનો ઉત્સવ અલગ અલગ રીતે મહોલ સર્જીને ઊજવાય છે અને આ ઉત્સવનાં સાક્ષી બનવા વિશ્ર્વભરમાંથી નાનેરાં, મોટેરાં સહુ કોઈ આવે છે. શ્રીકૃષ્ણના જીવનના એક પ્રસંગને આ પરંપરાથી અહીંના લોકો જીવંત રાખે છે. સામાન્ય રીતે શ્રીકૃષ્ણ અને બધી ગોપીઓ વચ્ચે રાસલીલા થતી રહેતી, હોળી વખતે નંદગામથી શ્રીકૃષ્ણ ગોવાળો સાથે રાધાજીના ગામ બરસાના રંગોથી રંગવા માટે આવતા અને બરસાનાની ગોપીઓ લાકડી મારીને તેઓને હાંકી કાઢતી. ગોવાળો ગોપીઓને છેડવાની નિર્દોષ મસ્તીના ભાગરૂપે વિવિધ ગીતો લલકારતા અને ગોપીઓ પણ એનો ઉત્તર ગીતોથી આપતી. ફરી એ જ રીતે બીજા દિવસે બરસાનાની ગોપીઓ નંદગામ જતી અને આ જ પ્રકારનાં
મધુર ગીતો થકી થતા સંવાદ સાથે સાથે કેસૂડાના રંગોની હોળી રમાતી. શ્રી રાધાકૃષ્ણના વાર્તાલાપોના આધારે બરસાનામાં હોળી ઊજવાય છે અને સાથે સાથે લોકગીત પણ ગવાય છે. ફાગણ મહિનાની નવમીએ સમગ્ર વ્રજધામ રાધાકૃષ્ણના પ્રેમના રંગોમાં રંગાઈ જાય છે. શ્રી રાધારાણીના જન્મસ્થળ બરસાનાની હોળીને ફાગુ ઉત્સવ અથવા હોરી પણ કહેવામાં આવે છે. આ ૫૦૦૦ વર્ષ જૂની પરંપરાને અહીં એ જ રીતે ઊજવાય છે અને આ રંગબેરંગી માહોલ અહીંની હોળીને વિશ્ર્વભરનો સહુથી મોટો રંગોનો ઉત્સવ બનાવે છે. નંદગામના પુરુષો પરંપરાગત વસ્ત્રો ધારણ કરીને સજીધજીને અહીં આવે છે, બરસાનાની સ્ત્રીઓ લાકડીઓ લઈને તેઓને મારીને ભગાડવા માટે આવે છે અને પુરુષો ઢાલથી પોતાનો બચાવ કરે છે. દેશના એકમાત્ર રાધાજીના મંદિર એવા બરસાનામાં આ ઉત્સવની શરૂઆત થાય છે. આમ શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલ આ મીઠો ઝઘડો હવે એક પરંપરા બની ગયો જે લોકોને પરસ્પરનાં મનદુ:ખ ભૂલીને સાથે ખુશીઓ મનાવવાની એક રીત શીખવી જાય છે. બીજા દિવસે નંદગામમાં આ ઉત્સવ હોય છે, જ્યારે ત્રીજા દિવસે વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં ભક્તો શ્રીકૃષ્ણ સાથે ફૂલોની હોળી રમે છે. ચોથા દિવસે મથુરાના મુખ્ય મંદિરમાં કેસૂડાના રંગોથી હોળી રમાય છે. સહુથી અનોખી અહીં વિધવાઓની હોળી હોય છે. રંગોથી એક સમયે અળગી થનાર સફેદ વસ્ત્રોમાં સજ્જ વિધવાઓને વિવિધ રંગોનાં ફૂલો વડે કુદરતના સુંવાળા સ્પર્શથી હોળી રમતી જોવી એ સહુ કોઈના મનને આનંદિત કરી દે છે. હોળી એ મોજમસ્તી અને આનંદ-ઉલ્લાસનો તહેવાર છે અને કોઈ પણ મનુષ્ય એ આનંદથી વંચિત રહી ન જાય એનું ઉત્તમ ઉદાહરણ આ વિધવાઓની હોળી પૂરું પાડે છે.
લઠમાર હોળી – ૨૦૨૩નો વિગતવાર કાર્યક્રમ
દર વર્ષે આ ઉત્સવ વસંતપંચમીથી જ શરૂ થઈ જાય છે. સહુથી છેલ્લે શ્રી બલરામજીના ગામ એવા હુરંગામાં રંગોની હોળી ઊજવાય છે. આ બધુંહોળીના તહેવારના ૮ દિવસ પહેલાંથી જ શરૂ થઈ જાય છે. આ વર્ષે આ ઉત્સવ આવતી કાલથી જ એટલે કે ૨૭મી ફેબ્રુઆરીથી બરસાનામાં લડ્ડુ હોળીથી શરૂ થશે, જે ૯મી માર્ચના દિવસે હુરંગામાં રંગોની હોળી સાથે સંપન્ન થશે. ૨૭મી ફેબ્રુઆરી લડ્ડુ હોળી – બરસાના, ૨૮મી ફેબ્રુઆરી લઠમાર હોળી – રાધારાણી મંદિર બરસાના, જે મુખ્ય હોળી હોય છે, પહેલી માર્ચ નંદગામમાં નંદભવન ખાતે લઠમાર હોળીની ઉજવણી જ્યાં ગોવાળો અને બરસાનાની ગોપીઓ વચ્ચે સંસ્કૃતમાં પારંપરિક લોકગીતોમાં સંવાદ સાથે રંગોનો ઉત્સવ ઊજવાશે અને સખીઓ વિવિધ રંગો અને પરંપરાગત પોશાક ધારણ કરીને અવનવાં નૃત્ય કરીને શ્રીકૃષ્ણ,બલરામ અને નંદબાબાના પરિવાર સાથે ઉત્સવ ઊજવશે. બીજી માર્ચે આ વર્ષે ખાલી દિવસ છે પણ ત્રીજી માર્ચે વૃંદાવનમાં બાંકે બિહારી મંદિરમાં ફૂલોની હોળી અને વૃંદાવનના મુખ્ય મંદિરમાં રંગભરની હોળીના ઉત્સવની ઉજવણી કરવામાં આવશે, સાથે સાથે ગોકુલના મુખ્ય મંદિરમાં પણ હોળીની ઉજવણી કરવામાં આવશે. ચોથી માર્ચે ગોકુળમાં છડી-માર હોળીનું આયોજન કરાયું છે
જે લઠમાર હોળીનું જ નાનું સ્વરૂપ છે. છઠ્ઠી માર્ચે વૃંદાવનમાં ગોપીનાથ મંદિર આસપાસ વિધવાઓની હોળીનો ઉત્સવ ઊજવાશે. સાતમી માર્ચે મથુરાના મુખ્ય મંદિરના ગેટ પાસે રાત્રે હોલિકા દહન કરવામાં આવશે અને આઠમી માર્ચે મથુરાની ગલીઓમાં અબીલ-ગુલાલ અને રંગોથી હોળીની ઉજવણી કરવામાં આવશે. નવમી માર્ચે હુરંગામાં રંગોથી હોળીના ઉત્સવની પૂર્ણાહુતિ થશે.
હોળીના ઉત્સવની સાથે સાથે અહીંના પ્રમુખ મંદિરની મુલાકાત લઈને વ્રજમાં ફર્યાનો આનંદ ચોક્કસપણે માણી શકાય.
હોળીના અવસર પર અહીં સુંદર નજારો જોવા મળે છે. અહીં રાધારાણીની ઝાંખી નીકળે છે સાથે સાથે ચોપાઈ પણ નીકળે છે જે બરસાનાની ગલી ગલીમાં ફરીને રંગોની છોળો ઉડાડે છે અને ગીતો ગાય છે.
આ ઉપરાંત અહીં મન મંદિર, શંકરી ખોર, મોર કુરીટ મંદિર, રંગીલા મહેલ, નંદભવન જેવાં જોવાલાયક સ્થળો આવેલાં છે. બરસાના આસપાસ પૂર્વમાં વૃષભાનું કુંડ, ઉત્તર પૂર્વમાં કીર્તિદા કુંડ, દક્ષિણ-પશ્ર્ચિમમાં વિહાર કુંડ અને દક્ષિણ ભાગમાં દોહની કુંડ એમ ચાર સરોવર/તળાવ આવેલાં છે. બરસાનાનું મુખ્ય મંદિર એક ટેકરી પર સ્થિત છે જ્યાં પહોંચવા માટે ૧૦૦ પગથિયાં ચઢવાં પડશે.
અહીંની અનોખી પરંપરા ખૂબ જાણીતી અને આશ્ર્ચર્યમાં મૂકી દે તેવી છે. અહીં બરસાના અને નંદગામના લોકો વચ્ચે લગ્ન કર્યા વિના જ શ્ર્વશુર-વેવાઈ જેવાં માન-સન્માન જળવાય છે. આ બે ગામ વચ્ચે અહીં ક્યારેય એકબીજા સાથે લગ્ન વ્યવહારો થતા નથી. આશરે ૫૦૦૦ વર્ષ જૂની આ પરંપરાને આજની પેઢી શ્રીકૃષ્ણના માનમાં નિભાવતી આવે છે. બરસાનાના જમાઈ માત્ર શ્રીકૃષ્ણ જ હોઈ શકે એના સિવાય એ જગ્યા બીજું કોઈ ન લઈ શકે એવી માન્યતાને લઈને આજે પણ નંદગામને બરસાનાના લોકો જમાઈ પક્ષ જેટલું જ માન-સન્માન આપે છે અને એ બધા જ સંબંધો નિભાવે છે. રાધા-કૃષ્ણના પ્રેમને સન્માન આપીને બરસાનાની દીકરીઓનાં લગ્ન નંદગામમાં ક્યારેય નથી કરતાં અને આજે પણ તેઓ શ્રીકૃષ્ણને બરસાનાના જમાઈ અને નંદગામને રાધાનું સાસરું માને છે અને તેઓ નંદગામનું પાણી સુધ્ધાં નથી પીતા. સામે નંદગામના લોકો જ્યારે બરસાના જાય ત્યારે તેઓને ક્યારેય ખાલી હાથે પાછા નથી મોકલાતા.વર્ષો જૂની આ પરંપરા હજી પણ એટલાં જ ભાવ અને શ્રદ્ધાથી સચવાઈ રહી છે.
બરસાના ઉત્સવને માણવો એ ખરેખર જીવનમાં ક્યારેય ન જતી કરી શકાય એવી તક છે. અહીં કેસૂડો અને બીજાં ફૂલોથી બનાવેલા રંગોથી હોળી રમાય છે અને સતત આઠ દિવસ સુધી આ ઉત્સવનો માહોલ જામેલો રહે છે. બાંકે બિહારી મંદિરમાં ઠાકોરજીને સફેદ કપડાં પહેરાવીને ભક્તો સાથે હોળી રમવા લઇ આવે છે. અહીં વિવિધ જાતનાં મિષ્ટાન્ન અને ઠંડાઈનો આનંદ માણી શકાય છે. રહેવા માટે મથુરામાં વ્યવસ્થા મળી રહે છે, પણ બરસાના જવા માટે ટેક્સી કરવી હિતાવહ છે, કેમ કે જાહેર વાહનોમાં એ દિવસોમાં જગ્યા મળવી લગભગ અશક્ય. એટલે હોળીના વિવિધ રંગો અને સાથે સાથે ભાત ભાતનાં મિષ્ટાન્ન તેમ જ ઠંડાઈ અને ગુજિયાને માણવાં એ એક અદ્ભુત લહાવો છે. ચારે તરફ પ્રેમના રંગછાંટણા ઊડી રહ્યા હોય એવા વાતાવરણમાં આનંદ જ આનંદ હોય છે. આમ સદીઓથી આ પરંપરા ચાલતી આવે છે અને આપણે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આ હર્ષોલ્લાસનો વારસો રૂપાંતરિત કરતા આવી રહ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું. જીવનમાં એક વાર જરૂરથી રાધારાણીના ગામની મુલાકાત લઈને આ પ્રેમ અને રંગોના સૌંદર્યને અચૂકથી માણવું. આવા ઉત્સવો મનને હળવુંફૂલ બનાવી એક નવી જ તાજગી આપે છે.